2023-24 માટે GCCI ની 73મી વાર્ષિક સામાન્ય સભા અને નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
13 જુલાઈ 2023:
આ સભામાં સમગ્ર ગુજરાતમાંથી વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. વાર્ષિક સભા દરમિયાન, પ્રમુખ શ્રી પથિક પટવારીએ વર્ષ દરમિયાન યોજાયેલ સીમાચિહ્નરૂપ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત માહિતી આપી હતી અને તેમના કાર્યકાળને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સભ્યો અને વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો અને અન્ય મુદ્દાઓને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા.
શ્રી અજયભાઈ પટેલે વર્ષ 2023-24 માટે GCCI ના નવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે શ્રી સંદીપ એન્જીનીયરે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને શ્રી મિહિર પટેલે ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વાર્ષિક સામાન્ય સભામાં કારોબારી સમિતિના નવા ચૂંટાયેલા સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. શ્રી પથિક પટવારી અને તેમની વર્ષ 2022-23 માટે પદાધિકારીઓની નવી ટીમ અને ચૂંટાયેલા કારોબારી સમિતિના સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
વાર્ષિક સામાન્ય સભા બાદ નવા હોદ્દેદારોના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ,. જેમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા, જ્યારે Zydus ગ્રુપના ચેરમેન અને GCCIની એમ્પાવર્ડ એપેક્સ કમિટીના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલ અતિથિ વિશેષ હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને તેમના આશીર્વાદ આપેલ હતા.
શ્રી પથિક પટવારીએ આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કર્યું અને સમગ્ર વર્ષ દરમિયાન તેમના સમર્થન, સહકાર અને સક્રિય ભાગીદારી બદલ તમામ સભ્યોનો આભાર માન્યો. તેમણે ઉલ્લેખ કર્યો કે, હાલમાં આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં છીએ, જ્યાં માહિતી, R&D, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વ્યવસાયોની સફળતા માટેના નિર્ણાયક પરિબળો હશે. તેમણે વધુમાં કહ્યું કે, આ તે સમય છે જ્યારે અમારે એક ટેસ્ટ મેચની અંદર પાંચ T20 મેચ રમવાની છે, એટલે કે દરેક સમયે કોઈપણ અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું પડશે. તેમણે સભ્યોને અપીલ કરી કે, પરિવર્તનને તક તરીકે જોવા અને પડકાર તરીકે નહીં અને હંમેશા લાબું વિચારવું જોઈએ અને વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખવા જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાને 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર હોવું જોઈએ. આ લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે મંચ પરના દિગ્ગજો સાથેના તેમના વિશેષ જોડાણનો અને તેમના સમર્થન અને માર્ગદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.
નવા ચૂંટાયેલા સિનિયર ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જીનીયરે તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો કે તેમની કારકિર્દીમાં કેવી રીતે તેમણે સફળતાપૂર્વક અવરોધોનો સામનો કર્યો અને એક સફળ બિઝનેસ ગ્રુપ તરીકે ઉભરી આવ્યા. તેમણે વધુ માં જણાવતા કહ્યું કે, યોગ્ય સમયે અને યોગ્ય રીતે બ્રાન્ડિંગ અને માર્કેટિંગનો ઉપયોગ કરીને બિઝનેસના વૈવિધ્યકરણ થકી તેમના બિઝનેસને વિસ્તારવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું કે નવા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલના નેતૃત્વમાં તેમના માટે આ શીખવાની મોટી તક હશે. તેમની કંપનીની સમગ્ર ભારતમાં હાજરીને કારણે તેમને વિવિધ રાજ્યોની નીતિઓ અને best practicesનો સારો અનુભવ છે જેનો તેઓ GCCI અને તેના સભ્યોના લાભ માટે ઉપયોગ કરશે. તેમણે તેમની ધંધાકીય યાત્રામાં શ્રી પંકજભાઈ પટેલના સહયોગ અને માર્ગદર્શન અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી અજયભાઈ પટેલે તેમના સંબોધનમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને તેમના પર મૂકેલા વિશ્વાસ બદલ તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે વર્ષ દરમિયાન હાથ ધરવાની વિવિધ પહેલનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, વર્ષ દરમિયાન લઘુ અને નાના વેપાર- ઉદ્યોગ એકમોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવી એ પ્રાથમિકતા રહેશે. તેમણે ઉમેર્યું હતું કે GCCI દ્વારા રજૂ કરાયેલ નોમીનલ સભ્યપદ દ્વારા સમગ્ર ગુજરાતમાં નાના ઉદ્યોગોને જોડવાના પ્રયાસો કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે GCCI મોટા એકમો માટે પણ કામ કરશે અને મોટા ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરશે જેથી તેઓ વૈશ્વિક બજારોમાં સફળતાપૂર્વક સ્પર્ધા કરી શકે. તેમણે જણાવ્યું હતું કે GCCI વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સક્રિય ભૂમિકા ભજવશે અને સરકારને જરૂરી તમામ સમર્થન આપશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે GCCI ઉભરતા ક્ષેત્રો જેમ કે સંરક્ષણ, એરોસ્પેસ વગેરેમાં તકોને ઓળખવા અને તેનો લાભ લેવા માટે કામ કરશે અને રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પણ પ્રોત્સાહન આપશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉદ્યોગ, બેંકિંગ, સ્પોર્ટસ અને ચેરિટેબલ સંસ્થાઓ જેવા મુખ્ય ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓનું નેતૃત્વ કરવાના તેમના બહોળા અનુભવનો GCCI અને તેના સભ્યોના લાભ માટે ઉપયોગ કરવામાં આવશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામીજીએ તેમના સંબોધનમાં GCCI ના નવા ચૂંટાયેલા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમના મુખ્ય વક્તવ્યમાં તેમણે સફળ નેતાના ગુણોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું હતું કે સાચો નેતા અનુયાયીઓ બનાવતો નથી પરંતુ નવા નેતાઓ નું નિર્માણ કરે છે. તેમણે નવા ચૂંટાયેલા પદાધિકારીઓને તેમની સિદ્ધિઓથી ઉપર રહીને લોકો માટે કામ કરવા અને વેપાર અને ઉદ્યોગની એકંદર સુખાકારીને ધ્યાનમાં રાખવાનું સૂચન કર્યું હતું. બીજી તરફ, તેમણે સભ્યોને એકીકૃત રહેવા અને તેમના સપના અને આકાંક્ષાઓને સંરેખિત કરવા સૂચન કર્યું.
સમારોહના અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ પટેલે તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે ચેમ્બરે સરકારશ્રી સમક્ષ રજૂઆતો કરવાની સાથે તેમના ઉકેલ પણ રજૂ કરવા જોઈએ. ચેમ્બરે રજૂઆત કરતા પહેલા મુદ્દાના તમામ પાસાઓ વિશે વિચારવું જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રામાણિકતા, આદર અને ઔચિત્ય એ સફળતા માટેની મહત્વની પૂર્વશરતો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારની જેમ ચેમ્બરે પણ મેનિફેસ્ટો બનાવવો જોઈએ અને દરેકને અસર કરે તેવા પ્રશ્નોના ઉકેલ માટે લક્ષ્યાંક બનાવવો જોઈએ તેમજ દરેક સભ્યએ સમાજ અને તેના પ્રત્યેની જવાબદારીઓ વિશે વિચારવું જોઈએ.
આ મહત્વપૂર્ણ અવસર પર, GCCI ના નવા લોગોનું અનાવરણ માનનીય મુખ્યમંત્રીશ્રી અને કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. GCCI ના નવા લોગોમાં ગુજરાતનો નકશો, સૂર્ય કિરણો, એક ગિયર અને સિંહ દર્શાવવામાં આવ્યા છે. નકશો ગુજરાતના ગૌરવશાળી રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સૂર્યકિરણો આર્થિક સશક્તિકરણ તરફ GCCIના પ્રગતિશીલ અભિગમ અને ઉત્થાનકારી ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. ગિયર નાનાથી લઈને મોટા તમામ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે સિંહ શક્તિ અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે. વાદળી રંગ સત્તા, વફાદારી, શક્તિ, વ્યાવસાયિકતા અને વિશ્વાસનું પ્રતીક છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રસંગના મુખ્ય મહેમાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના મુખ્ય વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાત દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના સફળ નેતૃત્વમાં કાર્ય કરતી કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પગલાંઓનો લાભ ગુજરાત રાજ્યને મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં રાજ્યનું GST કલેક્શન સૌથી વધુ હતું, જે દર્શાવે છે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહનોને કારણે વેપાર અને ઉદ્યોગ સારી રીતે કાર્યરત છે અને સમૃદ્ધ બન્યું છે. તેમણે વિષેમાં જણાવ્યું હતું કે ગુજરાતનો વિકાસ રાજ્યના દરેક ખૂણે ખૂણે પહોંચ્યો છે. અને તેઓએ આ વિકાસ ને જાળવવા ઉદ્યોગોને તેમના ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી .
#bharatmirror #bharatmirror21 #news #annualgeneralmeeting #gcci #ahmedabad