નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 જુલાઈ 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ આજે નેપાળના માનનીય નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતના નેતૃત્વમાં તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે આવેલા નેપાળના પ્રતિનિધિમંડળ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું, જેમાં માનનીય મંત્રી( અર્થશાસ્ત્ર) શ્રીમતી નીતા પી. આર્યલ,શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવ, શ્રી યોગીરાજ પાંડે, અન્ડર સેક્રેટરી અને શ્રી રેવતી આર. પૌડેલ, મંત્રી કાઉન્સેલર-પોલિટિકલ હાજર રહ્યા હતા. આ મીટીંગનો મુખ્ય ઉદ્દેશ નેપાળ અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો અને સંભવિત રોકાણકારોને નેપાળમાં આમંત્રિત કરવાનો હતો.
GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીયરે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને GCCI સભ્યો માટે નેપાળમાં તેમના સ્થાનિક વ્યવસાયને વિસ્તારવા માટેની તકો શોધવામાં રસ દર્શાવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નેપાળ અને ભારત ઊંડો ઇતિહાસ અને સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે અને બંને દેશોના આર્થિક સંબંધો વર્ષોથી મજબૂત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે GCCI પરસ્પર લાભ માટે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવએ નેપાળમાં રોકાણ અને વેપારની તકોની માહિતી આપતું પ્રેઝન્ટેશ કર્યું હતું. તેમણે નેપાળમાં રોકાણના વિવિધ ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો જેમ કે રોકાણકારો માટે વિન્ડો સિસ્ટમ,વ્યવસાય કરવાની સરળતા, મોટા રોકાણ માટે સુસ્થાપિત રોકાણ બોર્ડ, યુવા અને કુશળ માનવબળની ઉપલબ્ધતા, નીચા સ્તરની સ્પર્ધા અને મુખ્ય અર્થતંત્રોમાં ડ્યુટી ફ્રી માર્કેટ એક્સેસ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે નેપાળમાં રોકાણની મોટી સંભાવના ધરાવતા કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં ઊર્જા, પ્રવાસન, કૃષિ, ઉત્પાદન, આઈટી, આરોગ્ય, ખાણ -ખનીજ અને શિક્ષણનો સમાવેશ થાય છે.
નેપાળના માનનીય નાણામંત્રી ડૉ. પ્રકાશ શરણ મહતે નેપાળની વિકસતી અર્થવ્યવસ્થાના મહત્વના પાસાઓ અંગે અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે નેપાળની અપાર સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં નેપાળમાં રોકાણ માટેના અનુકૂળ વાતાવરણ, આશાસ્પદ ક્ષેત્રો અને ઉભરતી તકો પર પ્રકાશ પાડયો હતો. તેમણે ઉમેર્યું હતું કે નેપાળમાં IT સેક્ટરમાં રોકાણ એ ભારતીય રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે કારણ કે ત્યાં કોઈ ન્યૂનતમ રોકાણની આવશ્યકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાઈડ્રોપાવર, એજ્યુકેશન અને મેન્યુફેક્ચરિંગમાં પણ રોકાણની મોટી સંભાવનાઓ રહેલ છે. માનનીય નાણામંત્રીએ ઇન્ટરેક્ટિવ સત્ર દરમિયાન સહભાગીઓના પ્રશ્ર્નોના હકારાત્મક જવાબ આપ્યા હતા.
શ્રી રેવતી આર. પૌડેલ, મંત્રી કાઉન્સેલર-પોલિટિકલ દ્વારા આભારવિધિ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #nepal #gcci #ahmedabad