નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 ઓગસ્ટ 2023:
PMJAY યોજના દ્વારા ડાયાલિસિસની સારવારના ચુકવાતા દરમાં ઘટાડાના વિરોધમાં ચાલતા આંદોલનમાં મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત બાદ તા.૨૨ ઓગષ્ટના રોજ આરોગ્યમંત્રીશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની મંત્રણા એક સમાધાનકારી નિર્ણય પર પહોંચતા, ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ અને બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરોના આંદોલનનો સુખદ અંત આવ્યો છે
ગુજરાતભરમાં નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા સરકારશ્રીની PMJAY યોજના હેઠળ ડાયાલિસિસ સારવારના ચુકવાતા દરમાં તાજેતરમાં જાહેર કરાયેલ ઘટાડાના વિરોધમાં રાજયભરના નેફ્રોલોજીસ્ટ અને PMJAY યોજના સાથે સંકળાયેલા તમામ બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો આંદોલન ચલાવી રહ્યા હતા. જે અંતર્ગત તા. ૨૧ ઓગષ્ટના રોજ નેફ્રોલોજીસ્ટ તબીબોનું પ્રતિનિધિ મંડળ રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબને મળી તેમની સમસ્યાનો ચિતાર આપ્યો હતો. જે સંદર્ભે આજ તા. ૨૨ ઓગષ્ટના રોજ રાજયના માન. આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલ સાહેબ, આરોગ્ય કમિશ્નર શ્રી શાહમીના હુસેન મેડમ સહિતના અધિકારીઓ સાથે મંત્રણાના અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય પર પહોંચતા, ગુજરાત નેફ્રોલોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) દ્વારા ચલાવાતા આંદોલનનો સુખદ અંત જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે વિગતો આપતા ગુજરાત નેફોર્લોજીસ્ટ એસોસીએશન (જી.એન.એ.) જણાવે છે કે ગત સપ્તાહમાં તબીબો ભાજપના વિવિધ હોદેદારશ્રીઓ, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓને મળ્યા બાદ, તા. ૨૧ ઓગષ્ટના રોજ રાજયના માન. મુખ્યમંત્રીશ્રીનો સમય માંગી ગાંધીનગર ખાતે તેમને મળવા ગયા હતા. જયાં તબીબોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આખો પ્રશ્ન સવિસ્તાર સમજાવી તેની અસરો અને તેના દ્વારા કિડની ફેઇલ્યર જેવી ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓની સારવારમાં નેફ્રોલોજીસ્ટ તબીબો અને બિન-સરકારી ડાયાલિસિસ સેન્ટરો કેવી રીતે જીવનરક્ષક કાર્ય કરે છે, તે અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રી પણ આ પ્રશ્નને ગંભીરતાથી સમજીને તાત્કાલિક રીતે તેના ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી.
આ મુલાકાતના અનુસંધાને તા. ૨૨ ઓગષ્ટને મંગળવારના રોજ ગુજરાત નેફોર્લોજીસ્ટ એસોસીએશનના હોદેદારોના પ્રતિનિધિ મંડળને રાજયના માન. આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલ સાહેબ, આરોગ્ય કમિશ્નર શ્રી શાહમીના હુસેન મેડમ, આઇ.કે.ડી.આર.સી ના ડાયરેકટર ડો.વિનિત મિશ્રા સાહેબ, PMJAY યોજનાના અધિકારીઓમાં ડો. સુરેન્દ્ર જૈન સાહેબ અને ડો. શૈલેષ આનંદ સાહેબ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા યોજવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષની રજૂઆતો અને પ્રશ્નોની વિચારણાઓના અંતે બન્ને પક્ષને માન્ય શરતો ઉપર સમાધાનકારી નિર્ણય લેવાયો હતો. જે આગામી સમયમાં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવશે. આ મંત્રણાના સુખદ સમાધાન બાદ, આંદોલન કરતા જી.એન.એ. ના તબીબો દ્વારા તેમનું આંદોલન સમેટી લેવાની જાહેરાત અખબારી યાદીના માધ્યમથી કરવામાં આવી છે. આ આંદોલનના સુખદ અંત સાથે આંદોલન કરતા રાજયના તમામ તબીબો, ટ્રસ્ટ-કોર્પોરેટ-પ્રાઇવેટ હોસ્પિટલો, બિનસરકારી ડાયાલિસિસ સેન્ટરો અને કિડનીની બિમારીથી પિડાતા દર્દીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષીકેશ પટેલ સાહેબ, તેમજ તમામ રાજકીય આગેવાનશ્રીઓ અને તમામ અધિકારીશ્રીઓનો આભાર વ્યકત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #pmjay #dialysistreatment #gujaratnephrologistandngodialysis #ahmedabad