નીતા લીંબાચિયા, અમદાવાદ.
26 જૂન 2024:
નવી દિલ્હી ખાતે તારીખ 25 મી જૂન, 2024 ના રોજ સવારે 10:30 વાગ્યે વિવિધ વ્યાપાર તેમજ વ્યવસાયિક સેવાઓ સાથે સંકળાયેલ પ્રતિનિધિઓ સાથે નાણાકીય વર્ષ 2024-25 માટે એક પ્રી-બજેટ મીટિંગ નું આયોજન થયું હતું. આ બેઠકની અધ્યક્ષતા માનનીય કેન્દ્રીય નાણા મંત્રી, શ્રીમતી નિર્મલા સીતારામનજી એ સંભાળી હતી. આ બેઠક નો હેતુ કેન્દ્રીય બજેટ 2024-25 માટે વિચારો અને સૂચનો મેળવવાનો હતો.
ઉપરોક્ત મિટિંગ માં GCCI તરફથી સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીયર ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓએ GCCI તરફથી એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું જેમાં ટેક્સ સંબંધિત અનેક મુદ્દાઓ અને સૂચનોનો સમાવેશ થતો હતો જેમાં ખાસ કરીને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) ને પ્રોત્સાહિત કરતા વિવિધ સૂચનો નો સમાવેશ થતો હતો. શ્રી સંદીપ એન્જીનીઅર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ વિવિધ રજુઆતમાં નીચેની બાબતો મુખ્ય હતી.
તેમણે આવકવેરા કાયદાની કલમ 43B(h) માં મધ્યમ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રના ઉદ્યોગોને સમાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના સમાવેશથી 45 દિવસની અંદર ચુકવણીઓ પ્રાપ્ત થાય તે બાબતને કારણે સમગ્ર MSME ઇકોસિસ્ટમને નોંધપાત્ર રીતે ફાયદો થશે, જેથી નાણાકીય પ્રવાહિતા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે.
વધુમાં, તેઓએ મર્યાદિત જવાબદારી ભાગીદારી (LLPs) અને એસોસિએશન ઓફ પર્સન્સ (AOPs) સહિત બિન-કોર્પોરેટ સંસ્થાઓ માટે કરવેરાના દરોમાં 25% જેટલો નોંધપાત્ર ઘટાડો કરવા અને વ્યક્તિગત કરદાતાઓ માટે વધુમાં વધુ 30%, સરચાર્જ અને સેસ સહિતની દરખાસ્ત કરી હતી. તેઓએ ખાસ નોંધ લીધી હતી કે આવા પગલાં અર્થતંત્રના આ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વૃદ્ધિ અને રોકાણ ને પ્રોત્સાહિત કરશે.
તેમણે મજૂરો અને નાના વ્યવસાયો કે જ્યાં આધાર અને PAN લિન્કેજ શક્ય નથી તેઓ માટે કલમ 194C હેઠળ 20% ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) ના ઊંચા દરમાંથી મુક્તિ આપવાનું પણ સૂચન કર્યું હતું. આ મુક્તિનો હેતુ નાણાકીય બોજો ઘટાડવા, કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવાનો અને નાના વ્યવસાયો અને ઠેકેદારો માટે વહીવટી અને કાનૂની જટિલતાઓને રોકવાનો સાબિત થશે.
વધુમાં, તેમણે મધ્યમ સાહસોની વ્યાખ્યા અને પ્લાન્ટ, મશીનરી અથવા સાધનો માટે રોકાણ મર્યાદાને વર્તમાન ₹50 કરોડથી ઘટાડીને ₹25 કરોડ કરવાનું સૂચન કર્યું હતું. તેમજ ટર્નઓવરની મર્યાદા ₹250 કરોડથી ઘટાડીને ₹100 કરોડ કરવાની દરખાસ્ત કરી હતી. આ પ્રકારની જોગવાઈઓ MSMEsને લાભદાયી તેમજ સાચા અર્થમાં MSME તરીકે કાર્યરત એકમોને બેંકિંગ વિતરણમાં સુવિધા પુરી પાડવાનો બની રહેશે.
માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી. નિર્મલા સીતારામને મિટિંગમાં ઉપસ્થિત બધા જ સહભાગીઓનો તેઓની ઉપસ્થિતિ તેમજ નોંધનીય સૂચનો આપવા બદલ આભાર માન્યો હતો તેમજ જણાવ્યું હતું કે મિટિંગમાં પ્રસ્તુત થયેલ વિવિધ મુદ્દાઓ કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારીના સંદર્ભમાં નાણામંત્રાલય ચોક્કસ ધ્યાનમાં લેશે.