રાજ્યભરમાં કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી કડક હાથે કરવા વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ
કોવિડ ગાઈડલાઈન મુજબ લદાયેલા પ્રતિબંધોની અસરકારક અમલવારી માટે રાજ્યમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ SRPF કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ GRD જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત
રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી-કાળાબજારી અને નકલી ઈન્જેક્શન બનાવતા તત્વોસામે સઘન કામગીરી :૩૨ ગુનાઓ દાખલ :૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ની ધરપકડ : રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.6
આજે ગાંધીનગર ખાતે કોરોનાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે લાદેલા નિયંત્રણોની કામગીરી માનવીય અભિગમ સાથે અસરકારક રીતે કરવા ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જયારે તમામ રેન્જ આઈજીપીશ્રી, કમિશનરશ્રીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને સેનાપતિશ્રીઓ આ વીડિયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હતા.
આ બેઠક બાદ મીડિયાને વિગતો આપતા મંત્રી શ્રી જાડેજાએ રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જણાવ્યું હતુ કે કોરોનાની આ મહામારીમાં સમગ્ર દેશમાં જે કોરોના વોરીયર્સ ફ્રન્ટલાઇન સૈનિક તરીકે કામ કરી રહ્યા છે તેમાં પોલીસના ભાગે ખૂબ મહત્વની અને મુશ્કેલ કામગીરી આવી છે જે તેમણે સુપેરે બજાવી છે એ અભિનંદનને પાત્ર છે. નાગરિકોએ અગાઉ ખાખીની ખુમારી પણ જોઈ છે અને આ મહામારીમાં ખાખીની સંવેદના પણ અનુભવી છે. આ વિભાગના મંત્રી બનવાનો મને જે દાયિત્વ મળ્યુ છે તેનુ મને ગૌરવ છે. પોલીસે રાજ્યમાં માત્ર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાના પ્રિવેન્શન માટે પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે,મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘‘મારું ગુજરાત કોરોના મુક્ત ગુજરાત’’ અભિયાન શરૂ કરી એ માટે અલગ-અલગ વિભાગને આ માટે પ્રયત્નશીલ થવા માર્ગદર્શન પુરૂ પાડ્યુ છે ત્યારેકોરોનાની આ મહામારીમાં સંક્રમણની સાંકળ તૂટે તે હેતુસર લગાવવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધોની કડક અમલવારી, ટ્રાફિક મેનેજમેન્ટ માસ્ક ચેકિંગ, ચેકપોસ્ટ પર ચેકિંગ સહિતની કામગીરી માટે એક લાખથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનું દળ રાજ્યભરમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે. જેમાં ૫૬,૬૧૬ પોલીસ, ૮૯ SRPF કંપની, ૧૩,૩૬૧ હોમગાર્ડ જવાનો, ૨૯,૪૪૪ GRD જવાનો અને ૭,૬૨૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ સહિતની કામગીરીની અમલવારી માટે સતત ખડેપગે છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાનું સંક્રમણ વધવા પાછળ સોશિયલ ડિસ્ટસિંગ, માસ્ક અને સેનિટાઈઝિંગની મુખ્ય ત્રણ કોવિડ પ્રોટોકોલ મામલે રાખવામાં આવતી બેદરકારી જવાબદાર હોવાનું નિષ્ણાંત તબીબોનું માનવુ છે ત્યારે સોશિયલ ડિસ્ટસિંગ ન જાળવનાર તથા માસ્ક ન પહેરનારા નાગરિકો સામે કડક કાર્યવાહી કરવા તથા જનજાગૃતિ કેળવવા રાજ્યની પોલીસે કોરોનાકાળમાં સવિશેષ કામગીરી કરી છે. પોલીસે માસ્ક ન પહેરનાર સામે ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, નવી ગાઈડલાઈન મુજબ રાજ્યમાં લગ્નપ્રસંગમાં વધુને વધુ ૫૦ વ્યક્તિ જ ઉપસ્થિત રહી શકે છે. આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તે માટે પણ પોલીસ સતત સર્વેલન્સ રાખી રહી છે. કોરોનાકાળમાં ઓનલાઈન નોંધણી તથા હ્યુમન ઈન્ટેલિજન્સ સાથે સંકલનમાં રહી લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ થાય તે અંગે ચેકિંગ કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, રેમડેસિવિર ઈન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી ઉપરાંત નકલી ઈન્જેક્શન બનાવવાની વિકૃત માનસિકતા ધરાવતા મોતના સોદાગર સામે પણ અમે કડક હાથે કામગીરી કરી રહ્યાં છીએ. જેના ભાગરૂપે રાજ્યભરમાં અત્યારસુધીમાં આવા ૩૨ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા ૧૦૩ આરોપીઓ પૈકી ૯૨ આરોપીઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. પોલીસે રૂ. ૧.૮૨ કરોડની કિંમતના કુલ ૫,૮૩૩ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો જપ્ત કરી કડક કામગીરી હાથ ધરી છે. નાગરિકોના જીવ સાથે રમત કરી નકલી ઈન્જેકશોના ઉત્પાદન કરનારા તથા સંગ્રહખોરી કરનારા આવા તત્વો સામે મનુષ્ય વધ સહિતના કડકમાં કડક ગુનાઓ દાખલ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આવા તત્વો સામે પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના સંક્રમિત થયેલા વિસ્તાર એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં નાગરિકોની અવરજવર પર સખત નિયંત્રણ માટે પોલીસ ઉપરાંત SRP, હોમગાર્ડ અને GRD જવાનોને ડિપ્લોય કરવામાં આવી રહ્યાં છે એટલું જ નહીં આ વિસ્તારમાં DYSP,SP અને DCP કક્ષાના અધિકારીઓને સઘન ચેકિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ફરજીયાત ચેક કરવા માટે ૫૦ ઈન્ટર સ્ટેટ ચેકપોસ્ટ અમે ઉભી કરી છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ આ પ્રકારની ચેકપોસ્ટ થકી ગુજરાતમાં પ્રવેશતા નાગરિકોના RTPCR ટેસ્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે, સંક્રમિત દર્દીઓને ઓક્સિજનનો જથ્થો સત્વરે મળી રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા મ્યુનિસિપલ ઓથોરિટી સહિતના અધિકારીઓ સાથે પોલીસ વિભાગ સંકલનમાં રહી સુપેરે કામગીરી બજાવી રહી છે. દર્દીઓને અપાતી ઓક્સીજનની સુવિધા માટે પણ આકસ્મિક સંજોગોમાં ગુજરાત પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને ટૂંકા સમયમાં હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઉમદા કામગીરી કરી છે.એટલું જ નહીં કોરોનાકાળમાં અફવા ફેલાવનારા વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે, કોરોનાના આ કપરાકાળમાં ફ્રન્ટ લાઈનર એવા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અત્યારસુધીમાં કુલ ૧૨,૫૬૩ પોલીસ અધિકારી-કર્મચારી અને એસ.આર.પી. જવાનો કોરોના સંક્રમિત થયા છે. જે પૈકી હાલ ૩,૧૪૪ એક્ટિવ કેસ છે. જેમાં ૮૮ હોસ્પિટલાઈઝ છે. એ માટે જ વેક્સિનેશન પર વધુ ભાર મૂકી પોલીસના ૧,૬૫,૭૧૧ જવાનોને પ્રથમ ડોઝ અને ૧,૪૭,૯૦૪ જવાનોને બીજો ડોઝ આપી સુરક્ષિત કરાયા છે. રાજ્યના ૮૬ ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. તે સાથે જ ભારતભરમાં ગુજરાત પોલીસ રસીકરણના મામલે પ્રથમ ક્રમે છે.
રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન જે બાળકોના માતાપિતા કોરોનાના સંક્રમણને કારણે અવસાન પામ્યા હોય તેમજ ત્યજી દેવામાં આવ્યા હોય તેવા બાળકોની સંભાળ દેખરેખ તેમજ તેમની સુરક્ષા કાયદાકીય જોગવાઈ હેઠળ થઈ શકે તે હેતુસર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નવતર અભિગમ દાખવીને વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ-100, સી ટીમ વડોદરા શહેર પોલીસ હેલ્પલાઈન નં. 7434888100, ચિલ્ડ્રન હેલ્પલાઈન નં. 1098 કાર્યરત કરવામાં આવ્યો છે. જેના થકી આવા બાળકોની સારસંભાળ રાખવામાં આવી રહી છે. તે ઉપરાંત કેટલાંક જિલ્લાઓમાં નાગરિકો માનસિક બિમારીનો ભોગ બન્યા હોવાનુ ધ્યાને આવતા પોલિસ દ્વારા મનોચિકિત્સકોની મદદથી તેમનાકાઉન્સેલીંગ કરીને તેમની પડખે ઉભા રહેવાનું ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે. જેને કારણે કડકાઈ અને સખ્તાઈની છબિ ધરાવતી પોલીસની છબિ આજે સંવેદનાયુક્ત તરીકે ઉભરી આવી છે.
રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો સમયસર ઉપલબ્ધ બને તે માટે સિનિયર અધિકારીઓ ર૪ કલાક મોનિટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના આઇ.સી.યુ. બેડની સુવિધા ૧પ માર્ચના રોજ ૧૬,૦૪૫ હતી જે આજે ૫૪,૫૭૯ આઇ.સી.યુ. બેડ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્યમાં એપ્રિલ માસમાં જ રેમડિસિવિર ઇન્જેકશનનો ૬ લાખથી વધુ ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે જેથી કોઈ દર્દીને સારવારમાં કોઈ કચાસ ન રહે.