શહેરના ખોખરા સર્કલ પાસે પારિષ્કાર-2ના સ્થાનિક રહીશોએ કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે યોગ દિવસની અનોખી ઉજવણી કરી યોગમય જીવનનો સામાજિક સંદેશો આપ્યો
યોગના અનેક ફાયદાઓ છે, નિયમિત યોગમાં એટલી શકિત અને જાદુ છે કે શરીરમાં કોઇપણ પ્રકારની તકલીફ રહેતી નથી – યોગ ટીચર મીનું શિવકાની
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.20
તા.21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં યોગા દિવસ પૂર્વે પણ કેટલાક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરના ખોખરા સર્કલ પાસે આવેલા પારિષ્કાર-2ના સ્થાનિક રહીશોએ કોવીડ ગાઇડલાઇન્સના પાલન વચ્ચે યોગ દિવસની અનોખી ઉજવણી કરી યોગમય જીવનનો સામાજિક સંદેશો આપ્યો હતો. પારિષ્કાર-2ના સ્થાનિક રહીશોએ યોગ દિવસની સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતના કોવીડ ગાઇડલાઇન્સના નોર્મ્સના પાલન વચ્ચે કરેલી ઉજવણીમાં નાના બાળકોથી માંડી મહિલાઓ, પુરૂષો, વડીલો અને સિનિયર સીટીઝન્સ પણ જોડાયા હતા. સૌકોઇએ ભારે ઉત્સાહ અને હોંશભેર યોગ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો અને જાણીતા યોગ ટીચર મીનુ શિવકાનીની તાલીમ અને માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ અને સૂર્યનમસ્કાર સહિત વિવિધ યોગાસનો કરી યોગમય જીવનનો અનોખો સંદેશો આપતો એક નમ્ર પ્રયાસ કર્યો હતો.
પારિષ્કાર-2ના સેક્રેટરી પરિમલ મણિયારે જણાવ્યું હતું કે, યોગ દિનની ઉજવણી બદલ હું સોસાયટીના સભ્યો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવું છું. આજના યોગ દિવસની ઉજવણી પરથી રોજિંદા જીવનમાં યોગની ઉપયોગિતા અને મહત્તા સમજાઇ છે. આગામી વર્ષથી અમારા એપાર્ટમેન્ટના તમામ સભ્યો યોગાભ્યાસ અને તાલીમમાં જોડાય તેવું અમે આયોજન કરવા ઇચ્છીએ છીએ. યોગ એ તમામ લોકો માટે ફાયદામંદ અને આરોગ્યવર્ધક હોઇ તેનું મહાત્મ્ય લોકોએ સમજવું જોઇએ.
દરમ્યાન ચેરમેન કમલ ખંડેલવાલે જણાવ્યું કે, યોગા દિન નિમિતે આવા સુંદર આયોજન બદલ તમામ સભ્યો અને હોદ્દેદારો અભિનંદનને પાત્ર છે. કોરોના કાળમાં આપણને ઘણુ બધુ શીખવા મળ્યું છે. કોરોનાકાળમાં આપણી દિનચર્યા બદલાઇ ગઇ, ખાણી-પીણી અને રહેણીકરણી પર અસર પડી ત્યારે આપણને હવે જીવનમાં યોગની જરૂરિયાત અને અનિવાર્યતા સમજાઇ છે ત્યારે આપણે સૌએ યોગને રોજિંદા જીવનમાં સમાવી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઇએ. સામાજિક ફરજના ભાગરૂપે પણ આપણે યોગ વિશેની સામાજિક જાગૃતિ ફેલાવી તેને નિયમિત અભ્યાસ તરીકે જીવનમાં સમાવવું જોઇએ.
સોસાયટીના સ્થાનિક અગ્રણી અંશુલભાઇ સોમાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારા એપાર્ટમેન્ટ પારિષ્કાર-2માં ખાસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રોજિંદા જીવનમાં નિયમિત યોગાભ્યાસને સમાવવામાં આવે તો, જીવનમાં શારીરિક કે આરોગ્ય વિષયક તકલીફોનું નિવારણ એક માત્ર યોગથી શકય બને છે. નિયમિત યોગાભ્યાસ અને પ્રાણાયમથી કોઇપણ પ્રકારની બિમારી કે સમસ્યાને હરાવવામાં સફળતા મળશે, તેમાં કોઇ શંકા નથી. સમાજના અન્ય લોકોને પણ નિયમિત યોગાભ્યાસ સાથે જોડાવવા અને તેને રોજિંદા જીવનમાં ઉતારવા મારી નમ્ર અપીલ અને જાહેર અનુરોધ છે.
દરમ્યાન જાણીતા યોગ ટીચર મીનુ શિવકાનીએ જણાવ્યું હતું કે, યોગના અનેક ફાયદાઓ છે, તમારી ઇમ્યુન સીસ્ટમ સુધરે છે. સમગ્ર શરીરના આંતરિક કોષોની શુધ્ધતા થાય છે. કોરોના મહામારીમાં પણ યોગ દ્વારા લોકોને નવજીવન પ્રાપ્ય થયુ છે, કોરોનાના કપરા કાળમાં યોગની અનિવાર્યતા અને મહત્તા હવે લોકોને સમજાઇ છે. શરીરને બહારથી શુધ્ધ નહી પરંતુ આંતરિક શુધ્ધિ યોગથી શકય બને છે. યોગના નિયમિત અભ્યાસના કારણે નિરોગી, આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યવર્ધક જીવન પ્રાપ્ય બને છે. પારિષ્કાર-2ના સ્થાનિક રહીશોએ આજે બહુ જ સુંદર રીતે યોગાભ્યાસ કરી શરીરની સીસ્ટમ, ઓર્ગન અને આખુ શરીર નિરોગી કેવી રીતે રાખી શકાય તેની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યા છે. સમાજમાં લોકો આ જ પ્રકારે યોગને જો નિયમિત રીતે પોતાના રોજિંદા જીવનમાં સમાવી લે તો શારીરિક કે આરોગ્ય વિષયક કોઇ તકલીફ જ ના રહે તેટલી યોગમાં અદ્ભુત અને ચમત્કારિક શકિત છે., તેથી લોકોએ યોગમય જીવન બનાવવું જોઇએ.
પારિષ્કાર-2 ખાતે આજે યોજાયેલા વિશેષ યોગ શિબિર કાર્યક્રમમાં નાના બાળકોથી માંડી મહિલાઓ, પુરૂષો, વડીલો અને સિનિયર સીટીઝન્સ સહિતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સોસાયટીના રહીશોએ પણ આજથી યોગને નિયમિત રીતે જીવનનો એક અનિવાર્ય હિસ્સો બનાવવાનો અનોખો સંકલ્પ લીધો હતો. એટલું જ નહી, હવેથી આરોગ્ય પ્રત્યેની જાગૃતતા અને સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની સાચી સમજણ પણ કેળવવામાં આવી હતી, તેના પરિણામ સ્વરૂપે આજે સોસાયટીના સ્થાનિક અગ્રણી અંશુલભાઇ સોમાણી, સેક્રેટરી પરિમલ મણિયાર સહિતના આગેવાનોએ યોગ શિબિરમાં ભાગ લેનાર સૌકોઇને ચા-કોફી કે અન્ય પીણા, શરબતના બદલે દૂધીનો જયુશ જે ખૂબ જ આરોગ્યવર્ધક અને સ્વાસ્થ્યપ્રદ હોય છે તે પીવડાવી આજથી આરોગ્યપ્રદ આહાર અને પીણાંનો જ સંકલ્પ લેવડાવી અનોખો સંદેશો પૂરો પાડયો હતો.