અમ્યુકો સ્કૂલ બોર્ડની બહેરામપુરા શાળા નંબર-22 અને 23 ખાતે વધુ બે સ્માર્ટ સ્કૂલનું રાજયના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ
ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી આ બહેરામપુરાની રૂ.બે કરોડના ખર્ચે બનેલી સ્માર્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખગોળીય ઘટનાઓથી અવગત કરાવતા પ્લેનિટોરિયમ ઊભા કરાયા છે
ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે તગડી ફી વસૂલવાની નફાખોરી અને લૂંટની લાલચી વૃત્તિના કારણે હવે વાલીઓનો ધસારો આવી અમ્યુકોની સ્કૂલ બોર્ડની સરકારી સ્માર્ટ સ્કૂલ તરફ ફંટાયો છે. એટલી હદે કે માત્ર 10થી 15 દિવસમાં 1,500થી વધુ બાળકોના પ્રવેશ ખાનગી સ્કૂલમાંથી રદ કરી સરકારી સ્કૂલમાં લેવા પ્રેરાયા છે. જે બહુ મોટી અને નોંધનીય વાત કહી શકાય
અમદાવાદમાં વધુ બે સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ સાથે સ્માર્ટ સ્કૂલની સંખ્યા 8 પર પહોંચી છે, આગામી દિવસોમાં હજુ 25 સ્માર્ટ સ્કૂલ અમદાવાદ શહેરમાં માં ઊભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું લક્ષ્યાંક
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.5
અમદાવાદ શહેરમાં હવે ફરી એકવાર સરકારી સ્કૂલોનો જમાનો આવ્યો હોય એવી પ્રતીતિ થઇ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓને સ્માર્ટ અને હાઇટેક કરવાનો રાજય સરકાર અને અમ્યુકો તંત્રનો અભિગમ ભારે કારગત અને પ્રભાવશાળી સાબિત થઇ રહ્યો છે અને તેનું જ ફળદાયી પરિણામ છે કે, હવે સરકારી શાળાઓ હવે સ્માર્ટ અને લોકપ્રિય સ્કૂલ બની રહી છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળામાં આ વખતે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં એડમીશન લેવાનો આશ્ચર્યજનક પ્રવાહ જોવા મળી રહ્યો છે. બદલાતા આ પ્રવાહ વચ્ચે આજે શહેરના બહેરામપુરા વિસ્તારમાં અમ્યુકો સ્કૂલ બોર્ડની બહેરામપુરા શાળા નંબર-22 અને 23 ખાતે રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી વધુ બે સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે આ સ્માર્ટ શાળામાં જૂનિયર, સીનિયર KGના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્કૂલબોર્ડના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા પ્રિ. પ્રાયમરીના પુસ્તકોને પણ GCERTની માન્યતા મળી ગઈ છે., જે બહુ નોંધનીય અને ગૌરવપૂર્ણ વાત કહી શકાય.
લાખો રૂપિયાની અધધધ…ફી ની લૂંટ ઉઘરાવતી અને છતાં વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ કે સુવિધા નહી આપતી ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી આ બહેરામપુરાની રૂ.બે કરોડના ખર્ચે બનેલી સ્માર્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખગોળીય ઘટનાઓથી અવગત કરાવતા પ્લેનિટોરિયમ ઊભા કરાયા છે. જેમાં સ્કૂલના શિક્ષકો દ્વારા પ્રોજેકટર અને અન્ય હાઇટેક સુવિધા મારફતે બાળકોને ખગોળીય જ્ઞાન સહિતની માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવશે અને નવી જાણકારી અને અભ્યાસની વાતો શીખવવામાં આવશે. આ સ્માર્ટ સ્કૂલમાં ખાનગી શાળામાં પણ ન જોવા મળતું અને અવકાશ, ગ્રહો, ઉપગ્રહો અને સ્પેશ વિશેની તમામ માહિત્ય શાળાઓમાં ઊભા કરાયેલા પ્લેનિટોરિયમમાં મળી રહેશે. આ ઉપરાંત મેથ્સ લેબ, આધુનિક રમતગમતના સાધનો, આધુનિક સુવિધા સાથે કલાસરૂમ તૈયાર કરાયા છે.
ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે તગડી ફી વસૂલવાની નફાખોરી અને લૂંટની લાલચી વૃત્તિના કારણે હવે વાલીઓનો ધસારો આવી અમ્યુકોની સ્કૂલ બોર્ડની સરકારી સ્માર્ટ સ્કૂલ તરફ ફંટાયો છે. એટલી હદે કે માત્ર 10થી 15 દિવસમાં 1,500થી વધુ બાળકોના પ્રવેશ ખાનગી સ્કૂલમાંથી રદ કરી સરકારી સ્કૂલમાં લેવા પ્રેરાયા છે. જે બહુ મોટી અને નોંધનીય વાત કહી શકાય.
સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ માટે વેઈટિંગ ચાલી રહ્યા હોવાની સ્થિતિ પણ આ વખતે શાળાઓમાં જોવા મળી છે. સરકારી શાળા તરફ વધી રહેલા આ ધસારાને ધ્યાને લઇ સ્કૂલબોર્ડ વધુ સ્માર્ટ સ્કૂલની સુવિધા ઉમેરી રહ્યું છે. વધુ બે સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ સાથે સ્માર્ટ સ્કૂલની સંખ્યા 8 પર પહોંચી છે. આગામી દિવસોમાં હજુ 25 સ્માર્ટ સ્કૂલ અમદાવાદ શહેરમાં માં ઊભી કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું લક્ષ્યાંક છે.
બહેરામપુરાની આ બે સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે રાજયના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, “ખાનગી શાળામાંથી એડમિશન રદ કરી સરકારી શાળામાં ભણાવવા વાલીઓની લાઈન લાગી રહી છે. દર વર્ષે નવા એડમિશન જેટલા થતા હતા એટલા હાલની સ્થિતિએ થઈ ચૂક્યા છે. ખાનગી શાળામાં અભ્યાસ માટે બાળકોને કમ્પ્યુટર આપવામાં આવે છે, અમે સ્માર્ટ સ્કૂલમાં ક્રોમબુકથી બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છીએ.” તો, સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંગ તોમરે જણાવ્યું કે, “હજુ બે સ્માર્ટ સ્કૂલનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે. આ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ 25 સ્માર્ટ શાળાઓનું નિર્માણ કરવા જઈ રહી છે. હવે વધુ 5 અંગ્રેજી માધ્યમની નવી શાળાઓ શરૂ થતા કુલ 37 શાળાઓ અંગ્રેજી માધ્યમની શરૂ થઈ છે. પ્રિ-પ્રાયમરીમાં એટલે કે સીનિયર કેજી કે જૂનિયર કેજીમાં અલગથી કોઈ પુસ્તક ન હતા, અમારા શિક્ષકોએ જૂનિયર અને સીનિયર કેજીના બાળકો માટે પુસ્તકો તૈયાર કર્યા છે. GCERT તરફથી શિક્ષકોએ બનાવેલા પુસ્તકો માન્યતા પણ મળી ચુકી છે.” બહેરામપુરાની બે સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે બાળકો અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો હતો.