જો કે, એ 1 ગ્રેડમાં માત્ર 691 જ વિદ્યાર્થીઓ પાસ થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ બોર્ડ દ્વારા માર્કસ ગણતરી કરવાની પધ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા
બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડ સાથે 28 વિદ્યાર્થીઓ પાસ થયા
કોરોના મહામારીના કારણે ધોરણ-10 અને 12 વિ.પ્રની જેમ ધોરણ-12 સા.પ્ર.માં પણ માસ પ્રમોશન અપાતાં ઇતિહાસમાં સૌપ્રથમવાર 100 ટકા પરિણામ જાહેર
અમદાવાદ,તા.31
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના કારણે બોર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર ધો-12 સામાન્ય પ્રવાહ. વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે પાસ જાહેર કરી 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશી અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. જો કે, થોડી નિરાશાની વાત એ સામે આવી હતી કે, એ 1 ગ્રેડમાં માત્ર 691 જ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ બોર્ડ દ્વારા માર્કસ ગણતરી કરવાની પધ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
બીજીબાજુ, પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં તેમની શાળાએ પહોંચ્યા હતા, જયાંથી તેમને હાલ કાચી માર્કશીટ અપાઇ હતી. શિક્ષણ વિભાગ તરફથી ઓરીજનલ માર્કશીટ મળ્યેથી વિદ્યાર્થીઓને તે ઓરીજનલ માર્કશીટ આપવામાં આવશે. હાલ વિદ્યાર્થીઓને સ્કૂલના સહી-સિક્કા મારી કાચી માર્કશીટ આપવામાં આવી છે. તો, વિદ્યાર્થી અને વાલીઓ આ પરિણામ તેમની શાળા મારફતે બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જોઇ શકે છે.. જેમાં શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી પરિણામ જોઇ અને તેની પ્રિન્ટ કાઢી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડ આજે રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા પરિણામમાં A1 ગ્રેડમાં 691, A2 ગ્રેડમાં 9455, B1 ગ્રેડમાં 35,288, B2 ગ્રેડમાં 82010, C1 ગ્રેડમાં 1,29,781, C2 ગ્રેડમાં 1,08,299, D2 ગ્રેડમાં 28,690, E1 ગ્રેડમાં 5885 અને E2 ગ્રેડ સાથે 28 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, સમગ્રતયા જોવા જઇએ તો, કુલ 4,00,127 વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
બોર્ડ દ્વારા આજે ઓનલાઇન પરિણામ સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ result.gseb.org પર મૂકવામાં આવ્યું છે. કોવિડની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને પરિણામ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ અગાઉ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ આ રીતે જ માસ પ્રમોશન આપી જાહેર કરવામાં આવ્યું હતું અને બંને ધોરણોમાં પરિણામ 100 ટકા આવ્યું હતું.
એ જ પ્રકારે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ માસ પ્રમોશનથી 100 ટકા જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય વાત એ છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવામાં ધોરણ 10ના પરિણામના 50 ટકા, 11માના પરિણામના 25 ટકા અને ધોરણ 12માં એકમ કસોટીના 25 ટકા માર્કને ગણીને પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થી અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થિની નોંધાયાં છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીનાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે.
દરમ્યાન ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા અને શિક્ષણવિદ્ ડો. મનીષ દોશીએ તેમની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આજના પરિણામ બદલ હું વિદ્યાથીઓ અને તેમના વાલીઓને અભિનદન પાઠવું છું. પરંતુ આ વર્ષનું પરિણામ બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ છે. કારણ કે, 4 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓએ જ A 1 ગ્રેડ મેળવ્યો છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું છે. આમ, આ પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ ખુલ્લી પડી છે. માસ પ્રમોશનનો નિર્ણય યોગ્ય છે પરંતુ તેમાં માર્કસની ગણતરી કરવામાં આવી તે ખોટી સાબિત થઈ છે. આમ કહી ડો.મનીષ દોશીએ માર્કસ ગણતરી કરવાની પધ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓના ગ્રેડ પર ગંભીર અસર પહોંચી હોવાની વાત તેમણે ઉચ્ચારી હતી.