મુખ્યમંત્રીશ્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં બનાવાયેલ રૂ. ૩૧.૯૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની ૫૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું
(વિવેક આચાર્ય દ્વારા)
વેરાવળ-સોમનાથ, તા.26
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી આજે સાંજથી વેરાવળ-સોમનાથની મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના બે લાખ જેટલા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની ૫૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટ આગામી 25 વર્ષની વસ્તીને પાણી પૂરું પાડવાની ક્ષમતાના આયોજન સાથે નિર્માણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત શ્રી વિજયભાઈ રૂપાણી એ વેરાવળ પાટણ સંયુક્ત ૧૦.૨૬ કરોડ ના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારો માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના કામોના ખાતમુહર્ત સાથે એકંદરે કુલ રૂપિયા ૧૬ કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં બનાવાયેલ રૂ. ૩૧.૯૭ લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરીનું પણ લોકાર્પણ કર્યું હતું.
તેમણે ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના અધિકારી પદાધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોના રસીકરણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ જિલ્લામાં સૌ કોઈને રસીકરણમાં આવરી લેવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે તંત્રની સજજતા અંગે પણ વિગતો મેળવી હતી.
વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા ,પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી ઝવેરી ભાઈ ઠકરાર, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ જૂનાગઢના રેન્જ આઇજી મનીન્દર સિંઘ પવાર ઇન્ચાર્જ કલેકટર ડી.ડી. ઓ શ્રી રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસીભાઇ જોટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રવિવારે સવારે સોમનાથ મહાદેવના પૂજન અર્ચન અને આરતી દર્શન કરવાના છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમને તક મળે ત્યારે અચૂકપણે સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવજીના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવતા હોય છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી હંમેશા ગુજરાતની જનતા અને સમગ્ર રાજયના સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે વિવિધ દેવસ્થાનોમાં પ્રાર્થના કરતા આવ્યા છે. જે મુખ્યમંત્રીશ્રીની આ શ્રધ્ધા તેમની ઇશ્વરીય ભકિત અને ધાર્મિક આસ્થાનો પરિચય કરાવે છે.