રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ પર મહત્વનું સ્થાન ધરાવતું રાજ્ય બનશે, રાજ્યના આર્થિક વિકાસને બળ મળશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનશ્રી મુકેશભાઇ અંબાણી દ્વારા ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ જામનગરમાં સ્થાપવાની અને આગામી ત્રણ વર્ષ દરમ્યાન આ પ્રોજેકટના ભાગરૂપે રૂ.75000 કરોડના રોકાણની બહુ મોટી અને મહત્વની જાહેરાત કરાઇ
જામનગરમાં આશરે પાંચ હજાર એકરથી વધુની વિશાળ જગ્યામાં આ ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ સ્થાપવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.24
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણી દ્વારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, આ પ્રકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ ઉપર મહત્વપૂર્ણ રાજ્ય બની રહેશે. આનાથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને બળ મળશે તથા રોજગારીની નવી તકો નિર્માણ પામશે.
તેમણે કહ્યું કે, હરિત ઉર્જા- ગ્રીન એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જા- રિન્યુએબલ એનર્જીનો વપરાશ વધે એ સમયની માંગ છે ત્યારે રિલાયન્સ દ્વારા આ ક્ષેત્રે રૂપિયા 75 હજાર કરોડના રોકાણથી થનારા વિવિધ પ્રોજેક્ટ ગુજરાતની પર્યાવરણ વૃદ્ધિ સાથે ઔદ્યોગિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર ગુજરાત રાજયની જનતા વતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશભાઈ અંબાણી દ્વારા જામનગર ખાતે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાતને આવકારી તેમને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, રિલાયન્સના મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગુજરાત વિશ્વના ગ્રીન એનર્જી મેપ પર મહત્વનું સ્થાન ધરાવતું રાજ્ય બનશે, સાથે સાથે ગુજરાત રાજ્યના આર્થિક વિકાસને બળ મળશે. સમગ્ર ગુજરાત રાજય માટે આ ગૌરવપૂર્ણ વાત કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનશ્રી મુકેશભાઇ અંબાણી દ્વારા ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ જામનગરમાં સ્થાપવાની અને આગામી ત્રણ વર્ષ દરમ્યાન આ પ્રોજેકટના ભાગરૂપે રૂ.75000 કરોડના રોકાણની બહુ મોટી અને મહત્વની જાહેરાત કરાઇ હતી. જામનગરમાં આશરે પાંચ હજાર એકરથી વધુની વિશાળ જગ્યામાં આ ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ સ્થાપવાની તેમણે જાહેરાત કરી હતી. શ્રી મુકેશભાઇ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી કેપેસીટીના 450 જીડબલ્યુ હાંસલ કરવાનો જે લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે, તેનાથી અમે ખૂબ પ્રભાવિત છીએ અને તે દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.