સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના પંથકોમાં ભારે વરસાદની શકયતા
અમદાવાદ શહેરમાં વરસાદના હળવા ઝાપટાં નોંધાવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સંભવિત સ્થાનો માટે એનડીઆરએફની ટીમો પણ તૈયાર રખાઇ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.28
રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની સાથે સાથે દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે. તો, અમદાવાદ શહેરમાં હળવો વરસાદ થાય તેવી શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના પંથકોમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે.
રાજયના કેટલાક વિસ્તારોમાં હાલ તો છૂટોછવાયો અને હળવો વરસાદ નોંધાઇ રહ્યો છે પરંતુ ચોમાસાની ખરી જમાવટ હજુ થઇ નથી, જે હવે જોવા મળશે. અમરેલી જિલ્લામાં ગઇ મોડી રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. સાંબેલાધાર વરસાદ પડતા કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા, જેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી હતી. બીજીબાજુ, ભારે વરસાદના કારણે સ્થાનિક સૌથી મોટી શેત્રુંજી નદી પણ બે કાંઠે થઇ હતી. સમગ્ર વિસ્તારનાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..જો કે ખેડૂતો માટે આ આફતનો વરસાદ જોવાઇ રહ્યો છે. વાવણી બાદ જરૂરી ઉઘાડ નહી મળતા અને સતત વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પરંતુ સ્થાનિક ડેમમાં વરસાદી પાણીની ભરપુર આવક થતા શિયાળું અને ઉનાળુ પાક સારો થવાની શક્યતા વર્તાઇ રહી છે.
દરમ્યાન ખેડા પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટાભેર પવન ફુંકાઈને કેટલાય તાલુકાઓમાં વરસાદનું પુન: આગમન થયુ છે. તેમાંય ખાસ કરીને કપડવંજમાં ધીમી ધારે શરૂ થયા બાદ વરસાદનું પ્રમાણ વધ્યુ હતુ. ગળતેશ્વર અને ઠાસરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડાના કેટલાંક તાલુકામાં આજે વરસાદનું પુન: આગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડકની સાથે સાથે ખુશીની લાગણી લોકોમાં પ્રસરેલી જોવા મળી છે. કપડવંજમાં પવનના સૂસવાટા સાથે તોફાની વરસાદી ઝાપટું પડતા 13 મીમીથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્રણેક દિવસ સુધી વરસાદ બંધ રહ્યા બાદ આજે અચાનક સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવનની શરૂઆત થઈ અને ઠેર-ઠેર જમાવટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની આગાહીને લઇન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે એનડીઆરએફની ટીમો પણ એલર્ટ પર રખાઇ છે. એનડીઆરએફની 15 ટીમ પૈકી પાંચ ટીમોને સંભવિત સ્થાનો પર ડિપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી વલસાડમાં 1, સુરતમાં 1, નવસારીમાં 1, રાજકોટમાં 1, રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 ટીમ ડિપ્લોઇ કરાઇ છે. જ્યારે 8 ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પણ સાબદાં કરી દેવાયા છે.