કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ નીકળી જળયાત્રા, સોમનાથ ભુદરના આરેથી પવિત્ર જળ લાવી મંદિરમાં ભગવાન જગન્નાથજીનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો
જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ હાજર રહી ભારે શ્રધ્ધા સાથે પૂજાવિધિ કરી અને આરતી ઉતારી
માત્ર પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે સાદગીપૂર્ણ માહોલમાં નીકળી જળયાત્રામાં 50 જેટલા ગણતરીના લોકોને જ હાજર રહેવા દેવાયા
જગન્નાથ મંદિરનાં પ્રાંગણમાં વેક્સિનેશન સેન્ટર અને ટેલિ મેડિસીન પણ ચાલુ કરવામાં આવ્યું, રથયાત્રા નીકાળવાને લઇ શ્રધ્ધાળુઓમાં ભારે આશા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા પૂર્વે બહુ જ મહત્વની મનાતી પરંપરાગત એવી જળયાત્રા આજે ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ, આરતી, કળશમાં પવિત્ર જળ ભરવા સહિતની વિધિઓ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઇ હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વખતે માત્ર પાંચ કળશ અને પાંચ ધજાપતાકા સાથે જ જળયાત્રા નીકળી હતી અને 50 જેટલા ગણતરીના લોકોને જ તેમાં હાજર રહેવા દેવાયા હતા. કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ મુજબ જ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા નીકળી હતી. બપોર બાદ પરંપરા અનુસાર, ભગવાન જગન્નાથજી હવે પંદર દિવસ માટે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે મામાના ત્યાં સરસપુર ખાતે પોતાના મોસાળમાં ગયા હતા.
આજે જેઠ સૂદ પૂનમના દિવસથી રથયાત્રા પૂર્વેની જળયાત્રા સહિતના ઉત્સવનો વિધિવત પ્રારંભ થયો છે. કોરોનાકાળમાં આ વર્ષે પણ બિલકુલ સાદગીથી જળયાત્રા યોજવામાં આવી હતી. માત્ર 50 લોકોની હાજરીમાં જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં 5 ધ્વજપતાકા, 1 ગજરાજ અને એક કળશ જ રાખવામાં આવ્યા હતા. પરંપરા મુજબ, 18 ગજરાજને મંદિરમાં રખાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ નદીની આરતી ઉતારી હતી. ત્યારબાદ ગંગાપૂજન કરીને પવિત્ર જળ પાંચેય કળશમાં ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું. તો, આ પ્રસંગે પાંચ ધજાપતાકાનું પણ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. એ પછી જળયાત્રા નિજમંદિરે પરત ફરી હતી અને સોમનાથ ભુદરના આરેથી લવાયેલા પવિત્ર જળથી ભગવાન જગન્નાથજીનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો.
મહંત દિલીપદાસજીની સાથે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાનને જળાભિષેકની પવિત્ર વિધિ બાદ ભગવાનને ગજવેશનો વેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ભગવાન ગજવેશનો વેષ ધારણ કરતા હોય છે.
જો કે, આજની જળયાત્રામાં કોઇ ઢોલ નગારાના તાલ, સંગીત કે ભજનમંડળીના સૂર જોવા મળ્યા ન હતા. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બહુ જ સાદગીથી જળયાત્રા કાઢવામાં આવી હતી. અલબત્ત, બીજી તરફ જો નિજમંદિરના મોહાલની વાત કરીએ તો, ત્યાં આજે જેઠ સુદ પૂર્ણિમા અને જળયાત્રાનો મહોત્સવ હોઇ શ્રધ્ધાળુ ભકતો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડયા હતા. તો, અહીં ભજનમંડળી અને બહેનો પણ જગન્નાથજીના ભજન ગાઇ તાળીઓના તાલે ઝુમતી નજરે પડતી હતી.
દરમ્યાન આજે જળયાત્રાના પવિત્ર મહોત્સવ નિમિતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ગુલાબી રંગના વસ્ત્રોનો બહુ જ સુંદર અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. જળયાત્રાનો ભવ્ય મહોત્સવ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથજી પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે સરસપુરમાં મામાના ઘરે પહોંચ્યા હતા. ભગવાન અહીં પંદર દિવસ સુધી રહે છે અને અહીં તેમને મોસાળમાં ખૂબ લાડ લડાવવામાં આવે છે, અને તેમના ભાવતા ભોજન ધરાવવામા આવે છે.
જળયાત્રા બાદ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વપ્રસિદ્ધ અમદાવાદનાં જગન્નાથજીનાં મંદિર પ્રાંગણમાં આજે અનેરો મહોત્સવ યોજાયો છે. ધાર્મિક પ્રણાલી પ્રમાણે, પૂજ્ય દિલીપદાસજીનાં વરદ હસ્તે, રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહજીની ઉપસ્થિતિમાં, મંદિરનાં ટ્ર્સ્ટી મહેન્દ્ર ઝા તથા સાધુસંતોની ઉપસ્થિતિમાં કોરોના મહામારીનાં પ્રોટોકોલ પ્રમાણે સાબરમતી નદીનાં જળનું પૂજન કરીને જળયાત્રા કાઢી ભગવાનને જળાભિષેક કરીને જળાયાત્રા સંપન્ન કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની મોટામાં મોટી ગૌશાળા ચલાવવામાં આવે છે. દરદોજ સેંકડો ગરીબો, ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવે છે, આ સાથે છાશનું પણ વિતરણ થાય છે. આ બધું મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજે અહીં વેક્સિનેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં એલોપેથી અને આયુર્વેદિક રીતે કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું પણ શરૂઆત કરવામા આવ્યું છે. મને આનંદ છે કે, જગન્નાથ મંદિરનાં પ્રાંગણમાં વેક્સિનેશન સેન્ટર અને ટેલિ મેડિશીન પણ ચાલુ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેર પોલીસ આ કાર્યમાં મદદ કરશે.
રથયાત્રા મુદ્દે તેમણે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, જળયાત્રા આજે સંપન્ન થઇ છે અને હવે આગામી રથયાત્રા માટે જે નક્કી થાય તે રીતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તેનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારનાં સહયોગમાં રહીને કરવામાં આવશે. બીજીબાજુ, જળયાત્રા યોજાયા બાદ હવે અમદાવાદ શહેર સહિત રાજયના લાખો શ્રધ્ધાળુ ભકતો અને સાધુ-સંતોમાં ભારે આશાની લાગણી જન્મી છે કે, આ વર્ષે કોરોના સંક્રમણ ઘટી જતાં હવે કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ હેઠળ પણ જળયાત્રાની જેમ ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકાળવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવે તો, લાખો શ્રધ્ધાળુઓ ઘેરબેઠા ભગવાનના દર્શન કરી શકે કારણ કે, વર્ષમાં રથયાત્રાનો એક માત્ર દિવસ જ એવો હોય છે કે, જયારે ખુદ જગતનો નાથ જાતે રથમાં સવાર થઇ નગરજનોને ઘેરબેઠા દર્શન અને આશીર્વાદ આપવા નીકળે છે.