ગુજરાત પોલીસ સ્માર્ટ, શાર્પ અને ટેકનોલોજીથી સજજ બનીને લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરે એ જ અમારો નિર્ધાર : ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા
રાજયમાં ૨૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત : ડિજીટલ ભારતના નિર્માણ ક્ષેત્રે સાયબર સુરક્ષા અંગે ગુજરાત પોલીસ દેશને રાહ ચીંધશે
સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મથી છેતરનાર તત્વો સામે ગુજરાત પોલીસ સુસજ્જઃ પોલીસ અધિકારી કર્મીઓને અધ્યતન તાલીમ સહિત સાધનોથી સજજ કરાશે
રાજયમા વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સી.સી.ટીવી ના માળખાનુ પ્રથમ તબક્કાનુ કામ પૂર્ણતાના આરે:આગામી સમયમા સમગ્ર રાજયને આવરી લેવાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.18
ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ભારતના નિર્માણના સપનાને સાકાર કરવા ગુજરાત પોલીસે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. ગુજરાત પોલીસને સ્માર્ટ, શાર્પ અને ટેકનોલોજીથી સજજ બનાવીને લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત કરવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુજરાત દેશને રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
આજે રાજયમાં કાર્યરત થનાર નવીન દસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા મંત્રી શ્રી જાડેજાએ જણાવ્યુ કે,વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પરંપરાગત વ્યવસ્થાઓમાંથી બહાર આવીને અધ્યતન ટેનોલોજી સાથે કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે ફોરેન્સીક સાયન્સયુનિવર્સીટી, રક્ષા શકિતયુનિવર્સીટી, નેશનલ લો યુનિવર્સીટી જેવા નવા આયામોનુ ગુજરાતમા નિર્માણ કર્યુ છે જેને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગળ વધારીને નાગરિકોને સાયબર ક્રાઈમ સામે રક્ષણ આપવા મકકમ નિર્ધાર કરીને જે આયોજન કર્યુ એના પરિણામે આજે ગુજરાત પોલીસ વધુ સુસજજ બની છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બની છે.
તેમણે ઉમેર્યુ કે,પ્રવર્તમાન યુગમાં ગુનેગારો આજે ઈન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા ક્રાઈમ કરતા થયા છે તે સામે નાગરિકોને સુરક્ષા પુરી પાડવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સમય બધ્ધ આયોજન કર્યુ છે.સાયબર ક્રાઈમના ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવી રહી છે. “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ હેઠળ સાયબર ઇન્સીડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU), એન્ટી સાયબર બુલિંગ યુનિટ (ABU), સાયબર ક્રાઇમ પ્રીવેન્શન યુનિટ (CCPU), સાયબર સુરક્ષા લેબ (CSL) એમ કુલ-૦૪ સેવાઓનો સીધો લાભ રાજ્યના નાગરીકોને મળ્યો છે.
તેમણે ઉમેર્યુ કે,,સાયબર ક્રાઇમને સંબંધિત ગુનાઓને રોકવા અને આવા ગુનાઓને ઉકેલવા માટે રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક ૧ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યુ છે. જ્યારે, સાયબર ક્રાઇમને અટકાવવા અને સાયબર ક્રાઇમ તંત્રને વધુ અધ્યતન તથા સુસજ્જ કરવા માટે રાજયના ૪ શહેરો એટલે કે, ૪ કમિશ્નરેટ વિસ્તાર – અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યની ૯ રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે.
સાયબર ક્રાઈમ અંગે લોકોમા જાગૃતિ અને ડીટેકશન માટે સક્ષમ પ્રયાસો કરી નાગરિકોને સહાયરૂપ થવા પોલીસ તંત્રને તેમણે આહવાન કરતા કહ્યુ કે, આજે રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ-૧૦(દસ) જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી આ વિસ્તારના નાગરિકોને સાયબર ક્રાઈમ સંદર્ભે વધુ સુરક્ષા મળશે.તેમજ સાયબર ક્રાઈમના ગુનાઓ નોધાવવા તથા માર્ગદર્શનની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનશે
તેમણે ઉમેર્યુ કે, રાજયમા સી.સી.ટીવીનું નેટવર્ક ગોઠવવા માટે વિશ્વાસ પ્રોજેકટ કાર્યરત છે જેના પરિણામે ગુનાઓની તપાસમાં ઝડપ આવી છે આ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામો પૂર્ણતાના આરે છે અને આગામી સમયમાં સમગ્ર રાજયને આવરી લેવાશે. ગુજરાત પોલીસને સજજ કરવા અને ટેકનોલોજીના અપગ્રેડેશન માટે પણ નકકર આયોજન કરાયુ છે. કોરોનાનાકપરાકાળમાં ગુજરાત પોલીસે કરેલી ઉત્તમ કામગીરીને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે કહ્યું હતું કે, સાઇબર ક્રાઇમ મેનેજમન્ટમાં મીડિયાની રોલ મહત્વનો છે. કેવી રીતે સાઇબર ક્રાઇમના ગુનાઓ આચરવામાં આવે છે અને તેની સામે નાગરિકોએ કેવી સાવચેતી રાખવી જોઈએ તે સંદર્ભે જનજાગૃતિ ફેલાવવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. વર્ષ ૨૦૧૯ માં દેશમાં નોંધાયેલ કુલ સાઇબર ગુનાઓમાં ગુજરાતના માત્ર ૧.૧ % છે. દિન પ્રતિદિન ઇન્ટરનેટ અને મોબાઈલના વપરાશકારો વધી રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોને સાઇબર સુરક્ષા મળે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
દરમ્યાન રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, સાયબર ક્રાઇમ આચરનારા વ્યકિતઓ ખુબ જ આધુનિક ટેકનીકની મદદથી અને મોડસ ઓપરેન્ડીથી નાણાકીય છેતરપીંડી , હેકીંગ , સાયબર બુલીંગ , ટેલીફિસિંગ , સેક્સટોર્શન તેમજ રેન્ડસમવેર જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરી ગુના આચરી રહ્યા છે તેને નાથવા માટે ગુજરાત પોલીસ સજજ બની છે. સી.આઇ.ડી. ક્રાઇમ સાયબર સેલની હેલ્પલાઇન તથા આશ્વસ્ત પ્રોજેક્ટ થકી ફાઇનાન્સિયલ ફોડમા ગયેલ રૂ.૧૩.૨૨ કરોડ જેટલી રકમ નાગરીકોને પરત કરાવવામાં આવેલ છે અને રૂ .૨૧.૧૨ કરોડ જેટલી રકમ ફીઝ કરવામાં આવેલ છે.તે ઉપરાંત સાયબર બુલીંગનો ભોગ બન્યા હોય તેવા હજારો નાગરીકોનુ કાઉન્સિલીંગ કરવામાં આવે છે
આ ઇ – લોકાપર્ણ કાર્યક્રમમાં શહેર – જિલ્લા તથા રેન્જના પોલીસ વડાશ્રીઓ, રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.