ગુજરાત બાર કાઉન્સીલની એડમીનીસ્ટ્રેટીવ બેઠકમાં લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય
જિલ્લા-તાલુકા કક્ષાના 56 જેટલા વકીલોને માંદગી સહાય પેટે કુલ રૂ.નવ લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.21
ગુજરાત બાર કાઉન્સીલની તાજેતરમાં મળેલી એડમીનીસ્ટ્રેટીવ કમીટીની મહત્વપૂર્ણ બેઠકમાં છેલ્લા ચાર માસમાં મૃત્યુ પામેલા ગુજરાતના 193 વકીલો કે જેઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય હતા અને તેમના વારસદારો દ્વારા મૃત્યુ સહાયની અરજી કરવામાં આવી હતી. તે અરજીઓની ચકાસણી બાદ મૃત્યુ સહાયની અરજીમાં તમામ વિગતોની પૂર્તતા કરવામાં આવી હોય તેવા 131 વકીલોના વારસદારો-આશ્રિતોને તાકીદે મળવાપાત્ર મૃત્યુ સહાય પેટે કુલ રૂ.ત્રણ કરોડ, પાંચ લાખ ચૂકવવાનો બહુ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વધુમાં, ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા 2400થી વધુ વકીલોને અત્યારસુધીમાં રૂ.પપ કરોડ ઉપરાંતની મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે એમ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું.
આ સિવાય ગુજરાત બાર કાઉન્સીલની માંદગી સહાય કમીટીની તાકીદની બેઠકમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા અદાલતોમાંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવી હતી, જેમાં 56 જેટલા વકીલોને માંદગી સહાય પેટે કુલ રૂ.નવ લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલ દ્વારા છેલ્લા બે વર્ષમાં મૃત્યુ પામનાર વકીલોના વારસદારોને રૂ.17 કરોડ ઉપરાંતની મૃત્યુ સહાય ચૂકવવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.
દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ-1991 હેઠળ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેલ્ફેર ફંડની યોજનામાં જે વકીલો સભ્ય બન્યા હોય અને વેલ્ફેર ફંડ એકટના ધારાધોરણોનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તેવા વકીલોના મૃત્યુ બાદ તેમના વારસદારોને વર્તમાન સમયમાં સાડા ત્રણ લાખ રૂપિયા મૃત્યુ સહાય પેટે ચૂકવવામાં આવે છે. તદુપરાંત, 45 વર્ષની વય બાદ વકીલાતના વ્યવસાયમાં આવનાર વકીલોને વેલ્ફેર ફંડની મર્યાદિત રકમ તેમની પ્રેકટીસના વર્ષ પ્રમાણે મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તા.1-9-2003થી વકીલોને મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં સતત વધારો કરવામાં આવ્યો છે. તેમ જ વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફી અને રિન્યઅલ ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં રાજયના આશરે 2400થી વધુ વકીલોને કુલ રૂ.52 કરોડ, 31 લાખ જેટલી મૃત્યુ સહાયની માતબર રકમ ચૂકવવામાં આવી છે., જે ભંડોળ વેલ્ફેર ફંડની વેલ્ફેર સ્ટેમ્પ, વેલ્ફેર ફંડની મેમ્બરશીપ ફી તેમ જ રિન્યુઅલ ફીની આવક દ્વારા વેલ્ફેર ફંડનું મૃત્યુ સહાયનું ભંડોળ એકત્ર કરવામાં આવે છે.
ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ એ બાબતે પણ ધ્યાન દોર્યુ કે, અગાઉ સામાન્ય ક્રમમાં 225થી 250 જેટલા વકીલોના વારસદારોની મૃત્યુસહાય મેળવવાની અરજીઓનું પ્રમાણ જોવા મળતુ હતુ પરંતુ વર્તમાન સમયમાં કોરોના મહામારી દરમ્યાન વકીલોની મૃત્યુ સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં 2020ના એક જ વરષમાં 368 જેટલા વકીલો મૃત્યુ પામ્યા હતા અને આ જ રીતે 2021ના વર્ષમાં જૂલાઇ માસ સુધીમાં 225થી વધુ વકીલો મૃત્યુ પામ્યા છે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા કોરોના મહામારીના કપરા કાળમાં વકીલઆલમની વહારે આવી માંદગી સહાયમાં 2400 જેટલા વકીલોને સાડા ત્રણ કરોડ રૂપિયા અને ગુજરી જનાર 90 વકીલોના વારસદારોને મૃત્યુ સહાય પેટે તાકીદની સહાય તરીકે કુલ રૂ.90 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું પણ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું.
ગુજરાત બાર કાઉન્સીલની યોજાયેલી એડમીનીસ્ટ્રેટીવ કમીટીની બેઠકમાં બાર કાઉન્સીલના ચેરમેન હીરાભાઇ એસ.પટેલ અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા ઉપરાંત, વાઇસ ચેરમેન શંકરસિહ એસ.ગોહિલ, સભ્યો દિપેન કે.દવે, રમેશચંદ્ર જી. શાહ, મનોજ એમ. અનડકટ, કરણસિંહ બી.વાઘેલા સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો.
bharatmirror #bharatmirror21 #news