સાબરમતી પોલીસના એએસઆઇની પુત્રીએ રહસ્યમય સંજોગોમાં ઘર છોડતાં પહેલાં પિતાના નામે હ્રદયદ્રાવક સંદેશો છોડયો, પરિણિતાને શોધવા પોલીસ દોડતી થઇ
સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લે લોકેશન મળ્યા બાદ કોઇ સગડ નહી મળતાં ભારે તર્ક-વિતર્ક, પોલીસ બેડામાં પણ પોલીસ પરિવાર પરત્વે સંવેદનાનો પ્રવાહ
અમદાવાદ,તા.21
અમદાવાદ શહેરના સાબરમતી પોલીસમથકમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર(એએસઆઇ) તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીની પુત્રી સાસરિયાઓના ત્રાસના કારણે રહસ્યમય સંજોગોમાં લાપતા બનતાં વ્યથિત પોલીસ પિતાને જ ખુદ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. પોલીસ પુત્રીએ ઘર છોડતાં પહેલાં પોતાના પિતાના નામે હ્રદયદ્રાવક ઓડિયો મેસેજ છોડતાં તેને લઇ ભારે સંવેદનાનો પ્રવાહ પણ આ પોલીસ પરિવાર પ્રત્યે પોલીસ બેડામાં વહેતો થયો છે. બીજીબાજુ, ફરિયાદ નોંધાયા બાદ લાપતા પરિણિતાને શોધવા પોલીસ દોડતી થઇ છે. જો કે, સુરેન્દ્રનગરની કેનાલ પાસે પોલીસ પુત્રીનું છેલ્લે લોકેશન મળ્યા બાદ કોઇ સગડ નહી મળતાં ભારે તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.
અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં ગિરીશદાન ગઢવીના દીકરી સોનલબેનના લગ્ન 14 વર્ષ પહેલા ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયાં હતાં. 14 વર્ષના લગ્નજીવન બાદ પણ સોનલબેન સાસરીએ ખુશ ન હતા. તેમને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. આ કારણે તેણી ત્રણ મહિના પહેલા પિયર આવી ગયા હતા. પરંતુ ગુરુવારે સવારે 5 વાગ્યે અચાનક તેણી પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પિતાના નામે એક ચિઠ્ઠી તથા એક ઓડિયો છોડ્યો હતો. પોલીસ બેડામાં એવી પણ ચર્ચાએ જોર પકડયુ છે કે, યુવતીના સસરા અને પીઆઇ પ્રતાપદાન ગઢવી અગાઉ કડીમાં લાંચ લેતા પકડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, પીઆઈનો પુત્ર યુવતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો અને બહુ ભયંકર ત્રાસ આપતો હતો. રિવરફ્રન્ટ પોલીસે પરિણિતાના સસરા એવા પીઆઇ સહિત આઠ લોકો સામે ગુનો નોંધી યુવતીની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સાસરિયાઓના ત્રાસથી ગુમ થયેલી અમદાવાદના એએસઆઈના પુત્રી છેલ્લાં પાંચ દિવસથી ગુમ છે. સુરેન્દ્રનગરની કેનાલ પાસે છેલ્લુ લોકેશન મળ્યા બાદ ભારે તપાસ બાદ પણ તેણીના વધુ કોઇ સગડ મલ્યા નથી. પરંતુ એક પિતાના નામે દીકરીએ છોડેલી છેલ્લી ઓડિયો ક્લિપના અંશો સામે આવ્યા છે. જેમાં એક દીકરીએ પિતાના નામે અત્યંત હૃદયદ્રાવક વાત કરી છે. જેને લઇને પોલીસ બેડામાં પણ આ પોલીસ પરિવાર પ્રત્યે ભારે સંવેદનાનો પ્રવાહ જાગ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના એએસઆઈ ગિરીશદાન ગઢવીની ગુમ દીકરીનો હજુ સુધી કોઈ પતો નથી મળ્યો પરંતુ તેમની દીકરીની ઓડિયો ક્લિપના આધારે ગુનો નોધાયો છે. પોલીસે પુત્રીના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ બેડામાં પણ આ બનાવને લઇ ભારે ચર્ચા જાગી છે.
પરિણિતાએ પોતાના એએસઆઇ પિતાને ઉદ્દેશીને લખેલા હ્રદયદ્રાવક સંદેશામાં જણાવ્યું છે કે, પપ્પા મને માફ કરી દેજો..પેલા લોકોના ત્રાસથી કંટાળીને હું આ પગલું ભરવા જઇ રહી છું. હું ભાગી નથી કે, કાયર નથી પરંતુ પેલો મને રોજ ટોર્ચર કરે છે અને મરવાની ધમકી આપે છે, બીવડાવે છે…એટલે, હું ત્રાસી છુ કે, તું શું મરીશ… હું મરીને બતાવીશ. હું પહેલીવાર પરિસ્થિતિથી ભાગી છું. પપ્પા, મેં હંમેશા તમારી ઇજ્જત બચાવવાની કોશિશ કરી છે. પપ્પા હું બહુ થાકી ગઇ છું અને કંટાળી ગઇ છું. બરોબર વિચારીને મેં આ ડિસીઝન લીધુ છે. મને શોધવાનો પ્રયત્ન ના કરતા..પપ્પા, મમ્મી મને માફ કરજો, ભાઇ બહેન મને માફ કરજો. મારા બેઉ છોકરાને સાચવી લેજો. હું ભાગી નથી કે કાયર નથી પરંતુ કોઇ મારી પરિસ્થિતિ સમજતા નથી. મને જીવવાની બહુ બહુ ઇચ્છા હતી પરંતુ હવે બધી ઇચ્છાઓ સમાપ્ત થઇ ગઇ. ભોળાનાથ તમને બધાને શકિત આપે અને બધા ખુશ રહો..મને માફ કરજો. એએસઆઇ પિતાને ઉદ્દેશીને લખેલા એક પરિણિત પુત્રીના હ્રદયની વ્યથાને લઇ હાલ તો પોલીસ બેડામાં ભારે સંવેદનાનો પ્રવાહ આ પોલીસ પરિવાર પ્રત્યે ઉમટી રહ્યો છે. બીજીબાજુ, પોલીસ પણ લાપતા પોલીસ પુત્રીને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે.
bharatmirror #bharatmirror21 #news