નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે- ભાવનગરને મળશે હવે કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટની બહુમૂલ્ય ભેટ
સૌરાષ્ટ્રના ભાવનગર-બોટાદ-અમરેલી જિલ્લાના લોકોને હવે ભાવનગરમાં જ કેન્સર કેર સારવાર સુવિધા મળશે
ર૯ર પરિવારોને રૂ. ૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ અર્પણ કરાશે
પાંચ એમ.એલ.ડી ક્ષમતાના રૂ. પ.ર૭ કરોડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના રૂ. ૧૩.રપ કરોડના વિકાસકામોની ભેટ ભાવનગરને મળશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.19
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.ર૦મી જુલાઇએ એક જ દિવસમાં ભાવનગર મહાનગરને શહેરી જનસુખાકારી અને આરોગ્ય સુવિધાના રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપશે.
મુખ્યમંત્રીશ્રી ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટનો સર તખ્તસિંહજી હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવશે.
કેન્સર જેવા જટિલ રોગની સારવાર માટે સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી આવી સારવાર માટે આવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી ભાવનગરમાં આ કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ શરૂ કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે આ હેતુસર અમદાવાદની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ સાથે MoU કરેલા છે. તદઅનુસાર, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં રૂ. ૩ર.૧૧ કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ નિર્માણ પામ્યુ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મંગળવાર તા.ર૦ જુલાઇએ સવારે ૧૦ કલાકે ભાવનગર પહોચશે અને આ ઇસ્ટીટયૂટ સહિત ભાવનગર મહાનગરને અન્ય વિકાસ કામોની ભેટ આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૮.૮૮ કરોડના ખર્ચે નિર્મિત ર૯ર આવાસોના લોકાર્પણ કરવાના છે. પ્રતિક રૂપે તેઓ કેટલાક લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરશે.
આ અવસરે રાજ્યના મહિલા-બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી તેમજ ધારાસભ્યો સર્વશ્રી જિતુભાઇ વાઘાણી, આત્મારામભાઇ પરમાર અને કેશુભાઇ નાકરાણી તથા આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા અને કનુભાઇ બારૈયા પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી ભાવનગર મહાનગરમાં નારી ખાતે ‘અમૃત’ યોજના અન્વયે રૂ. પ.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. એટલું જ નહિ, તેઓ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ર.રપ કરોડના ખર્ચે સિટી બ્યૂટિફિકેશન તહેત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુ:ખી શ્યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂ. ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું લોકાર્પણ કરવાના છે.
ભાવનગર મહાનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ વગેરે પણ આ લોકાર્પણ સમારોહમાં જોડાવાના છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર મહાનગરને આ બહુવિધ લોકાર્પણોની ભેટ ભાવનગરની પ્રત્યક્ષ મુલાકાત લઇને મંગળવારે સવારે આપશે અને બપોર બાદ તેઓ ગાંધીનગર પરત આવશે.