ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે દિશા નિર્દેશ આપ્યા
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાનના મોસાળ એવા સરસપુરમાં શ્રી રણછોડરાયજી મંદિરના દર્શન કર્યા અને જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં પણ પહોંચી રથયાત્રા સંદર્ભે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન નિહાળી સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી દિશા નિર્દેશો કર્યા
રથયાત્રા પહેલાં જગન્નાથ મંદિર હાલમાં પોલીસ-છાવણીમાં ફેરવાયુ, નિજમંદિરના દ્વાર પર અને મંદિર પરિસરની ફરતે પોલીસ અને સુરક્ષા જવાનોનું લોખંડી અભેદ્ય કવચ ખડકાયુ
રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 થી વધુ ગાડીઓના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રાજય સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ હવે તેની સુરક્ષા અને સલામતીને લઇ જબરદસ્ત તૈયારીઓ અને તૈનાતગી શરૂ થઇ ગઇ છે. રથયાત્રાને લઇ સુરક્ષા અને સલામતીની સર્વગ્રાહી સમીક્ષા માટે અને સમગ્ર રૂટના બારીકાઇથી નીરીક્ષણ માટે આજે ખુદ રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓ સાથે આખાય રૂટ પર નીરીક્ષણ અર્થે નીકળ્યા હતા. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રાની સુરક્ષાને લઇ કેટલાક સૂચનો અને દિશાનિર્દેશ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપ્યા હતા. બીજીબાજુ, રથયાત્રાને લઇ જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયુ હતું. મંદિરના મુખ્ય દ્વારની પાસે, મંદિર પરિસર અને સમગ્ર મંદિરની ફરતે અભેદ્ય સુરક્ષા કવચ ખડકી દેવાયું છે.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે સવારે રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓએ મળી 50 થી વધુ ગાડીઓના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ પર નીકળ્યા હતા. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂટના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા અને આયોજનને લઇ એકેએક ગતિવિધ પર નજર રાખી જાતમાહિતી મેળવી હતી.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી હતી અને ત્યાંથી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા હતા. ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેમ દરવાજાથી દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી રૂટ પર ફૂટ માર્ચ કરી હતી, જે નોંધનીય બની રહી હતી. બાદમાં તેઓ ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શ્રી રણછોડજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે મોસાળ સરસપુરમાં પણ શ્રી રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
દરમ્યાન ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ભૂતકાળમાં ન થઈ હોય તેવી આ વર્ષે પરિસ્થિતિ થતાં મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે ચર્ચા કરી નવી વ્યવસ્થા વચ્ચે રથયાત્રા યોજાશે. જગન્નાથજીના રથ, મહંત અને ટ્રસ્ટીઓ અને પાંચ વાહન તેમજ એક રથમાં 20 ખલાસી સાથે સરસપુર મોસાળમાં વિધિ પૂર્ણ કરી પરત ફરશે. કરફયુના કડક અમલ વચ્ચે અને કોવીડ ગાઇડલાઇન્સના પાલન સાથે રથયાત્રા નીકાળવામાં આવશે.
જગન્નાથજી મંદિરના મહંતશ્રી અને મુખ્યમંત્રીશ્રી તેમજ અમારા દ્વારા અપીલ છે કે, લોકો કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરી ટીવી માધ્યમો અને લાઈવ પ્રસારણ થકી ભગવાનના દર્શન કરે. તેમણે વધુમાં કહ્યું હતું કે આજે સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી, મહંત દિલીપદાસજી સાથે ડીજીપી આશિષ ભાટિયા સહિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને રથયાત્રાને લઇ સુરક્ષા અને સલામતી સહિતના પાસાઓને લઇ સમગ્ર સંકલન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે પહોંચી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના ટ્રસ્ટીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી અને રથયાત્રાની તૈયારીઓ, આયોજન અને સુરક્ષાને લઇ સલાહ મસલત કરી હતી. ગૃહ રાજયમંત્રીશ્રીએ અમદાવાદની કોવિડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે મંદિરના ટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન નિહાળી સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી દિશાનિર્દેશો કર્યા હતા.