ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ઘરમાં બેઠા જ ટી.વી. પર સમગ્ર રથયાત્રા નિહાળી શકાશે – ભકતજનોને દર્શન માટે બહાર નહી નીક્ળવા ખાસ અપીલ
રથયાત્રાની સુરક્ષા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે., રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુ, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ
સમગ્ર રથયાત્રા રૂટ પર આતાંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૂત્તિ અટકાવવા માટે બોંબ ડીટેક્શન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે
રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધીઓ પર નજર રાખવા ૧૫ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.9
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. સાથોસાથ રાજ્ય સરકાર શાંતિ સલામતી જાળવવા કટિબધ્ધ છે એટલું જ નહી પરંતુ રાજ્યના નાગરિકો શ્રધ્ધાપુર્ણ રીતે અને શાંત વાતાવરણમાં તહેવાર ઉજવી શકે તે અમારો ધ્યેય છે. અમદાવાદની રથયાત્રાને લઇ શહેરમાં ખાસ કરીને રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને સલામતીનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો છે. વિશેષમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીના ત્રણેય રથની જડબેસલાક સુરક્ષા માટે થ્રી લેયર અભેદ્ય સુરક્ષા કવચ રહેશે, જેની ખાસ કાળજી લેવામાં આવી છે.
અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૧૪૪મી ભવ્ય રથયાત્રા માટે ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિર તેમજ રૂટમાં આવતા સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ જગન્નાથ નિજ મંદિરની મુલાકાત લઈ મંદિરના મહંતશ્રી દિલિપદાસજી મહારાજ સહિત ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક કરી રથયાત્રા સંદર્ભે વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ચોક્કસ માર્ગદર્શિકા મુજબ રથયાત્રા યોજવાનું નક્કી કર્યું છે. આ રથયાત્રા ગુજરાત જ નહીં દેશ આખા માટે આસ્થાનો વિષય છે ત્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ રથયાત્રા દરમ્યાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારી ના પગલાં લેવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પરંપરાગત રીતે યોજાતી આ રથયાત્રા આ વર્ષે કોવિડ પ્રોટોકોલ સાથે યોજાવાની છે ત્યારે, કોરોના પ્રોટોકોલની ગાઈડ લાઈનને ધ્યાને રાખી શ્રધ્ધાળુઓ લાઈવ દર્શનનો લાભ લે. સમગ્ર રથયાત્રાનું ટેકનોલોજીના ઉપયોગથી જીવંત પ્રસારણ થવાનું છે, અને લોકો ઘરે બેઠા ભગવાનના દર્શનનો લ્હાવો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામા આવી છે. ભકતજનોને દર્શન માટે બહાર ન નીક્ળવા મંત્રીશ્રી અને મંદિરના મહંત શ્રી દીલીપદાસજી મહારાજ દ્વાર ખાસ અપીલ કરાઈ છે.
ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મુર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવાર કલાક ૦૭/૦૦ વાગ્યે જગન્નાથજી મંદીરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુ ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહો&ચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, પિત્તળીયા બંબા, પાનકોરનાકા, માણેકચોક થઈ નીજ મંદીરમાં લગભગ બપોરે ૧૨ કલાક સુધીમાં નિજ મંદિરે પરત ફરશે.
ગૃહ મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ રૂટ વિસ્તાર માં કર્ફ્યુ નાંખવામાં આવશે એટલું જ નહિ પ્રતિ રથ મહત્તમ ૨૦ ખલાસીઓ રાખવાનું નક્કી કરવામાં આવ્યુ છે. સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, સાથે સાથે યાત્રાને આગળ ધપાવતા ખલાસીઓના RTPCR ટેસ્ટ, કરાવવામાં આવશે,
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં આ વર્શે પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. રથયાત્રા રૂટમાં આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુ, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ સ્ટેશનોમાં મીની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહી પરંતુ ACP તથા તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને વોકીટોકી સેટ ફાળવવામાં આવશે.
રથયાત્રાનું લાઈવ મોનીટરીંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવશે…આ કેમેરાનું લાઈવ મોનીટરીંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પો.સ્ટે વિસ્તારમાં કરાશે. જ્યારે રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનોમાં સી.સી.ટી.વી વ્હિકલ દ્વારા પેટ્રોલીંગ કરાશે…મુવીંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા ગોઠવાનાર છે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતાંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૂત્તિ અટકાવવા માટે બોંબ ડીટેક્શન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે. રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધીઓ પર નજર રાખવા ૧૫ ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે.
ગૃહમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે રથયાત્રાના નિર્ધારિત રૂટ પર કોઈ પણ જગાએ પ્રસાદ વિતરણ કે સ્વાગત વિધી માટે હોલ્ટ કરવામાં આવશે નહિ સાથોસાથ. રથ યાત્રાના સમગ્રરૂટ પર જરૂરી સ્થળોએ ટ્રાફિક નિયમન અને કર્ફ્યુના પાલન માટે ડાયવર્ઝન અને બેરીકેડીંગ પણ કરાશે.
ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રથયાત્રાની સાથે મૂવિંગ બંદોબસ્તમાં Addl CP Crime તેમજ DCP Crime સહિત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓ ત્રણે રથની ત્રણ લેયરમાં જડબેસલાક સુરક્ષામાં સાથે રહેશે. કાયદો અને વ્યવસ્થાની જાણકારી આપતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે રથયાત્રાના રૂટમાં આવતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૭ ડી.સી.પી, ૧૪ એ.સી.પી., ૪૪ પી.આઈ., ૯૮ પી.એસ.આઈ. સહિત હેડ કોન્સ્ટેબલ-પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી/સી.આર.પીના જવાનો બંદોબસ્તમાં રહેશે.આ વિસ્તારમાં ૯ સ્થળોએ લગાડવામાં આવેલા ૧૮ કેમેરા દ્વારા AMC કંટ્રોલરૂમ, પાલડી ખાતે મોનીટરીંગ કરવામાં પણ આવશે.
ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અંતમાં ઉમેર્યું કે, સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસ્વાર પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાની પૂર્વતૈયારી અને રૂટ સમીક્ષા માટે મેયર શ્રી કિરીટ્ભાઇ પરમાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ, ડી.જી.પી.શ્રી આશિષ ભાટિયા, શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
bharatmirror #bharatmirror21 #news