મૃતક સરકારી કર્મચારીનું પેન્શન જે કાયદેસરની પત્ની ન હતી, તેણી લઇ જતાં સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો
હાઇકોર્ટે રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને કારણદર્શક નોટિસો જારી કરી, પ્રતિવાદી મંજુલાબહેનને પક્ષકાર તરીકે જોડવા પણ હુકમ – કેસની વધુ સુનાવણી તા.18મી ઓગસ્ટે
અમદાવાદ,તા.31
સરકારી કર્મચારી મૃત્યુ પામ્યા બાદ તેની પહેલી પત્નીએ પેન્શનનો અધિકાર મેળવવા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મૃતક સરકારી કર્મચારીનું પેન્શન જે કાયદેસરની પત્ની ન હતી, તેણી લઇ જતાં સમગ્ર મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. પહેલી પત્ની વિમળાબહેન ગોસ્વામી દ્વારા કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય.કોગજેએ રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે. વધુમાં, આ કેસમાં મૃતક સરકારી કર્મચારીની પત્ની હોવાનો દાવો કરનારી પત્ની મંજુલાબહેનને પક્ષકાર તરીકે જોડવા નિર્દેશ કર્યો છે અને કેસની વધુ સુનાવણી તા.18મી ઓગસ્ટના રોજ મુકરર કરી છે.
મૃતક સરકારી કર્મચારીની પહેલી પત્ની વિમળાબહેન ગોસ્વામી દ્વારા એડવોકેટ નિમિષ એમ,કાપડિયા મારફતે કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, પાટણ જિલ્લાનાં એરૂમણા ગામના વિમળાબેનના લગ્ન મનુગીરી ગોસ્વામી સાથે સને ૧૯૮૪માં થયા અને ત્યારબાદ થોડાંક વર્ષો પછી બંને વચ્ચે ઝઘડાં થતા એક બીજા વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી થઇ હતી. અરજદારના પતિ મનુગીરી ગોસ્વામી ગુજરાત સરકારમાં નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા અને વર્ષ ૨૦૦૯ માં તેમનું મૃત્યુ થયું હતું. અરજદારે પત્ની તરીકે અને તેમના પુત્ર નિલેશગીરીએ મરનારના કાયદેસર વારસો તરીકે પેન્શન વગેરે મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ સરકાર તરફથી એવો જવાબ આપેલ કે મૃત્યુ પહેલાં મરનારએ નોમીનેશન ફોર્મમાં એક મંજુલાબેન ગોસ્વામી તથા મંજુલાબેનથી થયેલ ત્રણ પુત્રોને આ રકમો મળે તેવી વિગતો લખી હતી.
અરજદાર વિમળાબહેન ગોસ્વામી તરફથી એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ હાઇકોર્ટનું એ બાબત પરત્વે મહત્વનું ધ્યાન દોર્યું કે, ખરી હકીકતમાં વિમળાબેન અને મનુગિરીના કદી છુટાછેડા થયેલ જ નથી. તેથી વિમળાબેન અને તેમના પુત્ર નીલેશગીરીએ હાઈકોર્ટમાં Special Civil Application No. 526/2012 દાખલ કરી હતી, જે પેન્ડીંગ હતી તે સમયે વિમળાબેનએ શંખેશ્વરની સિવિલ કોર્ટમાં વારસાઈ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી. કારણ કે સરકારી કચેરીએ વિમળાબેન અને મંજુલાબેન બંનેને વારસાઈ પ્રમાણપત્ર મેળવવા સુચના આપી હતી. આવો પત્ર હોવા છતાં સરકારી કચેરીએ મરનારના પેન્શન વગેરેની રકમ મંજુલાબેન કે જે કાયદેસર પત્ની ન હતા તેમને ચુકવી દીધી હતી. વાસ્તવમાં, આમાંથી અડધી રકમ માટે અરજદાર વિમળાબેન ગોસ્વામી હક્કદાર છે તેવો હુકમ સિવિલ કોર્ટે કર્યો હતો. તેથી તા. ૨૭-૦૭-૨૦૧૮ ના રોજના હુકમથી હાઈકોર્ટે વિમળાબેનને આ વારસાઈ પ્રમાણપત્ર સરકારી કચેરીમાં રજુ કરવા ફરમાવ્યું હતું અને સદર રકમ હાઈકોર્ટના ઓર્ડરના ત્રણ માસમાં અરજદારને ચુકવી આપવા હુકમ કર્યો હતો. વધુમાં, જો રકમની ચુકવણી થઈ ગઈ હોય તો મંજુલાબેન પાસેથી તે રકમની રીકવરી ત્રણ માસમાં કરવી, તેવો પણ હુકમ કર્યો હતો. ત્યારબાદ અરજદાર વિમળાબેનએ સરકારી કચેરીમાં વારસાઈ પ્રમાણપત્ર અને સિવિલકોર્ટના હુકમની નકલ રજુ કરતાં ઓગસ્ટ ૨૦૨૦માં તેમને, ફક્ત પેન્શન મંજુર થયેલ. પરંતુ મંજુલાબેન ગોસ્વામી કે જે ગાંધીનગરમાં સેક્ટર-૨૧, બ્લોકનં૧૨-૫, છ ટાઇપમાં રહેતા હતા અને ત્યારબાદ સાબરકાંઠાના મેધરાજ તાલુકાના મોટીમોરી મુકામે રહેતા હતા. તે તેમના સરનામે મળી આવેલ ન હોવાથી રીકવરી થઈ શકેલ નથી, તેવો જવાબ મળ્યો હતો. તેથી નાયબ કાર્યપાલકે જણાવ્યું કે મંજુલાબેન કયા સરનામે રહે છે તે જાણમાં નથી અને જરૂરી તપાસ માટે ગુજરાત પોલીસની મદદ લેવા માટે યોગ્ય સુચના આપવા વિનંતી કરી છે.
આ કાર્યવાહીને ઘણો સમય વીતી જતાં આખરે અરજદારે ફરીથી તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડીયા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં Special Civil Application No. 9006/2021 દાખલ કરી હતી. આ રિટમાં અરજદાર તરફથી કેપીટલ પ્રોજેક્ટના એંજીનિયર, માર્ગ અને મકાન વિભાગના સચિવ તથા પેન્શન અને પ્રોવિડન્ટના નિયામકને પક્ષકાર બનાવી એવી દાદ માંગી હતી કે, તેઓ હાઈકોર્ટના અગાઉના હુકમોનું પાલન કરે અને પેન્શન ગ્રેજ્યુઇટી વગેરે તમામ રકમની અરજદારને ચુકવણી કરે, અને સાથોસાથ પોલીસની મદદ લઈ આ મંજુલાબેન પાસેથી રીકવરી કરે તથા ખોટું કરવાવાળા અધિકારીઓ વિરૂધ્ધ ખાતાકીય તપાસનો હુકમ કરે અને આ રકમ તેમની પાસેથી વસુલ કરવા હુકમ કરે. આ કેસની પ્રાથમિક સુનાવણી હાઇકોર્ટના જસ્ટીસ એ.વાય.કોગજેએ પ્રતિવાદી મંજુલાબેનને પક્ષકાર તરીકે જોડવા હુકમ કર્યો હતો અને રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોને કારણદર્શક નોટીસો કાઢી વધુ સુનાવણી ૧૮-૮-૨૦૨૧ ના રોજ રાખી હતી.
bharatmirror #bharatmirror21 #news