કેન્દ્રીય ગૃહમંત્રીએ 2024 સુધીમાં પોતાના સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નગરજનોને વાંચનાલય, સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન,સબ ઝોનલ ઓફિસ અને નવનિર્મિત રેલ્વે સ્ટેશનની ભેટ આપી- વોટર સપ્લાય પ્રોજેકટ્સના ખાતમુહૂર્ત કર્યા
વડાપ્રધાનશ્રીએ આરંભેલી ગુજરાતની વિકાસયાત્રા તેઓના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે તેવી વ્યવસ્થા તેઓએ ઊભી કરી છે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ ધીમી થઇ નથી – કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જે વિકાસયાત્રા આરંભી હતી તે તેમના કેન્દ્રમાં ગયા પછી પણ અવિરત રહે તેવી વ્યવસ્થા ઊભી કરી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં મહાનગરપાલિકા, ઔડા અને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત બોપલ ખાતેથી કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘જેટલો વિકાસ થાય એટલો કરીએ’ તેવી માનસિકતા વાળા નહીં પરંતુ ‘જેટલો વિકાસ કરીએ એટલો થાય’ તેવી માનસિકતાવાળા લોકનેતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના સંસદીય મતક્ષેત્રમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની રૂપરેખા આપી 2024 સુધીમાં આ વિસ્તારને દેશનો સૌથી વિકસિત સંસદીય મતવિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના ધારાસભ્ય તરીકેના કાર્યકાળનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, હાલ અમદાવાદ શહેર અને આંબલી-ઘુમા વચ્ચે ભેદરેખા રહી નથી તેવો આ વિસ્તારનો વિકાસ થયો છે. કોઈ વિશેષ માંગણી વગર જ આ વિસ્તારના લોકોની સુખાકારી માટે સરકારે સો કરોડની યોજનાઓ મંજુર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, આવનારા ૩૦ વર્ષ સુધી આ વિસ્તારમાં વસ્તીવૃદ્ધિનું આંકલન કરી પીવાના પાણીના વિતરણની કાર્ય યોજનાઓ હાથ ધરાઇ છે. મધ્યમ વર્ગના યુવાનો શાંતિથી વાંચન કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે અત્યાધુનિક લાઈબ્રેરી અને લોકો સરકારી કામકાજો સ્થાનિક કક્ષાએ સુપેરે પાર પાડી શકે તે માટે અત્યાધુનિક સિવિક સેન્ટર બનાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિકાસ કાર્યોની ગતિ ધીમી થઇ નથી. કોવિડ સંલગ્ન નિયમ પાલનની જાગૃતતા અને રસી લેવાની તત્પરતા એ કોરોના સામે આપણું સુરક્ષા કવચ છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર દેશે કોરોના સામે લડાઈ મજબૂતાઈથી લડી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ૨૩,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરી દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બુસ્ટ આપ્યું છે, આઇ.સી.યુ. બેડ ઉભા કરવા, ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની આગેવાનીમાં રસીકરણનું વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. અમદાવાદ શહેરમાં ૮૬ ટકા લોકોને રસી અપાઇ ચૂકી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકાર્પણ કરેલા વિકાસ કાર્યોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં રૂ. 21.54 કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, નવાવાડજ વોર્ડમાં રૂપિયા 12. કરોડના ખર્ચે નિર્મિત વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન, ગોતા વોર્ડમાં 9.19 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલ, વેજલપુર વોર્ડમાં 8.26 કરોડના ખર્ચે નિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલ તથા રૂ. 2.72 કરોડના ખર્ચે નિર્મિત સબ ઝોનલ ઓફિસ, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બોપલ વિસ્તારમાં 6.90 કરોડના ખર્ચે નિર્મિત 168 વિદ્યાર્થીની ક્ષમતા વાળુ વાંચનાલય તથા 4 કરોડના ખર્ચે નિર્મિત સિવિક સેન્ટરનો સમાવેશ છે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા નિર્મિત આંબલી રોડ, ખોડીયાર અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને હેરિટેજ સિટી થીમ સાથે નવનિર્મિત અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનનું પણ તેઓએ ઇ-લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી ખાતમુહૂર્ત કરેલા વિકાસ કાર્યોમાં ઔડા દ્વારા બનનાર ઘુમા વિસ્તારમાં ટીપી એક, બે અને ત્રણ તથા તેલાવ પાસે વોટર સપ્લાય પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, ડી આર.એમ. શ્રી દિલીપ ઝાલા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા બોપલ ખાતે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનો વિવિધ વોર્ડથી ઓનલાઈન જોડાયા હતા.