મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી, રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ પણ કર્યું
ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથજીના કૃપા આશિષ વરસતા રહે:- મુખ્ય મંત્રીશ્રી
ગુજરાત કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરતા શ્રી વિજય ભાઈ રૂપાણી
સૌ નાગરિકો ઘરમાં રહીને દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી રથયાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરે :-મુખ્યમંત્રીશ્રી નો ખાસ અનુરોધ
જગન્નાથજી મદિર ખાતે સંધ્યા આરતી અને દર્શનમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની પણ વિશેષ ઉપસ્થિતિ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.11
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ૧૪૪મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં ભકિતભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પત્ની અંજલિબહેન સાથે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃધ્ધિ માટે ભગવાન પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ સંધ્યા આરતી અને ભગવાનના દર્શન લ્હાવામાં વિશેષ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી હતી.
શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે, રથયાત્રા એ ધાર્મિકની સાથે સાથે લોકોત્સવ પણ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય માટે રથયાત્રા અદ્કેરૂ મહત્વ ધરાવે છે. ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોને સામે ચાલીને મળવા, દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગર યાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને ભક્તિભાવપૂર્વક જોડાય છે.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે આ વખતની રથયાત્રા આપણા માટે થોડી અલગ છે. રાજ્ય સરકારે લોકોની આસ્થા શ્રદ્ઘા ધ્યાને રાખીને કોવિડની પરિસ્થિતીના પગલે કોવિડ સંક્રમણ નિયંત્રણના પ્રોટોકોલ અને ગાઈડલાઈન પ્રમાણે આ રથયાત્રા નિયંત્રિત રીતે યોજવા મંજૂરી આપી છે ત્યારે લોકો પણ સહયોગ આપે તે જરૂરી છે.
જેથી કોરોના મહામારીને જોતાં નગરજનો ઘરે બેઠા જ ભગવાનના દર્શન કરે તે સમયની માંગ છે. આ માટે રથયાત્રાના લાઈવ ટેલિકાસ્ટ ની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તેનો સૌ લાભ લઈ ઘરે બેઠા જ યાત્રા નિહાળે અને ભગવાનના દર્શન કરે તેવી અપીલ તેમણે કરી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે, સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસથી ગુજરાત અડીખમ રહે વિકાસમાં સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. મુખ્યમંત્રીશ્રી એ ભગવાન જગન્નાથની કૃપા થી સૌ સ્વસ્થ રહે કોરોના મહામારીમાંથી ગુજરાત ત્વરાએ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે એમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજને શાલ ઓઢાડી તેમનું આદરપૂર્વક સન્માન કર્યુ હતુ તો, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાને પણ સન્માનિત કર્યા હતા. મંદિર તરફથી પણ મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાને ગુલાબના હાર પહેરાવી તેમને પ્રતિકાત્મક મોમેન્ટો ભેટ સ્વરૂપે આપી તેઓનું ભાવપૂર્વક સન્માન કર્યું હતુ અને તેમને આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર શ્રી કીરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ શ્રી હિતેષ બારોટ, શહેર ભા.જ.પના પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ, અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા. સાૈકોઇએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી.
bharatmirror #bharatmirror21 #news