રાજય સરકાર દ્વારા મર્યાદિત લોકોની હાજરી અને સમગ્ર રૂટ ટુંકાવીને રથયાત્રાને મંજૂરી અપાય તેવી સંભાવના
અમિત શાહ તા.11મી જૂલાઇએ રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા : પહીન્દ વિધી માટે મુખ્યમંત્રીને આમંત્રણ
પૂર્વે તા.10મી જૂલાઇએ ભગવાનના નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણના પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ખાસ હાજરી
દિવસે તા.11મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સુંદર અને ભવ્ય એવા સોનાવેશથી શણગારવામાં આવશે. આ દિવસે ગજરાજોનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે અને રથયાત્રા માટે ગજરાજોના આશીર્વાદ મેળવવામાં આવશે
રથયાત્રાની સુરક્ષાના ભાગરૂપે અર્ધલશ્કરી દળની 10 કંપનીઓ પણ અમદાવાદ પહોંચી – લોખંડી પોલીસ બંદોબસ્તની તજવીજ
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકાળવા અંગે હજુ સુધી રાજય સરકાર કે પોલીસ તંત્ર તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કે માહિતી જારી કરાઇ નથી પરંતુ સંભવતઃ આવતીકાલે બુધવારે કેબીનેટની બેઠકમાં રથયાત્રા અમદાવાદમાં નીકાળવા અંગે રાજય સરકાર દ્વારા બહુ મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે. બીજીબાજુ, ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં અષાઢી બીજના સવારે સર્વ પ્રથમ દર્શન માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તા.11મી જૂલાઇના રોજ રાત્રીના સમયે અમદાવાદ આવી પહોંચે તેવી શકયતા છે. તેઓ વહેલી સવારે સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી તેમ જ દર્શન કરી પરંપરા મુજબ, સાધુ-સંતોને દાન-દક્ષિણાની વિધિ સંપન્ન કરશે. ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લઇને બપોર બાદ અમિત શાહ અમદાવાદના અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. બીજી તરફ પહીન્દ વિધી માટે ગઇકાલે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને આમંત્રણ આપવા રૂબરૂ મળ્યા હતા. આમ રથયાત્રાની તમામ પ્રાથમિક તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બીજીબાજુ, અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકળવા અંગે નગરજનો આતુરતાપૂર્વક સરકારના નિર્ણયની રાહ જોઇને બેઠા છે. તો, રથયાત્રાની સુરક્ષાને લઇ અમદાવાદ શહેરમાં સ્થાનિક પોલીસ અને એસઆરપી સહિતની પોલીસ તંત્રની ટુકડીઓ અને જવાનોને તૈનાત કરવાની સાથે સાથે આજે અર્ધલશ્કરી દળની 10 કંપનીઓ પણ અમદાવાદ પહોંચી ગઇ છે, જેથી અમદાવાદમાં રથયાત્રાને લઇ હવે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે.
આ વખતે તા.12મી જૂલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ છે તે પૂર્વે તા.10મી જૂલાઇએ ભગવાનના નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણના પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો ખાસ હાજરી આપનાર છે, જયારે બીજા દિવસે તા.11મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને સુંદર અને ભવ્ય એવા સોનાવેશથી શણગારવામાં આવશે. આ દિવસે ગજરાજોનું વિશેષ પૂજન પણ કરવામાં આવશે અને રથયાત્રા માટે ગજરાજોના આશીર્વાદ મેળવવામાં આવશે.
રાજય સરકાર દ્વારા ગુજરાતમાં તા.12મી જૂલાઇના રોજ યોજાનારી અષાઢીબીજની રથયાત્રાને કેટલી અને કઇ રીતે મંજૂરી આપવી તે અંગે આવતીકાલે કેબીનેટમાં નિર્ણય લેવાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર નિયત લોકોની હાજરીની મર્યાદા અને રૂટ ટુંકાવીને રથયાત્રાને મંજૂરી આપી શકે છે. સંભવતઃ રથયાત્રાની નગરમાં પરિક્રમાની સમયમર્યાદામાં પણ ઘટાડો થઇ શકે છે. જો કે, આવતીકાલે સરકાર દ્વારા કેબીનેટમાં તમામ પાસાઓ પર ભારે ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરી ત્યારબાદ તેનો નિર્ણય જાહેર થઇ શકે તેવું જણાઇ રહ્યું છે.
બીજી તરફ રથયાત્રા પૂર્વે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે આજે અર્ધલશ્કરી દળની 10 કંપનીઓ અમદાવાદ પહોંચી ગઇ છે અને અમદાવાદના પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના માર્ગમાં સીસીટીવી સહિતની સુવિધાઓ અંગે તૈયારી શરૂ કરી છે. અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છેલ્લા બે-ત્રણ દિવસથી રથયાત્રાના સમગ્ર રૂટ પર ફલેગ માર્ચ, ફુટ પેટ્રોલીંગ, મોકડ્રીલ સહિતના સુરક્ષાના પગલાં લઇ રહ્યા છે અને શહેરની એકેએક ગતિવિધિ પર બહુ ચાંપતી નજર રાખી રહ્યા છે. રથયાત્રાના રૂટમાં પણ સંવેદનશીલ અને સંભવિત સ્થાનો પર અત્યારથી જ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં તો, પોલીસનું પેટ્રોલીંગ પણ સતત જારી રખાઇ રહ્યું છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, એક વખત કેબીનેટ દ્વારા રથયાત્રાની મંજૂરી આપતો નિર્ણય લેવાય કે તરત જ રાજયભરમાંથી ચુનંદા પોલીસ અધિકારીઓને અમદાવાદમાં રથયાત્રા માટે ફરજ સોંપાઇ જશે અને તા.10ના સાંજના તમામ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ પહોંચી જશે. બીજી તરફ મંદિરમાં પણ રથયાત્રા માટેની તૈયારીઓ શરૂ થઇ છે અને આજે ખલાસીઓ સહિત તમામને વેકસીન આપવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જો કે એક વખત રથયાત્રાને મંજૂરી અપાય પછી યાત્રા દરમ્યાન લોકોને ઘરમાં જ રાખવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું અઘરૂ બની જશે તેને લઇને પોલીસ અને તંત્ર પણ ખાસ મૂંઝવણમાં છે. જો કે, જનતા કર્ફયુ સહિતના કોઇક પગલાં કે નવતર પ્રયોગ સાથે પોલીસ તંત્ર અને સરકાર દ્વારા નવો એકશન પ્લાન ઘડાય તેવી પણ પૂરી શકયતા છે. જો કે, આ વખતે મર્યાદિત લોકોની હાજરી અને રૂટ ટૂંકાવીને તેમ જ રથયાત્રાની પરિક્રમાના સમયમાં પણ ઘટાડો કરીને પણ લાખો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક લાગણી દુભાય નહી તે રીતે સરકાર દ્વારા રથયાત્રાની મંજૂરી અપાવી જોઇએ તેવી પણ લોકલાગણી બળવત્તર બની છે.
bharatmirror #bharatmirror21 #news