કલાકના પ્રતિ પાંચ કિલોમીટરની ઝડપે પસાર થઇ રથયાત્રા માત્ર પોણા ચાર કલાકમાં એટલે કે, 10-50 મિનિટે તો નિજમંદિરમાં પરત આવી ગઇ હતી. આમ, ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આટલા ઓછા સમયમાં નિજમંદિરમાં પરત આવી હોય તેવો અનોખો રેકોર્ડ સર્જાયો
જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની સાથે રથમાં સવાર થઇને નગરજનોને ઘેરબેઠા દર્શન આપવા નીકળ્યા ત્યારે ઇતિહાસમાં સૌપ્રથમવાર એવું બન્યું કે, શહેરના માર્ગો પર કોઇ પબ્લીક નહોતી માત્ર પોલીસ અને સુરક્ષા જવાનોનો કાફલો જ હતો પરંતુ રૂટમાં આવતા શેરી-મહોલ્લા અને પોળો, સોસાયટીના લોકોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના પોતાની ગેલેરી, ઓસરી, વરંડા કે, લોબીમાં, બારીમાંથી જ ડોકિયા કરીને દર્શન કરી ધન્યતા અનુભવી
જગન્નાથજી મંદિર ખાતે મંગળાઆરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ પરિવાર સાથે હાજર રહ્યા, તેમણે ભગવાનની આરતી ઉતારી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરી રસ્તા પર પાણી છાંટી માર્ગ સાફ કરી પરંપરા મુજબની પહિન્દ વિધિ કરાવી, આ પ્રસંગે ગૃહ રાજયપ્રધાનશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ સાથે રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા આજે રેકોર્ડ બ્રેક સમયમાં એટલે કે, માત્ર પોણા ચાર કલાકમાં તેના નિયત માર્ગોના પરંપરાગત રૂટ પર પરિક્રમ્મા કરીને નિજમંદિર પરત ફરી ગઇ હતી. કોરોના મહામારીના કારણે કરફયુના કડક અમલ અને કોરોના ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન તેમ જ પ્રોટોકોલ વચ્ચે ગણતરીની મિનિટોમાં જ રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખરૂપ રીતે સંપન્ન થઇ હતી. જો કે, આજે જયારે જગતના નાથ જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની સાથે રથમાં સવાર થઇને નગરજનોને ઘેરબેઠા દર્શન આપવા નીકળ્યા ત્યારે ઇતિહાસમાં સૌપ્રથમવાર એવું બન્યું કે, શહેરના માર્ગો પર કોઇ પબ્લીક નહોતી માત્ર પોલીસ અને સુરક્ષા જવાનોનો કાફલો જ હતો પરંતુ રૂટમાં આવતા શેરી-મહોલ્લા અને પોળો, સોસાયટીના લોકોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના પોતાની ગેલેરી, ઓસરી, વરંડા કે, લોબીમાં, બારીમાંથી જ ડોકિયા કરીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બીજીબાજુ, અન્ય નગરજનો અને રાજયના પ્રજાજનોએ ટીવી ચેનલોના માધ્યમથી ઘેર બેઠા જ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઇતિહાસમાં સૌપ્રથમવાર કરફયુના અમલ વચ્ચે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજમંદિર પરત ફર્યા બાદ સવારે 11-30 વાગ્યાથી શહેરમાં કરફયુ મુકિત માટેની ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેને લઇ શહેરમાં ફરી એકવાર ખાસ કરીને રથયાત્રાના રૂટ પરનું જનજીવન પુનઃ ધબકતુ થયુ હતુ.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે વહેલી સવારે 7-00 વાગ્યે નિજમંદિરથી પ્રસ્થાન થઇ હતી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ સિવાય માત્ર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાના વાહન મળી કુલ પાંચ વાહનને જ મંજૂરી સરકાર દ્વારા અપાયેલી હોઇ તે મુજબ, તેનું પાલન કરાયુ હતુ. રૂટના તમામ માર્ગો પર કરફયુનો અમલ પહેલેથી કરાઇ દેવાયો હોઇ રથયાત્રા માર્ગો પરથી ફટાફટ પસાર થતી હતી, કલાકના પ્રતિ પાંચ કિલોમીટરની ઝડપે પસાર થઇ રથયાત્રા માત્ર પોણા ચાર કલાકમાં એટલે કે, 10-50 મિનિટે તો નિજમંદિરમાં પરત આવી ગઇ હતી. આમ, ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા આટલા ઓછા સમયમાં નિજમંદિરમાં પરત આવી હોય તેવો અનોખો રેકોર્ડ સર્જાયો હતો. ભલે રથયાત્રા વહેલી નિજમંદિરે આવી ગઇ હોય પરંતુ લોકોનો ઉત્સાહ, ભકિત અને પ્રભુ પ્રત્યેનો ભાવ સહેજપણ ઓછા જણાયા ન હતા. હજારો લાખો શ્રધ્ધાળુ ભકતોનો જય જગન્નાથનો અંતરનાદ સ્પષ્ટ રીતે જાણે કે, વાતાવરણમાં સંભળાતો હતો.
જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં આજે વહેલી સવારે નિજમંદિરના પટ ખુલતાની સાથે જ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના બહુ જ મનમોહક દર્શન દ્રશ્યમાન થયા હતા અને ત્યારબાદ મંહત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ચાર વાગ્યે ભગવાનની ભવ્ય અને દિવ્ય એવી મંગળા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેમણે ભગવાનની આરતી ઉતારી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
મંગળા આરતી બાદ રાજયના ગૃહપ્રધાનશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા ખોલ્યા હતા. 5-30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. પોણા છ વાગ્યે ભગવાનને રથમાં બેસાડી આરૂઢ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સાડા છ વાગ્યે ગજરાજોને રથયાત્રા શાંતિપૂર્ણ થાય તેવા આશીર્વાદ માટે ભગવાનના સૌપ્રથમ રથમાં દર્શન કરાવવામાં આવ્યા હતા.
બરોબર સાત વાગ્યે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રથયાત્રાના પ્રસ્થાન પહેલાં પહિંદ વિધિ કરાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરી રસ્તા પર પાણી છાંટી માર્ગ સાફ કરી પરંપરા મુજબની પહિન્દ વિધિ કરાવી હતી. આ પ્રસંગે ગૃહ રાજયપ્રધાનશ્રી પ્રદીપસિંહ જાડેજા પણ સાથે રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સતત પાંચમી વખત પહિંદ વિધિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું દોરડુ ખેંચી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પહિંદવિધિ બાદ રથયાત્રાનું નિજમંદિરથી જય જગન્નાથ…જય જગન્નાથના જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવતાં જ હજારો શ્રધ્ધાળુ ભકતો ખુશી અને ભકિતભાવ સાથે ઝુમી ઉઠયા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારીમાંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે. રાજ્યમાં સમગ્ર સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે.
રથયાત્રા નિજમંદિરથી નીકળી ખાડિયા, રાયપુર, આસ્ટોડિયા, કાલુપુર થઇ ભગવાનના મોસાળ એવા સરસપુર ખાતે સાડા આઠ વાગ્યાની આસપાસ તો પહોંચી પણ ગઇ હતી. સમગ્ર રૂટ પર કરફયુ હોઇ અને પબ્લીકનો ધસારો ન હોઇ રથયાત્રા ધાર્યા કરતાં ખૂબ ઝડપથી મોસાળ સરસપુરમાં આવી પહોંચી હતી. સામાન્ય રીતે સરસપુર ખાતે ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભવ્ય મામેરું કરવામાં આવે છે અને યોજવામાં આવતા જમણવારમાં હજારો લોકો પ્રસાદ લેતા હોય છે. પરંતુ આ વખતે કોવીડ ગાઇડલાઇન્સના કારણે જમણવારનું આયોજન રખાયુ નહી હોઇ માત્ર થોડી જ મિનિટમાં મામેરાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અહીં પણ કોઇ ભક્તોને દર્શન કરવા માટે બોલાવવામાં આવ્યા ન હતા.
સરસપુરથી પણ રથયાત્રા થોડી મિનિટમાં જ નિજમંદિર પરત ફરવા રવાના થઇ હતી અને પરત ફરવાના રૂટમાં પણ સારી એવી ઝડપ રાખવામાં આવી હતી, જેના કારણે, કાલુપુર, દરિયાપુર, શાહપુર થઇ રથયાત્રા સવારે 10-50 મિનિટે તો જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે શાંતિપૂર્ણ રીતે પરત આવી ગઇ હતી. નિજ મંદિરે 10-46એ પહેલો રથ ભગવાન જગન્નાથજીનો પરત આવ્યો હતો. ત્યારબાદ 10-49 વાગ્યે સુભદ્રાજીનો રથ પહોંચ્યો અને 10-51 મિનિટે બલરામનો રથ આવી પહોંચ્યો હતો. ખૂબ જ સુખરૂપ વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થતાં રાજય સરકાર, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરજનો સહિત લાખો શ્રધ્ધાળુઓએ હાશકારો અનુભવ્યો હતો.
સામાન્ય રીતે સવારે 7-10થી લઇ રાત્રે આઠ કે સાડા આઠ વાગ્યા સુધી નિજમંદિરમાં પરત ફરતી રથયાત્રાને સંપન્ન થવામાં 14 કલાક જેટલો સમય લાગી જતો હોય છે પરંતુ આજે કોરોના મહામારીની ગાઇડલાઇન્સના ચુસ્ત પાલન, કરફયુના કડક અમલ અને પ્રોટોકોલના અમલની સાથે સાથે જાહેરજનતાના સ્વયંશિસ્ત અને માર્ગો પર ધસારો નહી રહેવાના કારણે માત્ર પોણા ચાર કલાકમાં જ રથયાત્રાનું સુંદર સમાપન થયુ હતુ. જે હવે ઇતિહાસની સૌથી ઝડપી રથયાત્રાના રેકોર્ડ સાથે નોંધાઇ ગઇ છે.
સવારે 7 કલાકે શરૂ થયેલી રથયાત્રા બપોરે 10-50 કલાકે તો સંપન્ન થઇ ગઇ હતી. ભગવાનના ત્રણેય રથ 11 વાગ્યા પહેલા તો નિજ મંદિરમાં પરત ફર્યા હતા. જે બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજેએ, શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થવા બદલ રાજ્ય સરકાર, પોલીસ અને લોકોનો આભાર માન્યો હતો. આ સાથે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહે પણ પોલીસ, મંદિર પ્રશાસન અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, રથયાત્રા કોરોનાની મહામારીમાં વિશિષ્ટ પરિસ્થિતિમાં લોકોની શ્રદ્ધાની સાથે સ્વાસ્થ્યનું પણ જતન થાય તે માટે પ્રોટોકોલનાં આધારે નીકળેલી રથયાત્રા સમગ્ર નગરની અંદર 20 કિલોમીટરની પરિક્રમા કરીને ભગવાન નિજ મંદિર પરત આવી ગયા છે. તે આપણા બધા માટે આનંદનો વિષય છે. મંદિરનાં મહારાજ દિલીપદાસજી, મંદિરનાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને આ આયોજન સાથે સંકળાયેલા તમામ લોકોનો હું આભાર માનું છું. પોલીસનાં જવાનોએ ઉચ્ચ બંદોબસ્ત નિભાવ્યો છે. આ બધા કરતાં પણ લોકોને જે અપીલ કરી હતી તે પ્રમાણે, લોકોએ ઘરમાં રહીને ટીવીનાં માધ્યમથી દર્શન કર્યા છે તે બદલ આભાર માનું છું. ફરી એકવાર જગતના તાત એવા જગન્નાથનાં ચરણોમાં પ્રાર્થના છે કે, આગામી વર્ષમાં આપણને કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપે અને આગામી ચોમાસું ઉત્તમ રહે.
રથયાત્રા નિજમંદિરમાં પરત ફર્યા બાદ સવારે 11-30 વાગ્યાથી શહેરમાં કરફયુમુકિતની પણ ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વની જાહેરાત કરી હતી. બીજીબાજુ, નિજમંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન જાહેરજનતાના દર્શન માટે ખુલ્લા મૂકાયા હતા. જો કે, કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવાતુ હતું. શ્રધ્ધાળુ ભકતોએ નિજમંદિરમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી.
bharatmirror #bharatmirror21 #news