પતિએ નોંધાવેલી ચોરીની ફરિયાદમાં વટવા પોલીસે હાથ ધરેલી તપાસમાં ફરિયાદ નોંધાવનાર પતિની પત્ની જ એટલે કે, ઘરની વહુ જ ચોર નીકળી
પરિણિતાની ચોરીમાં તેની ફોઇ સાસુ પણ મદદ કરતી હતી – પોલીસે બંને મહિલાની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો
અમદાવાદ,તા.29
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પોતાના જ ઘરમાંથી ચોરી કરી પોલીસ સહિત ખુદ પરિવારના સભ્યોને પણ ચોંકાવી દીધા હતા. ઘરની વહુ જ ચોર નીકળતાં પરિવારના સભ્યો હેબતાઇ ગયા અને આઘાતમાં સરી પડયા હતા. આ વાતનો ભાંડો ત્યારે ફુટયો કે, જયારે પતિએ ઘરમાં થયેલી ચોરી અંગે વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસમાં ફીંગરપ્રિન્ટના આધારે ઘરની જ વહુ અને તેને મદદ કરનાર ફોઇ સાસુ જ પોલ પકડી પાડી હતી. વટવા પોલીસે આ બંને મહિલાની હાલ તો ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ બનાવને પગલે સભ્ય સમાજમાં મહિલાઓ હવે કયા રવાડે ચઢી ગઇ છે તેને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે.
ભારે ચકચાર જગાવનાર આ પ્રકરણની વિગતો એવી છે કે, અમદાવાદના વટવા પોલીસની ગિરફતમાં આવેલી મહિલાના નામ છે રીધ્ધી પટેલ અને રોહિણી પટેલ. જેમણે પોતાના જ ઘરમાંથી ચોરી કરી હતી. ગત તા.22 જુલાઈના રોજ વટવા વિસ્તારમાં નિગમ રોડ પાસે આવેલા રાજપથ બંગલોઝમાં ચોરી થઈ છે તેવો કોલ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. જેના આધારે વટવા પોલીસે ઘટના સ્થળે પોહચીને તપાસ કરી હતી. શરૂઆતથી જ પોલીસને પ્રબળ શકયતા હતી કે ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે, પરંતુ પોલીસ રાહ જોઈ રહી હતી તો માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની અને આખરે વટવા પોલીસને એ તમામ પુરાવાઓ મળી ગયા. ચોરીમા રિધ્ધી પટેલના ફિંગર પ્રિન્ટ મળી આવતા તેની પુછપરછમા ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો અને તેની ચોરીની કરતૂતનો ભાંડો ફુટી ગયો હતો. આ ચોરીમાં ઘરની વહુ એટલે કે ફરિયાદીની પત્ની જ આરોપી છે, તેવું પુરવાર થયું હતું. સાથોસાથ તેની મદદમાં જે મહિલા સામેલ હતી તે પણ બીજું કોઈ નહિ મહિલા આરોપી રિદ્ધિની ફોઈ સાસુ રોહિણી જ નીકળી હતી. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, ઘરની વહુ રિધ્ધીએ પોતાના બોયફ્રેન્ડ પ્રેમીને મોંધોદાટ આઈફોન ગિફ્ટ આપવા માટે થઈને ચોરી કરી હતી.
બોટાદના દિપ નામના યુવક સાથે પ્રેમ સંબંધ થયા બાદ રિધ્ધીએ તેને ગીફટ આપતી હતી. જયારે ફોઈ સાસુ રોહીણીનો પ્રેમી પણ દેવાદાર થતા ફોઈને આર્થિક મદદ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. જેમા રોહીણીએ પણ ચોરીમા મદદ કરી હતી. બીજીબાજુ, પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તો, આ ચોરી કેસમાં વટવા પોલીસે સમગ્ર મુદ્દામાલ રિકવર કરી લીધો છે, ત્યારે આરોપી મહિલા રિદ્ધિના જેની સાથે પ્રેમ સંબંધ હતા તે પુરુષ બોટાદ ખાતે રહે છે તેને પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ અને તપાસ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જો આ સમગ્ર કેસમા તેના પ્રેમીની ભુમિકા સામે આવશે તો પોલીસ તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ કરશે. આમ, ઘરની વહુ જ ચોર નીકળતાં સભ્ય સમાજમાં હાલ આ બનાવને લઇ ભારે ચર્ચા ચાલી છે. ખુદ પોલીસ જ નહી પરંતુ પરિવારના સભ્યો પણ વહુની ચોરીની આ કરતૂત જોઇ ચોંકી ઉઠયા હતા. પરિવારના સભ્યો તો, વહુના કૃત્યને લઇ આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. તો, આ બનાવને લઇ સમગ્ર વિસ્તાર ખાસ કરીને સ્થાનિક રહીશોમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.