સરકાર દ્વારા જીટીયુના નવા બિલ્ડીંગના બાંધકામ માટે લેકાવાડા ખાતે 100 એકર જમીન પણ ફાળવવામાં આવી
નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે, જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે
વિવિધ ભવનો પર 18000 સ્કવેર મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે, જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.24
જીટીયુ દ્વારા વિવિધ ટેકનીકલ અને નોન-ટેક્નીકલ કુલ 20 કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવાની સાથે સાથે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે બહુ મહત્વના મુદ્દા અંગે વાત કરતાં જણાવ્યું કે, ગાંધીનગરના લેકાવાડા ખાતે જીટીયુના નવા અદ્યતન બિલ્ડીંગ નિર્માણનું કાર્ય ઓકટોબર કે નવેમ્બર મહિનામાં શરૂ થઇ છે. રાજય સરકાર દ્વારા ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન પણ નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા તેના બાંધકામ માટે રૂપિયા 260 કરોડની ગ્રાંન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 3 વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ , પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ , અદ્યતન સેન્ટર લાઈબ્રેરી , કુલપતિશ્રી અને કુલસચીવશ્રીના બંગ્લોઝ , ક્લાસ -2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ , કાફેટેરીયા , ફાર્મસીની રીસર્ચ સંબધીત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ઉમેર્યું કે, ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લીમડો, પીપળો , વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી , અશ્વગંધા , આમળા , ગીલોય , જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. 100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કવેર મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
તેમણે મહત્વની એ પણ જાહેરાત કરી હતી કે, વિવિધ સંશોધનને પ્રોત્સાહન મળે તે હેતુસર , જીટીયુ દ્વારા તાજેતરમાં લેવાયેલ નિર્ણય અનુસાર જીટીયુ ખાતે ફુલ ટાઈમ પી.એચડી કરનારને રૂપિયા 25000 અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને રૂપિયા 50000ની ફેલોશીપ પ્રતિમાસ જીટીયુ તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત ડૉક્ટરેટ અને પોસ્ટ ડૉક્ટરેટ કરનારને અનુક્રમે 25000 અને 50000 રૂપિયા વાર્ષિક કન્ટીજન્સી પણ મળવાપાત્ર રહશે.
#bharatmirror #bharatmirror21 #news