ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો – ગઈકાલે માત્ર એક જ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ પૂરા પડાયા: ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ
ખેડૂતોને સહાયરૂપ થવા રાજય સરકાર હરહંમેશ તત્ત્પર – ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુ ને વધુ ખેતી કરતા થયા છે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.16
રાજયના ઉર્જા મંત્રી શ્રી સોરભભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજયના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સમૃધ્ધ બને એ માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો યયો છે. ગઈકાલે માત્ર એક જ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે જે ગત વર્ષે અપાયેલ ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે.
ઉર્જામંત્રીશ્રી એ ઉમેર્યુ કે રાજયના મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્રમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને સહાયરૂપ થવા અનેક કૃષિ હિતલક્ષી નિર્ણયો કરાયા છે જેના પરિણામે ખેડૂતો વધુ ને વધુ ખેતી કરતા થયા છે.
રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયેલ હોવાથી ખેડૂતોનાં વાવેતરને બચાવવા માટે રાજય સરકારે ખેડૂતોને તારીખ. ૦૭.૦૭.૨૦૨૧ થી ૮ કલાક ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કરીને ખેડૂતોના પડખે સરકાર ઉભી રહી છે જેના પરિણામે આ શકય બન્યુ છે.સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છ થી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે.
મંત્રી શ્રી એ ઉમેર્યુ કે, રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે જેમા તારીખ ૧૫.૦૮.૨૦૨૧નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧૦૩ મિલિયન યુનિટસ્ (૧૦.૩ કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે એટલેકે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલ મહત્તમ દૈનિક વીજળીના ૯૩ મિલિયન યુનિટસ્ (૯.૩ કરોડ યુનિટસ્) કરતાં ૧૦ મિલિયન યુનિટસ્ વધારે છે એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે જેના લીધે ખેડૂતોના પાક ઉત્પાદનમા વૃધ્ધિ થશે તેમ તેમણે ઉમેર્યુ છે.