કોરોના મહામારીમાં એક વાલી ગુમાવનાર બાળકનાં ખાતામાં સીધા 2000 રુપિયા જમા થશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
પાંચ વર્ષ સુશાસનના અવસરે આજે સંવેદના દિવસ નિમિતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તા.2જી ઓગસ્ટે, સોમવારે પોતાના 65મા જન્મદિન નિમિત્તે રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમ સાથે રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોનો પણ પ્રારભ કરાવ્યો
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો
કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા. એ ખરેખર “સેવા યજ્ઞ” છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.2
ભાજપ સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીનો આજે બીજો દિવસ છે અને યોગાનુયોગ આજે તા.2 જી ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિન પણ હોઇ આજે તેમના 65માં જન્મદિવસે રાજ્યકક્ષાનો ‘સંવેદના દિવસ’ રાજકોટ ખાતે ઉજવાયો હતો. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વની યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, કોરોનાકાળમાં 18 વર્ષની નીચેના બાળકનાં બેમાંથી જો એક વાલી પણ ગુજરી ગયા હશે તો તેમને રાજ્ય સરકાર દર મહિને બે હજાર રુપિયા આપશે. સહાયની આ રકમ સીધી તેમના ખાતામાં સરકાર દ્વારા જમા કરવામાં આવશે. આ સાથે સીએમ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં 433 સેવા સેતુ કાર્યક્રમોનો પણ પ્રારભ કરાવ્યો છે.
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે તા.2જી ઓગસ્ટે, સોમવારે પોતાના 65મા જન્મદિન નિમિત્તે રાજકોટમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો., જે અંતર્ગત 244 લોકોને વિધવા સહાય, સૂચિત સોસાયટીના મકાનની સનદ, દિવ્યાંગોને સહાય, ક્રીમીલીયર સર્ટિ. અને જાતિના પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા આની સાથે જ કોરોનામાં વાલી ગુમાવનાર રાજકોટ સહિત રાજ્યભરના 3 હજાર 963 બાળકોના ખાતામાં ઓનલાઈન રૂપિયા 2000ની સહાય ચૂકવવાની યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.
આજે સંવેદના દિવસે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં કોરોનાથી માતા-પિતા ગુમાવવાના કારણે નિરાધાર બનેલાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિમાસ રૂ.4 હજારની સહાય સીધી જ તેમની બેંકના ખાતામાં જમા કરવામાં આવી રહી છે. જુલાઇ મહિનાની આ રકમ બાળકોનાં ખાતામાં જમા થઇ ગઇ છે અને ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં આ રકમ જમા થઇ જશે.
આ ઉપરાંત તેમણે આજે બીજી એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે, જે બાળકોએ માતા-પિતા બેમાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે, તેવાં બાળકોને પ્રતિમાસ રૂ. 2 હજારની સહાય ડીબીટી મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે પ્રવેશમાં અગ્રતા આપવાનો નિર્ણય લેવાયો છે.
આજના સંવેદના દિવસ નિમિતે રાજ્યના 248 તાલુકા અને 156 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં 29 સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસના અનુસંધાનમાં આજે સંવેદના દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકારે પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવાને બદલે “સેવા યજ્ઞ” હાથ ધર્યો છે. નવ દિવસમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોઇ પણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરતો રાજકીય સ્થિરતા, રાજકીય ઇચ્છાશક્તિ, ઈમાનદારી, નિર્ણાયકતા, સંવેદનશીલતા, પ્રગતિશીલતા છે. આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનું સુકાન સંભાળી રહેલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જનભાગીદારીના આધારે વિકાસનો જે પાયો નાખ્યો હતો, ત્યાંથી આગળ વધતા સરકારે ગુજરાતની પ્રગતિ માટે શ્રેણીબદ્ધ વિકાસકામો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો જળવાઈ રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર દ્વારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા. એ ખરેખર “સેવા યજ્ઞ” છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા છે. આજના દિવસે સાચા અને નાના લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની ચિંતા સરકારે કરી છે. અમારી સરકાર લોકોની આકાંક્ષા પૂરી કરવાવાળી સરકાર છે. અમે વોટ બેંક ઉભી કરવા માટે નહિ પરંતુ, લોકોના હિત અને પ્રગતિ માટે આવ્યા છીએ. અમારી સરકાર સત્તા માટે નહિ પરંતુ, લોકોની સેવા માટેની સરકાર છે. અત્યાર સુધીના સેવા સેતુના કાર્યક્રમોમાં કરોડો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો છે. હવે સરકાર ઈ-સેવા સેતુની નવી પહેલ કરશે. આગામી દિવસોમાં સરકાર પારદર્શકતાના આધાર પર ફેઈસલેસ વ્યવસ્થા, અલગ અલગ વિભાગમાં ઓનલાઈન સેવા શરૂ કરશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું કે, નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર સદાને માટે અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે. રાજ્યના નાના માણસો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા રાજ્યની પ્રગતિના કેન્દ્રમાં સદાય નાના માણસો જ રહ્યા છે, તથા તેમને અનુલક્ષીને જ વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ગ્રામ્ય તથા છેવાડાના વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકારે બ્રોડબેન્ડ કનેકટીવિટી તથા ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવીને ગામડાઓને મુખ્ય પ્રવાહ તથા તેના વિકાસ સાથે જોડ્યા છે.
પોતાની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનાર તમામ પ્રત્યે મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરાયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રિમોટ કન્ટ્રોલથી મુખ્યમંત્રી બાલ સેવા અંતર્ગત ”એક વાલી યોજના” તથા “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના”, રાજકોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલ” અને પરિવહન સરળતા એપનો પણ શુભારંભ કરાવ્યા હતો. આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે સંવેદના સાથે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની ટૂંકી વિગતો આપી હતી. આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, અગ્રસચિવશ્રી કે. કૈલાશનાથન, સચિવશ્રી સુનયના તોમર અને શ્રી કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, શ્રી કમલેશ મિરાણી અને શ્રી નીતિન ભારદ્વાજ અને સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
bharatmirror #bharatmirror21 #news