રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જ સરકાર તરફથી ડોક્ટરો-અધ્યાપકોને ભેટ – નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરી
સરકારના નિર્ણયને પગલે ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા અધ્યાપકોમાં ખુશીની લાગણી પ્રસરી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.22
ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની રાજયના નાયબ મુખ્યંત્રીશ્રી નીતિનભાઇ પટેલે બહુ મહત્વની જાહેરાત કરી છે. આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનું પર્વ રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેને લઇ ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા અધ્યાપકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
રક્ષાબંધનના તહેવારના દિવસે જ રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે એક મોટી જાહેરાત કરતા ગુજરાતના ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પગારપંચની મંજૂરી આપી દીધી છે. જેથી ઈન-સર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સરકાર દ્વારા સાતમાં પગારપંચ મુજબ તેઓને નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની (NPA) મંજૂરી આપવામાં આવી છે. આજે રક્ષાબંધનનાં પાવન પર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્રિવર કરીને આ જાહેરાત કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઇ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તકીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબનું નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ આપી છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો હડતાળ પર ઉતર્યા હતા. આ તબીબો દ્વારા 2008થી પેન્ડિંગ રહેલી તેમની 15 માંગણીઓની અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. આ બાદ GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટીના) ફેકલ્ટી એસોસીએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમની પડતર માંગણીઓ સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તારપૂર્વક સાંભળી તેમની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સંદર્ભે GMERS કોલેજોના તબીબી શિક્ષકો માટે હકારાત્મક નિર્ણય લીધો હતો. જેમાં સરકારી મેડીકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે NPA(નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ) મંજુર કરવામાં આવે તે ધોરણે સાતમા પગાર પંચના ધોરણ મુજબ એન.પી.એ. મંજૂર કરવામાં આવ્યું હતું. જે અંગે આજે રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે મહત્વની જાહેરાત કરી રક્ષાબંધન પર્વની ભેટ આપી હતી. સરકારના આ નિર્ણયને પગલે ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા અધ્યાપકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
#bharatmirror #bharatmirror21 #news