સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ તમામ નવનિયુકત 9 જજીસને વિધિવત્ શપથ ગ્રહણ કરાવડાવ્યા
સુપ્રીમકોર્ટમાં નવનિયુકત જજીસમાં ગુજરાતમાંથી પદોન્નત થનારા સૌપ્રથમ ગુજરાતી મહિલા જજ બેલાબહેન ત્રિવેદી અને અન્ય બે મહિલા જજનો પણ સમાવેશ
ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કર્યા
શપથવિધિ સમારોહમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ શ્રી ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એ.એમ.ખાનવીલકર, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.નાગેશ્વરરાવ, જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, જસ્ટિસ શ્રી કે.એમ.જોસેફ, જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા સહિતના અન્ય જજીસ, ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.31
સુપ્રીમ કોર્ટમાં આજે એકસાથે 9 જજીસનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે નવ જજોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ તમામ નવનિયુકત 9 જજીસને વિધિવત્ શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. સુપ્રીમકોર્ટમાં નવ નિયુક્તિ પામનાર નવ જજીસમાં ત્રણ મહિલા જજનો પણ સમાવેશ થાય છે, જેમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીનો પણ સમાવેશ થાય છે. ગુજરાત માટે ભારે ગૌરવની વાત એ છે કે, સુપ્રીમકોર્ટમાં જજ તરીકે પદોન્નત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ તેઓ બન્યા છે. આ સિવાય નવા 9 જજીસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સુપ્રીમકોર્ટ જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
સુપ્રીમકોર્ટમાં નવ નિયુકત 9 જજીસમાં ત્રણ મહિલા જજ છે, જેમાં કર્ણાટક હાઇકોર્ટના મહિલા જજ જસ્ટિસ બી.વી.નાગરત્નાનો પણ સમાવેશ થાય છે જેઓ 2027માં દેશના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની શકે તેવી પણ શકયતા છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદી પણ આ યાદીમાં સામેલ થયા હોઇ ગુજરાતના ન્યાયતંત્રમાં ભારે ખુશી અને ગૌરવની લાગણી પ્રસરી ગઇ છે. નવા 9 જજીસમાં જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ છે કે જે બારથી સીધા સુપ્રીમ કોર્ટમાં એપોઈન્ટ થયા છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે પણ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તે પહેલા તેમનું નામ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ કરાયું હતું પરંતુ ત્યારે કેન્દ્રએ આ ભલામણને નામંજૂર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુકત થયા બાદ ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન તેઓ દેશના પહેલા ચીફ જસ્ટિસ હતા કે જેમણે હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ કાર્યવાહી શરૂ કરી હતી.
આ જ પ્રકારે જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટમાં તા.9 ફેબ્રુઆરી 2011થી જજ તરીકે કાર્યરત હતા. 2011માં હાઈકોર્ટમાં એડિશનલ જજ હતા અને ત્યાર પહેલા રાજસ્થાન હાઈકોર્ટમાં પણ એડિશનલ જજ રહી ચૂક્યા છે. તેમનું આખું નામ બેલા એમ. ત્રિવેદી છે. સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ તરીકે પદોન્નત થનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા જજ બન્યા હોઇ ગુજરાતના ન્યાયતંત્રમાં ખાસ કરીને મહિલા જજીસમાં ભારે ખુશી અને ગૌરવની લાગણી ફેલાઇ ગઇ છે.
આ સિવાય જસ્ટિસ બીવી નાગરત્ના 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. 2010માં તેમને પરમેનન્ટ જજ તરીકે નિયુક્ત કરાયા હતા. 2012માં ફેક ન્યૂઝના વધતા કેસને જોતા જસ્ટિસ નાગરત્ના અને અન્ય જજોએ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા કે તે મીડિયા બ્રોડકાસ્ટિંગને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓની તપાસ કરે. જો કે તેમણે મીડિયા પર સરકારી નિયંત્રણના જોખમથી પણ માહિતગાર કર્યા હતા. સુપ્રીમકોર્ટમાં નિયુકિત પામનાર ત્રીજા મહિલા જજ જસ્ટિસ હિમા કોહલી કે જે તેલંગણા હાઈકોર્ટના જજ હતા. તેઓ આ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનનારા પહેલા મહિલા જજ પણ હતા. દિલ્હી હાઈકોર્ટમાં પણ જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ કોહલી ભારતમાં લીગલ એજ્યુકેશન અને લીગલ મદદ સંલગ્ન પોતાના ચુકાદા માટે જાણીતા છે. દિલ્હી હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે દ્રષ્ટિની સમસ્યાવાળા લોકોને સરકારી શિક્ષણ સંસ્થાનોમાં સુવિધાઓ આપવા સંબંધિત ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત સગીર આરોપીઓની ઓળખની સુરક્ષા અંગે પણ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમકોર્ટના નવ નિયુકત 9 જજીસના શપથવિધિ સમારોહમાં સુપ્રીમકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ શ્રી ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એ.એમ.ખાનવીલકર, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ એલ.નાગેશ્વરરાવ, જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, જસ્ટિસ શ્રી કે.એમ.જોસેફ, જસ્ટિસ શ્રી હેમંત ગુપ્તા સહિતના અન્ય જજીસ, ન્યાયતંત્રના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
બોક્ષ – સુપ્રીમકોર્ટમાં શપથ ગ્રહણ કરનાર નવનિયુકત 9 જજીસ
(1) જસ્ટિસ બીવી નાગરત્ના
(2) જસ્ટિસ હિમા કોહલી
(3) જસ્ટિસ બેલા ત્રિવેદી
(4) જસ્ટિસ વિક્રમ નાથ
(5) જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા
(6) જસ્ટિસ જિતેન્દ્ર કુમાર મહેશ્વરી
(7) જસ્ટિસ સી,ટી.રવિકુમાર
(8) જસ્ટિસ પી.એસ. નરસિંહા
(9) જસ્ટિસ એમ.એમ. સુંદરેશ
#bharatmirror #bharatmirror21 #news