ગૃહમંત્રી અમિત શાહે ભાવનાથ મહાદેવના દર્શન કર્યા – નિધરાડથી સાણંદ સુધી રોડ-શો યોજ્યો અને લોકઅભિવાદન ઝીલ્યુ
ગાંધીનગર મતક્ષેત્રમાં 7 હજાર માતાઓને સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી દર મહિને 15 લાડુ આપવામાં આવશે
અમિત શાહે લાડુ વિતરણ રથને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું – આ રથ અમદાવાદ જિલ્લાની 4 હજાર અને ગાંધીનગર જિલ્લાની 3 હજાર સગર્ભા મહિલાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કરશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.૩૦
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે આજે તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં નિધરાડ ખાતે સગર્ભા મહિલાઓ માટે પોષણયુકત મગજના લાડુની વિતરણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ સગર્ભા મહિલાઓ અને તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને તેમના બહૂમૂલ્ય જીવનની હિમાયત કરી હતી. તેમણે સગર્ભા મહિલાઓને પોષણયુકત લાડુનુ વિતરણ કરી તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ પ્રસંગે સરકારી યોજનાઓના મહત્તમ લાભો લેવા અંગેની અપીલ કરી સાથે સાથે આ યોજનાઓના લાભાર્થી સુધી તેના લાભો પહોંચે તે જોવા ગામોના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓને ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમીના પર્વ પર ગુજરાતના પ્રવાસે છે. આજે અમિત શાહે સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુ વિતરણ કર્યા હતા. મહિલાઓના પોષણને ધ્યાનમાં રાખી પોષણયુક્ત મગજના લાડુનું વિતરણ કરવામાં આવ્યું છે. આ અમિત શાહે લાડુ વિતરણ રથને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ અમદાવાદ જિલ્લાની 4 હજાર અને ગાંધીનગર જિલ્લાની 3 હજાર સગર્ભા મહિલાઓના ઘરે જઈ લાડુનું વિતરણ કરશે. આ પ્રસંગે અમિત શાહે સંબોધન પણ કર્યુ હતું.
ગૃહ મંત્રી અમિત શાહે લોકોને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે શાહે પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતના પેરા એથ્લીટોને શુભેચ્છા પાઠવી હતી. ભાવિના પટેલના સિલ્વર મેડલ જીતવા પર અભિનંદન આપતા અમિત શાહે કહ્યુ કે, ભાવિના પટેલે મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યુ છે. અમિત શાહે કહ્યુ કે, ગાંધીનગર મતક્ષેત્રમાં 7 હજાર માતાઓને સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી દર મહિને 15 લાડુ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમનો તમામ ખર્ચ સામાજિક સંસ્થાઓ ભોગવશે.
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું કે, જો સગર્ભા સ્ત્રી સ્વસ્થ ન હોય તો સ્વસ્થ બાળકનો જન્મ થતો નથી. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ કુપોષણ સામે જે અભિયાન શરૂ કર્યું હતું તે આજે આંદોલન બની ગયું છે. તેમણે સગર્ભા મહિલાઓને અપીલ કરી હતી કે આ લાડુ તમારા માટે છે અને તમારે ખાવા જોઈએ. શાહે કહ્યુ કે, યોગ્ય વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન થઈ જાય તે જોવાની જવાબદારી આપણી છે. તેમણે સરકારી યોજનાઓના મહત્તમ લાભો લેવા અંગેની અપીલ કરી સાથે સાથે આ યોજનાઓના લાભાર્થી સુધી તેના લાભો પહોંચે તે જોવા ગામોના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓને ખાસ અનુરોધ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news