રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫મી જન્મજયંતિની રાજ્યવ્યાપી ગરિમામય ઉજવણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ : ગુજરાત સાહિત્ય અકાદમીના મેધાણી ભવનની ઇ- ખાતમૂર્હત વિધિ સંપન્ન
આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયરની ૧૨૫મી જન્મજયંતિનો સુભગ સુયોગ થયો છે
યુવા પેઢી- આવનારી પેઢીને સમગ્ર વર્ષ દરમ્યાન મેઘાણી ગીતો- સાહિત્ય લોક સંસ્કૃતિની શૌર્ય ગાથાથી રાષ્ટ્રભક્તિના કસુંબલ રંગે રંગવી છે. રાષ્ટ્ર ચેતનાની નવી સ્કૂરણા યુવા પેઢીને મળશે
ગાંધી-સરદાર – નર્મદ- મેધાણી- ઉમાશંકર જોષી- મુન્શીનું ગુજરાત આઝાદી સંગ્રામથી લઇ વર્તમાન યુગ સુધી સદાય અગ્રેસર રહ્યું છે
ગુજરાતી ભાષા- સાહિતયને દેશના સિમાડા ઓળંગી વિશ્વભરમાં જન-જન સુધી પ્રસરાવવાની પ્રતિબધ્ધતા જ મેઘાણીને સાચી શ્રધ્ધાજંલિ છે
મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાહિત્ય અકાદમીના વિવિધ ગૌરવ પુરસ્કારો એનાયત થયા
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.28
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતાં ગૌરવ સહ કહ્યું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં નિર્માણ થનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ- ખાત મુહુર્ત કરવા સાથે મેઘાણી જીવન-કવન ની વેબસાઈટ લોન્ચ કર્યા હતા. તેમણે રાજ્યના ગ્રંથાલયો માટે મેઘાણી સાહિત્ય સંપુટ અર્પણ અને સાહિત્ય ગૌરવ પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. રાષ્ટ્રીય શાયર મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની આ ઉજવણી અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મેઘાણીની રચનાઓ ની લોક કલાકારો દ્વારા થયેલી શોર્યભરી પ્રસ્તુતિ પણ માણી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે દેશ આખો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના માર્ગદર્શન અને પ્રેરણા થી આઝાદીના ૭૫મા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે જન ઉમંગથી ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય જન-જનમાં નવી રાષ્ટ્રીય ચેતના, સ્ફુરણા પ્રેરિત કરશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આઝાદી મેળવવા જે શહીદો જે બલિદાન આપ્યા તેમના માં ભારતી ને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ “કસુંબલ રંગે” ના અનેક કાર્યક્રમો યોજાશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યારે, મા ભારતી મહાસત્તા હોય, શક્તિશાળી, આત્મનિર્ભર હોય, વિશ્વ ગુરૂ હોય એ સંકલ્પોને સિદ્ધ કરવાની ચેતના ઉજાગર કરવામાં આ અમૃત મહોત્સવ અને મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી બંને આપણા માટે નવી દિશા ચિંધનારા બન્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને પત્રકાર, લોક સાહિત્યકાર, નેસડા, ગામડા ખૂંદી વળીને ઇતિહાસ બહાર લાવનાર સાહિત્ય સર્જક ગણાવતા ઉમેર્યું કે, તેમના સાહિત્ય સહિત ગુજરાતી સાહિત્યને દેશ ના સીમાડા ઓળંગી વિશ્વમાં જન જન સુધી પહોંચાડવાની આપણી પ્રતિબદ્ધતા જ એમને સાચી શ્રદ્ધાંજલિ લેખાશે. મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આપણું ગુજરાત ગાંધી-સરદાર, નર્મદ, મેઘાણી, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી જેવા પ્રખર વ્યક્તિત્વનું ગુજરાત છે. આઝાદી સમયથી લઈને આજ સુધી ગુજરાતે હર હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી છે. તેને આપણી યુવા પેઢી, આવનારી પેઢી પણ જાળવે અને ગુજરાત વિશ્વ નું રોલ મોડેલ બને તેવી આપણી નેમ છે.
સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા એ સૌને આવકારી સમગ્ર આયોજનની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ, મેઘાણી ૧૨૫મી જન્મ જ્યંતી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું શિલાન્યાસ જેવી ઐતિહાસિક ઘટનાનું ત્રિવેણી સંગમ થયું છે. સાહિત્ય અકાદમી દ્વારા ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે રહીને દેશ-વિદેશના સાહિત્યકારો સાથે સંવાદ યોજવામાં આવ્યો છે. તેમજ ૫૦ સ્થળો ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઝવેરીચંદ મેઘાણી થી સુરેશ જોષી સુધીના સાહિત્યકારોની વાંચન માળા રચવામાં આવી છે. ૫૦ ટકા વળતર આપી પુસ્તકનું વેચાણ કરવામાં આવે છે. સાહિત્યક્ષેત્રે મહત્વનું ખેડાણ કરનાર સાહિત્યકારોનું ગૌરવ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવે છે. આ પુરસ્કાર આજે ગુજરાતનું નોબલ પ્રાઈઝ કહેવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની લોકસંસ્કૃતિ આજે જીવંત છે, એનો ધણો યશ ઝવેરચંદ મેઘાણીને જાય છે. ભાતીગળ લોકજીવનમાંથી સાહિત્યનું સર્જન કરી લોક સંવેદના પ્રગટાવનાર મેઘાણીનું સ્થાન આજે પણ લોકહૃદયમાં અંકિત થયેલું છે. ઝવેરચંદ મેઘાણી કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ વિશેષ નહિ, હરતી ફરતી વિશ્વવિદ્યાલય હતા અને એટલે જ આજે પણ એમના પત્રો,એમનાં લેખો, એમનાં કાવ્યો અને જીવનકવનના પ્રસંગો શીખતાં શીખતાંમાનવી પૂર્ણતા તરફ ગતિ કરે છે.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં શ્રી મધુરાય (મધુસૂદન ઠાકર), હિન્દી સાહિત્ય અકાદમીમાં શ્રી ઉજમભાઇ પટેલ અને ડૉ. અંજના સંધીર, સિંધી સાહિત્ય અકાદમીમાં શ્રી છતો થધોમલ જ્ઞાન ચંદાણી અને શ્રી મનોહર નિહાલાણી અને કચ્છી સાહિત્ય અકાદમીમાં શ્રી કાનજી મહેશ્વરી રીખિયો અને શ્રી રમેશ ભટ્ટ રશ્મિને એનાયત કરવામાં આવ્યો છે. યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીમાં શ્રી પ્રશાંત પટેલ અને શ્રી રિન્કુ રાઠોડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં સુશ્રી રાજવી ઓઝા અને સિંધી સાહિત્ય અકાદમીમાંસુશ્રી નયના સુરેશકુમાર રાવલાણી તથા સુશ્રી નિશા ચાવલાને એનાયત કરવામાં આવ્યો છે. તેમજ વેદ- શાસ્ત્ર પંડિત સન્માન સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં શ્રી ગોવિંદભાઇ એન ત્રિવેદી (ઋગ્વેદ) અને શ્રી જયદેવ અરુણોદય જાની (શુક્લ યજર્વેદ) માટે અર્પણ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પિનાકીભાઇ મેઘાણી, રમતગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સી.વી. સોમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર શ્રી પી.આર. જોષી, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજ ભટ્ટ,લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર, કિંજલ દવે અને અમિતા પટેલ સહિત અનેક ગુજરાતના લોકસાહિત્યકારો, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news