તમામ ઇજાગ્રસ્તોને શરૂઆતમાં ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર જણાતાં તેઓને તાત્કાલિક અમદાવાદની એસજી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માત બાદ ગભરાઇ ગયેલો ડ્રાઇવર ઘટનાસ્થળેથી નાસી છૂટયો
અમદાવાદ,તા.7
અમદાવાદ-બગોદરા હાઇવે પર આજે વહેલી સવારે ધંધુકા રોડ પર ખડોલના પાટિયા પાસે યાત્રાળુઓને લઇને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલ્ટી ખાઇ જતાં ગભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં બેઠેલા 56 પૈકી 35 જેટલા યાત્રાળુઓ વત્તા આછો અંશે ઘાયલ થયા હતા, ઇજાગ્રસ્તોમાં ત્રણથી ચાર બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી ચાર જણાંની હાલત ગંભીર જણાવાઇ રહી છે. તમામ ઇજાગ્રસ્તોને શરૂઆતમાં ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ઇજાગ્રસ્તોને વધુ સારવાર જણાતાં તેઓને તાત્કાલિક અમદાવાદની એસજી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના આ બનાવને પગલે અમદાવાદ-બગોદરા હાઇવે પર ધંધુકા રોડ પર ભારે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના દરિયાપુર શાહપુર વિસ્તારના દેવીપૂજક સમાજના યાત્રાળુઓ ખાનગી ટ્રાવેલ્સ બસ મારફતે સાળંગપુર અને ખોડીયાર મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ ટ્રાવેલ્સ બસને અમદાવાદ-બગોદરા હાઇવે પર ધંધુકા પાસે ખડોલ પાટિયા નજીક અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગભરાઇ ગયેલો ડ્રાઇવર ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ધંધૂકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બસના ચાલક ડ્રાઇવરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
બીજીબાજુ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 35થી વધુ યાત્રાળુઓને સોલા સિવિલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને ધંધુકાથી અમદાવાદ રિફર કરવામાં 108 અન્ય એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહનો દ્વારા રીફર કરાયા હતા. અકસ્માતને પગલે અમદાવાદ-બગોદરા હાઇવે પર અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આટલા બધા ઇજાગ્રસ્તોને એકસાથે લાવવામાં આવતાં હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.