મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
રાજ્યનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે
મહેસાણા જિલ્લાના ૪૦ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનીત કરાયા
(વિવેક આચાર્ય દ્વારા)
મહેસાણા, તા.5
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ઠત્તમ કાર્ય કરતા શિક્ષકોને સન્માન આપવું એ આપણા સૌની ફરજ છે.સમાજ વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે.રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપી સૌથી વધુ બજેટ શિક્ષણ વિકાસ માટે ફાળવવામાં આવ્યું છે
મહેસાણા શહેર કમળાબા હોલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગરૂને વિશેષ માન મળ્યું છે. સમાજમાં શ્રેષ્ઠતમ ગુરૂઓ દ્વારા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણનું સૂચારૂ કામ થઇ રહ્યું છે.આજે ડો સર્વપલ્લી રાધાક્રિષ્ણના જન્મ દિવસને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની આ પરંપરા રાષ્ટ્ર માટે ગૌરવાવિંત છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શિક્ષણના સર્વશ્રેષ્ઠ વિકાસ માટે રાજ્ય સરકારે શિક્ષણક્ષેત્રે નવીન પ્રયોગ કરી સર્વશ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્કુલ ઓફ એકસલન્સના નવતર અભિગમ થકી ઉચ્ચ ગુણવત્તયુક્ત શિક્ષણ આપવાનું અમારૂ આયોજન છે. આ ઉપરાંત અન્ય એક નવીન પ્રયોગમાં વિધાર્થી દીઠ માસિક નિભાવ ખર્ચ આપી રેસીડન્લ સ્કુલો થકી વિધાર્થી દરેક ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેની અલગ યોજનાના અંગે સરકાર દ્વારા આગામી સમયમાં અમલમાં આવનાર છે.રાજ્યમા પી.એચ.ડીના વિધાર્થીઓને રૂપિયા બે લાખ શિષ્યવૃતિ અપાઇ રહી છે જેનાથી શિક્ષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવું એ રાજ્યની પરંપરા છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને સતત પ્રોત્સાહિત કરતી આવી છે.દેશના પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે આજે ગુજરાતનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. નરેન્દ્રભાઇનું સ્વપન હતું કે રાજ્યનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે રાષ્ટ્ર વિકાસ માટે સતત પ્રવૃતિશીલ હોવા છતાં પણ દેશના પ્રધાનમંત્રીશ્રી રાષ્ટ્રના ખેલાડીઓ,વિધાર્થીઓને પ્રોત્સાહન આપવાનું ચુકતા નથી.ખેલે ગુજરાત,ખેલ મહાકુંભ જેવી પરંપારઓ શરૂ કરી રાજ્યનું બાળક વૈશ્વિક નામના મેળવી શકે તેવા પ્રયત્નો નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે સમાજજીવનનું સાર્વત્રિક રીતે ઘડતર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. શીલ,પ્રજ્ઞા અને કરુણાનો ત્રિવેણી સમન્વય શિક્ષકોમાં છે. શિક્ષકો શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે.
સંસદ શ્રીમતી શારદાબેન પટેલે શિક્ષકો સમાજની સાથે ભાવિ પેઢીના ઘડતરનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે.તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યસભા સંસદ જુગલસિંહ ઠાકોરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને તત્વ ચિંતક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.કોરી આંખોમાં સપના વાવે એ શિક્ષક એવી લાગણી વ્યક્ત કરતા તેમણે અહોભાવ સાથે શિક્ષકોને પોતાનું કર્તૃત્વ નિભાવવા જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે શિક્ષકોને નિર્ધારિત ધ્યેય અને લક્ષ સાથે ભાવિ પેઢીનું ઘડતર કરવા જણાવ્યું હતું.
પ્રારંભમાં સૌનો આવકાર કરતાં જિલ્લા શિક્ષણાધિકારી ડો.એ.કે.મોઢ પટેલે જણાવ્યું કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને તત્વ ચિંતક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.
કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના ૪૦ શિક્ષકોનું સન્માન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ કરવામાં આવ્યું હતું.મહેસાણા જિલ્લાના રાજ્ય સરકારની યોજના અંતર્ગત ૨૧,જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજનાના ૧૫ અને ૦૪ સંગીતના શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના શિક્ષણપ્રેમી શિક્ષકોને મહાનુભાવોના હસ્તે શાલ,સન્માન પત્ર અને પુરસ્કાર અર્પણ કરી ગૌરવ સન્માન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિભાળી શાળી બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું,.
આ અવસરે ધારાસભ્યો સર્વ શ્રી કરશનભાઇ સોલંકી,ઋષિકેશભાઇ પટેલ,રમણભાઇ પટેલ,ડો આશાબેન પટેલ, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી વી.એમ.પ્રજાપતિ,નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ,અગ્રણી જશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ,નગર સેવકો,શિક્ષક સંઘના હોદ્દેદારો, બી.આર.સી, સી.આર.સી, પદાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો,શ્રેષ્ઠ શિક્ષકોના પરિવારજનો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news