જો કે, આખરી નામ તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નક્કી કરશે તેનું જ નામ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરાશે
બીજીબાજુ, ગુજરાતમાં રાજકીય કટોકટી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે
કેન્દ્રીય મનસુખભાઇ માંડવીયા, સી.આર.પાટીલ, નિતિનભાઇ પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ચર્ચામાં તો, પુરૂષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયાનું નામ પણ રેસમાં
આવતીકાલે ભાજપ ધારાસભ્યદળની બહુ જ મહત્વની બેઠક યોજાશે, જેમાં નવા સીએમનું નક્કી થવાની પૂરી શકયતા, ત્યારબાદ પીએમ મોદીની લીલીઝંડી બાદ જાહેરાત
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.11
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આજે વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ હવે નવા સીએમ કોણ… ? તેને લઇ જોરદાર ચર્ચા શરૂ થઇ છે તો સાથે સાથે નવા સીએમના નામને લઇ જબરદસ્ત સસ્પેન્સ ચાલી રહ્યું છે કારણ કે, નવા સીએમની માત્ર એક જ વ્યકિતને અત્યારે ખબર છે અને તે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી. મોદી જેની પર પસંદગીનો કળશ ઢોળશે તેનું નામ નવા સીએમ તરીકે જાહેર થશે તે નિશ્ચિત છે.
બીજીબાજુ, ગુજરાતમાં સર્જાયેલી રાજકીય કટોકટીને લઇ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સમગ્ર રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી વડાપ્રધાનશ્રીને જાણ કરશે. તો, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની ધારાસભ્ય દળની બહુ જ મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામને લઇ બહુ અગત્યની ચર્ચા વિચારણા થશે. ધારાસભ્ય દળની બેઠક બાદ નવા સીએમની જાહેરાત થાય તેવી શકયતા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની લીલીઝંડી બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નામોમાં કેન્દ્રીય મનસુખભાઇ માંડવીયા, સી.આર.પાટીલ, નિતિનભાઇ પટેલ તથા પ્રદીપસિંહ જાડેજાનું નામ જોરદાર ચર્ચામાં છે. તો, મુખ્યમંત્રીપદ માટે ગોરધનભાઇ ઝડફીયા અને પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ રેસમાં ચર્ચાઇ રહ્યું છે. આગામી 24 કલાકમાં નવા સીએમના નામને લઇ ચિત્ર સ્પષ્ટ થશે તેવું મનાઇ રહ્યુ છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય હંમેશા કંઇક અલગ અને આશ્ચર્યજનક રહ્યો છે, તેથી દરવખતની જેમ એવું પણ બને કે, આ નામોમાંથી બીજું કોઇ અલગ અને નવું જ નામ સીએમ તરીકે જાહેર થાય..હાલ તો તમામ શકયતાઓ અને સંભાવનાઓને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ માત્ર ગુજરાતના જ નહી પરંતુ દેશના રાજકારણમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. વિજયભાઇ રૂપાણીનો સીએમ તરીકેનો કાર્યકાળ પાંચ વર્ષ 35 દિવસ રહ્યો અને આજે અચાનક રાજીનામું આપી વિજયભાઇ રૂપાણીએ રાજકીય ભૂકંપ સર્જયો. ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ સર્જાઇ ગયો છે, મુખ્યમંત્રીપદેથી રૂપાણીના રાજીનામા બાદ હવે નવા સીએમ કોણ તેને લઇને જોરદાર ચર્ચા, અટકળો અને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રીની રેસમાં ચર્ચાતા નામોમાં સૌથી પહેલું નામ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનું છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર નેતા હોવાની પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા (જન્મ તા.1 જૂન 1972) એક ભારતીય રાજકારણી છે જે હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય પણ છે. આ રેસમાં પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ ચર્ચામાં છે. રૂપાલા પાટીદાર સમાજના મોભાદાર નેતા છે. આ ઉપરાંત, રૂપાલા પોતાની આક્રમક શૈલીઓ માટે જાણીતા છે. જેથી તેમને પણ પાટીદાર સીએમના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. રૂપાલા (જન્મ તા.1 ઓક્ટોબર 1954) એક ભારતીય રાજકારણી છે અને બીજા મોદી મંત્રાલયમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી છે. તેઓ રાજ્યસભાના સભ્ય છે, જે ભારતીય રાજ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તેઓ અમરેલીથી ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય હતા અને અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.
આ સિવાય, ત્રીજા પાટીદાર નેતા તરીકે ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. ગોરધન ઝાડાફિયા (જન્મ તા.20 જૂન 1954) ગુજરાત, ભારતના એક ભારતીય રાજકારણી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા પહેલા તેઓ 15 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા હતા. તેમણે અમદાવાદ શહેરમાં ભાજપના મહામંત્રી તરીકે સેવા આપી હતી. અને 1995-97 અને 1998-2002 દરમિયાન બે વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. એટલું જ નહીં, ખુદ ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નામ પણ રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છેકે સી.આર.પાટીલ પણ આડકતરી રીતે પાટીદાર નેતા જ કહેવાઇ રહ્યાં છે. કારણ કે મરાઠી સમાજમાં પાટીલ પાટીદાર કોમ્યુનિટીમાં આવે છે.
તો ગુજરાતના નવા મુખ્યમંત્રીની સ્પર્ધામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ પણ છે. નોંધનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના રાજીનામાના સમયે નીતિન પટેલનું નામ રેસમાં સૌથી આગળ હતું. પરંતુ, રાતોરાત નવા સીએમ તરીકે વિજય રૂપાણીની જાહેરાત થઇ હતી. એ સમયે નીતિન પટેલની નારાજગી પણ સામે આવી હતી. તેથી એ નારાજગી દૂર કરવા આ વખતે નીતિન પટેલને સીએમનું પદ ફાળવી શકાય તેવી પણ સંભાવના છે. હાલ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતાઓના નામ ચર્ચામાં આવી રહ્યાં છે. પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આખરે કોની પસંદગી કરે છે તે જ નામની જાહેરાત સત્તાવાર અને અધિકૃત કહેવાશે. બાકી અત્યારે જે નામોની ચર્ચા કે અટકળો ચાલી રહી છે તે માત્ર ચર્ચા અને અટકળો જ ગણાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીલીઝંડી બાદ જ ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થશે તે નક્કી છે.
બીજીબાજુ, મોડી રાત સુધીમાં ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાનો ભાજપ હાઇકમાન્ડ દ્વારા આદેશ જારી કરાતાં ભાજપના ધારાસભ્યોએ ગાંધીનગર કમલમની વાટ પકડી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ દ્વારા આ તમામ ધારાસભ્યો સાથે આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજાશે.
#bharatmirror #bharatmirror21 #news