સંગઠન અને પક્ષના સિનિયર નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મંત્રીમંડળની રચના અંગે નિર્ણય લેવાશે – મંત્રીમંડળના નામો એકાદ-બે દિવસમાં નક્કી થશે
ગુજરાતના વિકાસ કામોને આગળ ધપાવીશુ, છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યોનો લાભ પહોંચે તે પ્રકારે વિકાસ કામો કરતા રહીશુ – ભૂપેન્દ્રભાઇ પટેલ
વડાપ્રધાન મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો આભાર વ્યકત કરતાં ભૂપેન્દ્ર પટેલ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.12
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નિયુકત થયેલા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે પોતાના નામની જાહેરાત બાદ કમલમ, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું કે, અમે ગુજરાતના વિકાસ કામોને આગળ ધપાવીશું. છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યોનો લાભ પહોંચે તે પ્રકારે વિકાસ કામો કરતા રહીશું.
નવનિયુકત સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની નિયુકિત અને પસંદગી બદલ કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યકત કર્યો હતો. શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મારામાં જે વિશ્વાસ મૂકયો છે અને મને સીએમ તરીકેની જે જવાબદારી સોંપી છે તે બદલ હું તેઓનો આભાર માનું છું. સાથે સાથે અહીં ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વિજયભાઇની ટીમનો પણ મારા પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યકત કરૂ છું.
મુખ્યમંત્રી તરીકે તમારી શું પ્રાધાન્યતા રહેશે તે અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના જે વિકાસના કામો છે સંગઠન અને સરકાર બંને સાથે રહી કરતા રહીશું. ખાસ કરીને છેવાડાના માનવી સુધી વિકાસ કામો પહોંચે તે માટે ખૂબ સારી રીતે પ્રયત્ન થઇ રહ્યો છે. અમે ગુજરાતના વિકાસ કામોને આગળ ધપાવીશું. છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યોનો લાભ પહોંચે તે પ્રકારે વિકાસ કામો કરતા રહીશું.
શું તમને કલ્પના હતી કે, અણસાર હતો કે, તમારૂં નામ સીએમ તરીકે આવશે તેવા પ્રશ્નના જવાબમાં શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું કે, ના, મને બિલકુલ આ અંગેનો અણસાર ન હતો. આગામી ચૂંટણીમાં ભાજપની જીત માટે કેવી રીતે કાર્ય કરશો તે અંગે પૂછાતાં તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે, ભાજપ માત્ર ચૂંટણી લક્ષી કામ કરવા ટેવાયેલી નથી. પ્રજા વચ્ચે રહી ભાજપનો કાર્યકર્તા હંમેશા કામ કરતો રહ્યો છે.
નવનિયુકત સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આવતીકાલે શપથ ગ્રહણ કરશે. આજે સાંજે છ વાગ્યે રાજયપાલને સરકાર રચવાનો પ્રસ્તાવ સુપ્રત કરશે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રભાઇ પટેલનું નસીબ બહુ મોટુ કામ કરી ગયુ કેમ કે, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પહેલી જ ટર્મમાં સીધા સીએમ બની ગયા તે બહુ મોટી અને નોંધનીય વાત કહી શકાય.
દરમ્યાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યું કે, આવતીકાલે માત્ર નવનિયુકત સીએમ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જ શપથવિધિ સમારોહ યોજાશે. જેમાં રાજયના અને રાષ્ટ્રીય નેતાઓ, આગેવાનો અને મહાનુભાવો ખાસ હાજરી આપશે. ત્યારબાદ એક-બે દિવસમાં મંત્રીમંડળના નામોની ચર્ચા કરવામાં આવશે. જેમાં મંત્રીમંડળના નામોને લઇ સંગઠન અને પક્ષના સિનિયર નેતાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
ભૂપેન્દ્રભાઇ પટેલનું નામ સીએમ તરીકે પસંદ કરવા પાછળનું કોઇ વિશેષ કારણ શું હોઇ શકે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં પાટીલે જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઇનો પક્ષના કાર્યકર્તાઓ સાથે મનમેળ, ઉપરાંત, તેમની કામ કરવાની વહીવટી ક્ષમતા હોવાથી તેમને સીએમ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને તેઓ સાર્થક કરી શકે તેવી તેમનામાં શકિત છે અને તે હેતુથી તેમની સીએમ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news