છેલ્લા 14 વર્ષોથી લીમખેડાથી સંઘ લઇને આવતા માંઇભકતો 300 કિલોમીટર ચાલીને 9 દિવસ બાદ અંબાજી પહોંચ્યા અને માતાજીને 1111 ગજની ધજા ચઢાવી
છેલ્લા એક મહિનામાં 200 કરતાં વધુ નાના-મોટા સંઘએ અંબાજી મંદિર પર ધજા ચઢાવી અને માં અંબેના દર્શન કર્યા
અંબાજીના માર્ગો પર માંઇભકતોનો પ્રવાહ શરૂ – કોરોનાની ત્રીજી લહેરની દહેશત અને આશંકા વચ્ચે ભાદરવી પૂનમના મેળાની પદયાત્રા વહેલી શરૂ થઇ
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને યોજાવાને લઇ હજુ સુધી રાજય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ ભાદરવી પૂનમના મહામેળા પહેલાં જ હજારો શ્રદ્ધાળુ માંઇભકતો હાલ તો માં અંબાના ધામમાં ઉમટી રહ્યા છે
અંબાજીના માર્ગો પર બોલ માડી અંબે..જય…જય અંબેના ભકિતનાદ ગુંજતા જોવા મળી રહ્યા છે, જેને લઇ માંઇભકિતનો માહોલ છવાયો
(વિવેક આચાર્ય દ્વારા)
અંબાજી, તા.4
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પુનમનો મહામેળો યોજાતો હોય છે. જે સાત દિવસના મેળામાં 20થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી માં અંબેના દર્શન કરતા હોય છે. ગયા વર્ષે કોરોના મહામારીની ભયંકર બેકાબૂ સ્થિતિને લઇને અંબાજીનો આ સુપ્રસિદ્ધ મેળો બંધ રહેતાં લાખો શ્રધ્ધાળુઓ થોડા નિરાશ જરૂર થયા હતા પરંતુ આ વર્ષે ફરીથી કોરોનાનું ગ્રહણ લાગે તે પહેલાં જ હજારો શ્રધ્ધાળુ માંઇભકતોએ અંબાજીની વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે. હજારો શ્રધ્ધાળુ ભકતો હાલ અંબાજી તરફના માર્ગો પર પદયાત્રા મારફતે ચાલતા ચાલતા પગપાળા અંબાજીના પવિત્ર યાત્રાધામમાં પહોંચી રહ્યા છે, જેને લઇ હાલ તો અંબાજીના માર્ગો પર બોલ માડી અંબે..જય…જય અંબેના ભકિતનાદ ગુંજતા જોવા મળી રહ્યા છે, જેને લઇ માંઇભકિતનો માહોલ છવાયો છે. બીજીબાજુ, સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં 1111 ગજની ધજા આવતાં માંઇભકતોમાં ભકિતનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. છેલ્લા 14 વર્ષોથી લીમખેડાથી સંઘ લઇને આવતા માંઇભકતો 300 કિલોમીટર ચાલીને 9 દિવસ બાદ અંબાજી પહોંચ્યા હતા. છેલ્લા એક મહિનામાં 200 કરતાં વધુ નાના-મોટા સંઘએ અંબાજી મંદિર પર ધજા ચઢાવી અને માં અંબેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને યોજાવાને લઇ હજુ સુધી રાજય સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ ભાદરવી પૂનમના મહામેળા પહેલાં જ હજારો શ્રદ્ધાળુ માંઇભકતો હાલ તો માં અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. લીમખેડાના સંઘ દ્વારા 1111 ગજની પવિત્ર ધજા આજે અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી. અંબાજી રબારી સમાજની ધર્મશાળામાં આરતી ઉતારી ધજા લઇને મંદિર તરફ પ્રયાણ કર્યુ ત્યારે વિકાસસિંહ ગેહલોત, યજ્ઞેશ જયસ્વાલ, ગૌરવ કલાલ, કૃણાલ સોની સહિતના માંઇભકતોએ બોલ માડી અંબે…જય જય અંબે…ના ભકિતનાદ લગાવી વાતાવરણ ભકિતમય બનાવી દીધુ હતું. તમામ માંઇભકતોને શકિત દ્વારથી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
અંબાજીમાં માં અંબેના દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ, માંઇભકતો આ સાથે નવરાત્રી દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. પણ આ ભાદરવી પૂનમના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગવાની પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો તા.13સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેરની શક્યતાઓને જોતા ચાલુ વર્ષે પણ મેળો મુલતવી રહે છે કે કેમ તેને લઇ હજુ પણ ભારે અસમંજસ છે કારણ કે, હજુ સુધી રાજય સરકાર કે તંત્ર દ્વારા ભાદરવી પૂનમ મેળો યોજવાને લઇ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. ગતવર્ષે મેળો બંધ રહેતા પદયાત્રીઓ અંબાજી પહોંચી શક્યા ન હતા પણ આ વખતે મેળો બંધ રહેવાની દહેશતના પગલે યાત્રિકોએ આ વર્ષે વહેલી પદયાત્રા શરૂ કરી દીધી છે.
કોરોના મહામારીને લઈને તા.13 સપ્ટેમ્બરથી શરૂ થનારો મેળો શ્રદ્ધાળુઓની સુખાકારી અને સ્વાસ્થ્યની સુરક્ષાને લઈ મુલતવી રહેવાની દહેશત પણ પ્રવર્તી રહી છે. ત્યારે હજારો યાત્રિકો તે પૂર્વે જ માં અંબેના દર્શન કરી લેવાને મંદિરના શિખરે ધજા ચઢાવાનું વહેલું નક્કી કર્યું હોય તેમ હમણાં એક મહિના પહેલા જ યાત્રિકો ધજા લઈ અંબાજી પહોંચી રહ્યા છે, જેના કારણે અંબાજી તરફના માર્ગો અને મંદિર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગૂંજવા લાગ્યા છે. ભાદરવી પૂનમ વખતે પદયાત્રીઓ માટે આરોગ્ય અંગેના અને ચા નાસ્તા તથા જમણવારના નિઃશુલ્ક સેવા કેમ્પો પણ માર્ગોમાં જોવા મળી રહ્યા છે. જો કે, તેની સંખ્યા દર વર્ષ કરતાં ઓછી જણાઇ રહી છે.
બીજીબાજુ, અંબાજી ધામમાં સંઘ લઇને પધારેલા શ્રધ્ધાળુ ભકતો વિકાસસિંહ ગેહલોત, યજ્ઞેશ જયસ્વાલ, ગૌરવ કલાલ, કૃણાલ સોની સહિતના માંઇભકતોએ જણાવ્યું કે, તમામ ભકતો વતી માતાજીને એક જ પ્રાર્થના કરીએ છીએ કે, હવે કોરોનાની ત્રીજી લહેર આવે જ નહી, અને ગુજરાત સહિત વિશ્વભરમાંથી કોરોના મહામારી નાબૂદ થાય. સૌનું આરોગ્ય અને સુખાકારી ખૂબ સારી રહે. આજે માં અંબાજીને 1111 ગજની ધજા ચઢાવી અને માતાજીના દર્શન કરી અમે બહુ જ ધન્યતાનો અનુભવ કર્યો છે. માં અંબાજી સૌને સુખી કરે એવી પ્રાર્થના છે.
દરમ્યાન આજે અંબાજી મંદિરમાં લીમખેડાના સંઘ દ્વારા 1111 ગજની ધજા લાવવામાં આવી અને માતાજીને ધજા ચઢાવવામાં આવી ત્યારે બોલ માડી અંબે…જય…જય…અંબેના ભકિતનાદ વચ્ચે માઁઇભકિતનો માહોલ જાણે કે ચરમસીમાએ પહોંચ્યો હતો. સમગ્ર મંદિર અને પરિસરમાં માઁઇભકિતનું વાતાવરણ છવાઇ ગયુ હતુ.
#bharatmirror #bharatmirror21 #news