ધોધમાર વરસાદને પગલે ડીસા સહિતના વિવિધ પંથકોમાં આશરે 300થી વધુ ખેતરો બેટમાં ફેરવાઇ ગયા
ડીસાના આખોલ ચાર રસ્તા-હાઇવે વિસ્તારમાં આવેલી 100 જેટલી દુકાનોમાં તો, પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.26
ઘણી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ જોરદાર મેઘમહેર વરસાવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા, દાંતીવાડા સહિતના પંથકોમાં આજે વહેલી સવારથી ખાબકેલા ધોધમાર સાડા પાંચ ઇંચથી વધુ એવા અતિ ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસાના આખોલ ચાર રસ્તા, દાંતીવાડાના કંસારી પાસે માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ડીસાના આખોલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી 100 જેટલી દુકાનોમાં તો, પાંચથી છ ફુટ જેટલા પાણી ભરાઇ જતાં સ્થાનિક દુકાનદારો ભારે હાલાકીમાં મૂકાયા હતા. બીજીબાજુ, ભારે વરસાદના કારણે મોટાભાગના મગફળીનું વાવેતર કરેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા જતા ખેડૂતો મોટું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિતના વિવિધ પંથકોમાં આશરે 300થી વધુ ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. તો, પાટણ, કમલીવાડા, રાજપુર, હાજીપૂર, હાસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે, અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. જ્યારે આખોલ ચાર રસ્તા-હાઈવે પર આવેલી સો જેટલી દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર પડેલા વરસાદના કારણે તબાહી સર્જાઇ છે. અહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જ્યારે મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.26 મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી છે, જ્યારે તા. 29 અને 30 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે.
ડીસા, કંસારી સહિતના અનેક પંથકમાં અંદાજિત 300 થી વધુ ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં જાણે તે બેટમાં ફેરવાઇ ગયા હતા અને ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસાની ચાલુ સીઝનમાં રાજ્યમાં અત્યારે 81 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને હજી 19 ટકા વરસાદની ઘટ છે. આજે પણ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની ઘટ પૂરી થતાં એક રીતે ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી છે કારણ કે, તેમની ખેતીના, સિંચાઇના અને પીવાના પાણીની મોટી ચિંતા દૂર થઇ છે.
#bharatmirror #bharatmirror21 #news