પોતાના અપહરણનો ખોટો ઓડિયો મેસેજ વાયરલ કરી કિશોરીએ છોકરમતમાં પોલીસ અને પરિવારજનોને દોડતા કરી દીધા
જો કે, સુરત ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ ગણતરીના કલાકોમાં સીસીટીવી ફુટેજના આધારે કિશોરીને શોધી કાઢી પરિવારને તેનો કબ્જો સહીસલામત સોંપતા રાહત
સુરત, તા.1
સુરતમાં 14 વર્ષની એક વિદ્યાર્થીનીએ અંગ્રેજી વિષયની પરીક્ષા નહી આપવી હોવાથી પોતે જ અપહરણનું નાટક રચીને ઘરેથી નીકળી ગઇ હતી અને સુરત પોલીસ, સુરત ક્રાઇમબ્રાંચ અને પરિવારજનોને થોડા કલાકો માટે તો દોડતા કરી દીધા હતા. આખરે સુરત ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ સીસીટીવી ફુટેજના આધારે 14 વર્ષીય કિશોરીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી, તેણી પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, તેનું કોઇએ અપહરણ કર્યું નહોતુ..તેને અંગ્રેજી વિષયની પરીક્ષા આપવી નહી હોવાથી તે જાતે જ અપહરણનું નાટક કરીને ઘરેથી નીકળી ગઇ હતી.
જો કે આ પહેલા કિશોરીને રીક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો હોવાનું ઓડિયો મેસેજ વાઇરલ થયા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક વિદ્યાર્થીની કોઇક રિક્ષા ચાલક ઉપાડીને સ્ટેશન બાજુ લઈ ગયો હોવાના સગીરાના ફોટો સાથેનો ઓડિયો બપોરના સમયે સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ મેસેજ અંગે પોલીસને પણ જાણકારી મળતા પોલીસ વિદ્યાર્થિનીને શોધવાના કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી ફુટેજને આધારે સગીરાને ગણતરીના સમયમાં જ શોધી કાઢી હતી. પરંતુ કિશોરી મળ્યા બાદ તેને અંગ્રેજીની પરીક્ષા નહી આપવી હોવાથી કિશોરીએ પોતાના જ અપહરણનું નાટક રચી ઓડિયો વાઇરલ કર્યો હોવાનુ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. જે સાંભળી ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
અડાજણ વિસ્તારમાં રહેતી આ વિદ્યાર્થિની મંગળવારે સવારે 11 વાગ્યે તેના ઘરેથી સ્ટેશનરી લેવા માટે જઈ રહી હોવાનું કહીને ઘર બહાર નીકળી ગઇ હતી. જોકે કલાકો સુધી તેણી પરત ફરી ન હતી. બીજી તરફ આ વિદ્યાર્થીનીના ફોટા સાથેનો અને ફોટોને પગલે અનેક લોકો તેને શોધવાના કામે લાગ્યા હતા. દરમિયાન આ વિદ્યાર્થીની અડાજણ સ્વામીનારાયણ મંદીર પાસેથી મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે વિદ્યાર્થિની શોધી કાઢી તેનો કબ્જો અડાજણ પોલીસને સોંપ્યો હતો. જો કે, કિશોરીના અપહરણની વાત સાંભળીને પરિવારના લોકો તો ભારે હાંફળાફાંફળા થઇ દોડતા થઇ ગયા હતા. તેઓના જીવ તો તાળવે ચોંટી ગયા હતા પરંતુ પોલીસે જયારે તેણીને શોધી કાઢી ત્યારે પરિવારના જીવમાં જીવ આવ્યો હતો. જો કે, 14 વર્ષની કાચી ઉમંરમાં છોકરમતમાં આવી ગંભીર પ્રકારની હરકત જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
. #bharatmirror #bharatmirror21 #news