રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફયુ અમલમાં રહેશે
ગણેશ વિસર્જન દરમ્યાન પણ શ્રધ્ધાળુઓએ કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે – પોલીસ અને તંત્ર દ્વારા વિશેષ ધ્યાન રખાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.14
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોના વાઇરસનું સંક્રમણ અને કેસો નોંધપાત્ર રીતે ઘટી રહ્યા છે ત્યારે કોરોના વાઇરસની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી અમદાવાદ સહિત રાજયના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ, ગુજરાત રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફયુ અમલમાં રહેશે.
કોરાના સંક્રમણ રાજયમાં ઘટયુ હોવાછતાં રાજય સરકારે અગમચેતીના પગલાના ભાગરૂપે રાત્રિ કર્ફયુ વધુ દસ દિવસ માટે યથાવત્ રાખ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફયુ લંબાવી દેવામાં આવ્યો છે. હવે આ શહેરોમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફયુ લાગૂ રહેશે. આ દરમિયાન લોકો રાત્રે 11 થી સવારે 6 કલાક સુધી બિનજરૂરી બહાર નીકળી શકશે નહીં.
રાજ્યમાં હાલ ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા, સહિત રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે પણ રાજ્ય સરકારે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યરભમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. તે પ્રમાણે જાહેર ગણેશ ઉત્સવમાં 4 ફૂટ અને ઘરમાં બે ફૂટી ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. જાહેર ગણેશ મહોત્સવમાં પંડાલ શક્ય તેટલા નાના રાખવાનું પણ જણાવાયું છે. ગણેશ ઉત્સવમાં આવતા લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ એસઓપીમાં કહેવામાં આવ્યું છે. તો ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને અને એક વાહનને છૂટ આપવામાં આવી છે. તો ઘરમાં સ્થાનપ કરેલા ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફયુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 8 મગહાનગરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રે 12 કલાક સુધી છૂટછાટ આપવામાં આવી છે. જેથી ગણેશભકતો ગણેશ વિસર્જનનો પૂરતો લાભ લઇ શકે. જો કે, તહેવારોની ઉજવણી વચ્ચે પણ કોવીડ ગાઇડલાઇન્સનું પાલન કરવા સરકારે અને તંત્ર દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news