કુંવરજી બાવળિયા, દિલીપ ઠાકોર સહિતના નેતાઓના ટેકેદારો-સમર્થકો ભાજપ સામે જ ખુલ્લો મોરચો માંડયો – કોળી સમાજ તરફથી ભાજપને ખુલ્લી ધમકી અપાતાં ખળભળાટ
શિસ્તબધ્ધ પાર્ટીના દાવા કરતા ભાજપમાં હાલ તો શિસ્તતાના લીરેલીરા ઉડી રહ્યા છે – ભાજપની આબરૂના ધજાગરા ઉડતાં પક્ષને પ્રતિષ્ઠાને ગંભીર હાનિ
કેટલાક મંત્રીઓને ઓફિસ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઇ તો, કેટલાક મંત્રીઓને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના જારી થતાં મંત્રીઓ પણ દોડતા થઇ ગયા
ભાજપના જોરદાર આંતરિક ડખાનો મામલો આખરે દિલ્હી મોદી-અમિત શાહ સુધી પહોંચ્યો – ભાજપમાં બળવાખોરી અને ઉગ્ર અસંતોષના માહોલ આખરે સપાટી પર આવી ગયો
આજે તા.15મી સપ્ટેમ્બરે શપથવિધિ સમારોહના બેનરો લાગ્યા પરંતુ ઉકળતા ચરૂ અને પક્ષમાં આંતરિક વિરોધના સૂર વધતાં છેલ્લી ઘડીયે શપથવિધિ સમારોહના બેનરો ફાડવા પડયા
હવે આવતીકાલે તા.16મી સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાશે – ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ, મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.15
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્ર પટેલને સત્તારૂઢ કરવાનું કામ ભાજપે સુપેરે પાર પાડયુ પરંતુ નવા મંત્રીમંડળની રચના અને તેના વિસ્તરણની કવાયતને લઇ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા પડે તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા ચાર દિવસથી ભાજપમાં ભયંકર નારાજગી, ઉગ્ર અસંતોષ અને ખુલ્લા બળવા વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, શિસ્તબધ્ધ પાર્ટીના દાવા કરતા ભાજપમાં હાલ તો શિસ્તતાના લીરેલીરા ઉડી રહ્યા છે. નવા મંત્રીમંડળમાં કોનું પત્તુ કપાશે અને કોને સમાવાશે, તેમ જ નો રિપીટ થિયરી, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને જૂના જોગીઓને વિદાય સહિતના મુદ્દાઓને લઇ ચાલી રહેલી રાજકીય મથામણ અને મહામંથન પર હવે જોરદાર વિવાદ એક પછી એક સામે આવી રહ્યા છે.
ભાજપ મોવડીમંડળ અથવા તો, ભાજપની ધાકથી ડરતા લોકો હવે ખુલ્લેઆમ બળવા સાથે જાહેરમાં આવી રહ્યા છે, તેને લઇ ભાજપની ઇમેજને બહુ મોટો ધક્કો લાગ્યો છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી સામે આવતા જૂના મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નો રિપીટ થિયરીને લઇને કુંવરજી બાવળિયાના સમર્થકો મેદાનમાં આવ્યા છે અને કુંવરજી બાવળિયાના સમર્થકોએ તાબડતોબ કોળી સમાજની બેઠક બોલાવી છે. આ મુદ્દાને લઇ જૂનાગઢ અને જસદણથી સમર્થકો ગાંધીનગર જવા રવાના થયા છે. તો બીજીબાજુ, ગાંધીનગર ખાતે કુંવરજી બાવળિયાના નિવાસ સ્થાને બેઠકના દોર શરૂ થયા છે.
તો બીજી તરફ જસદણ વીંછિયામાં કુંવરજી બાવળિયાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. કુંવરજી બાવળિયાનું કેબિનેટ મંત્રીનું પદ કપાશે તો તેને લઇને ગંભીર ખુલ્લી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જસદણ વીંછિયામાં ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાજપને જ ખુલ્લી ધમકી આપવામાં આવી છે. કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ જસદણમાં કોળી સમાજના બોર્ડિંગ ખાતે કોળી સમાજની મીટિંગ બોલાવી છે. જેના સ્ક્રિન શોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તો જસદણ વીંછિયામાં ભાજપ સામે ભાજપનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કુંવરજી બાવળિયાને જ્યારે કેબિનેટ મંત્રીના પદને જોખમ છે, ત્યારે હવે કુંવરજી બાવળિયાને લઇને કોળી સમાજ મેદાનમાં આવ્યો છે.
કોળી સમાજે કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાં સમાવવાની ઉગ્ર માંગ સાથે ભાજપ સામે ખુલ્લો મોરચો માંડયો છે, કોળી સમાજ તરફથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આ મુદ્દે તાકીદનો પત્ર પાઠવી માંગણી કરી છે. સાથે સાથે ભાજપને ખુલ્લી ધમકી આપી છે કે, જો કોળી સમાજને અન્યાય થશે તો ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેના માઠા પરિણામો સહન કરવા પડશે.
આ જ પ્રકારે પાટણના હારીજમાં મંત્રીશ્રી દિલીપ ઠાકોરના સમર્થકો અને ટેકેદારોએ પણ ખુલ્લો વિરોધ નોંધાવી જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા., દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપને ખુલ્લી ચીમકી આપી હતી કે, જો દિલીપ ઠાકોરનું મંત્રીપદ કપાશે તો, મોટાપાયે રાજીનામાઓ પડશે અને ભાજપને ગંભીર નુકસાન થશે. આ જ પ્રકારે મંત્રીશ્રી જયેશ રાદડિયાના સમર્થકો અને ટેકેદારોનો પણ વિરોધ સામે આવ્યો હતો કે, જો રાદડિયાને મંત્રીપદમાંથી હટાવાશે તો તેના ઘેરા પ્રત્યાઘાતો પડશે.
તો, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓએ પણ ભારે નારાજગીનો સૂર આલાપ્યો છે કે, તેમણે તેમનું બધુ છોડી ભાજપમાં એન્ટ્રી લીધી હતી અને હવે જો કદર ના થાય તો શું કરવાનું…આમ, એક પછી એક ભારોભાર નારાજગી, ઉગ્ર અસંતોષ અને ભયંકર બળવાખોરીના વરવા દ્રશ્યો ભાજપ જેવી શિસ્તબધ્ધ પાર્ટીમાં આજે સામે આવતાં પાર્ટીની ઇમેજને નિશંકપણે માત્ર રાજયસ્તરે જ નહી પરંતુ રાષ્ટ્રીય સ્તરે હાનિ પહોંચી છે અને પક્ષની પ્રતિભા ખરડાઇ છે. વાત વણસતાં અને વિવાદ બેકાબૂ બનતાં આખોય મામલો દિલ્હી સુધી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સુધી પહોંચ્યો હતો, જેને પગલે હવે તાબડતોબ યુધ્ધના ધોરણે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે, અને ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પર ઠંડુ પાણી રેડવાની કવાયત હાથ ધરાઇ છે.
ભાજપમાં સર્જાયેલી યાદવાસ્થળી અને આંતરિક ડખાના માહોલ વચ્ચે બીજીબાજુ, આવતીકાલે બપોરે 1-30 વાગ્યે ગાંધીનગર રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ અને તેના વિસ્તરણમાં બહુ મોટાપાયે અને ધરખમ ફેરફારોની રણનીતિ છે. હાલના મંત્રીમંડળમાં મોટાભાગનાને પડતા મૂકી નવા યુવા ચહેરાઓને સ્થાન આપવા તેમ જ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ-સમાજને પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે જૂના ચહેરાઓ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી ના થાય એ માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે.
બીજીબાજુ, એક મહત્વના ડેવલપમેન્ટના ભાગરૂપે નવા મંત્રીમંડળની રચના-વિસ્તરણ પહેલા જ દિગ્ગજ પ્રધાનોની ઓફિસ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરાઇ છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, ઇશ્વર પરમારની સ્વર્ણિમ સંકુલની ખાતેની ઓફિસ ખાલી કરાવવાની હિલચાલ આરંભાઇ છે. તો મંત્રીશ્રી બચુ ખાબડ, વિભાવરીબેન દવે, કુમાર કાનાણી, રમણ પાટકર સહિતના પ્રધાનોને મંત્રી નિવાસસ્થાન ખાલી કરવા સૂચના અપાઈ છે. જેને લઇ આ મંત્રીઓ પણ દોડતા થઇ ગયા છે. ભાજપની છાવણીમાં શિસ્તબધ્ધતાના લીરા ઉડાવતા, આંતરિક અસંતોષ અને ભયંકર નારાજગી તથા બળવાના વરવા દ્રશ્યો આજે સામે આવી જતાં ઓલ ઇઝ વેલના ભાજપના દાવાનો પરપોટો આખરે ફુટ જતાં ગુજરાતના રાજકારણમાં ભાજપની પ્રતિષ્ઠાને બહુ મોટી અને ગંભીર હાનિ પહોંચી છે.
તો આજે દિવસ દરમ્યાન અનેક યુવા ચહેરાઓ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના બંગલે જોવા મળ્યા હતા. વહેલી સવારથી પાટીલના બંગલે એક પછી એક ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાં હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. આમ નવા મંત્રીમંડળની રચના અગાઉ જ ભાજપમાં ભાંજગડ શરૂ થઇ છે. કેન્દ્રીય મોવડીમંડળને હવે બળવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે પક્ષના નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને ઘી ના ઠામમાં ઘી પડી જાય અને તમામ વિવાદો શાંત થઇ જાય તે પ્રકારની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે. જે માટે મોડી રાત સુધી ભાજપની છાવણીમાં બેઠકોના દોર વચ્ચે જોરદાર કવાયત ચાલી હતી.
દરમ્યાન નવા સીએમ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથવિધિ સમારોહ આવતીકાલના બદલે અચાનક આજે યોજવાની કવાયત હાથ ધરાઇ હતી અને બપોર પહેલાં તો આજની તા.15-9-2021 ના બેનરો પણ લગાવી દેવાયા હતા અને સ્ટેજ પણ તૈયાર કરી દેવાયુ હતુ પરંતુ ભાજપમાં છેલ્લી ઘડીયે સર્જાયેલી યાદવાસ્થળી અને આંતરિક ડખાને લઇ આખરે આજની શપથવિધિ સમારોહની વાત પડતી મૂકાઇ હતી, એટલે સુધી કે, આજની તારીખના બનાવાયેલા બેનર પણ ફાડી નાંખવામાં આવ્યા હતા અને મામલો દબાવવાનો નિરર્થક પ્રયાસ થયો હતો પરંતુ બધુ જાહેર થઇ જ ગયુ હતુ અને લોકો વચ્ચે આવી ગયુ હતુ. જેથી ભાજપના આંતરિક વિખવાદનો પર્દાફાશ થઇ ગયો હતો. સિનિયર મંત્રીઓના પત્તા કપાવાની વાતને લઇને ઇશ્વર પટેલ, બચુ ખાબડ, યોગેશ પટેલ અને ઇશ્વર પરમાર સહિતના નેતાઓમાં પણ ભારોભાર નારાજગી સામે આવી હતી, નારાજ થયેલા આ સિનિયર નેતાઓ પણ પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા, આમ આજે ભાજપમાં આજે સમગ્ર દિવસ દરમ્યાન અને મોડી રાત સુધી બેઠકોનો જોરદાર દોર ચાલ્યો હતો. પક્ષના ટોચના નેતાઓએ દાવો કર્યો હતો કે, ઘી ના ઠામમાં ઘી પડશે અને બધુ સમુસૂથરું પાર પડશે.
#bharatmirror #bharatmirror21 #news