નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 સપ્ટેમ્બર 2023:
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં અવાર-નવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો યોજાતા રહે છે, ત્યારે 25મી સપ્ટેમ્બર, 2023 (સોમવાર)ના રોજ ગુજરાત સાયન્સ સિટીના ઓડિટોરીયમમાં “બાજરી – એક સુપર ફૂડ કે ડાયેટ ફેડ?” વિષય પર રાજ્ય કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજકોસ્ટ, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 568 શાળાઓના 1107 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાના સેમિનારમાં પસંદગી પામેલા 66 વિદ્યાર્થીઓ સહિત લગભગ 100 સહભાગીઓએ તેમના એસ્કોર્ટ શિક્ષકો સાથે રાજ્ય કક્ષાના સેમિનારમાં ભાગ લેવા માટે ગુજરાત સાયન્સ સિટી પહોંચ્યા હતા.
રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રેઝન્ટેશન રજૂ કરનારા વિદ્યાર્થીઓને મૂલ્યાંકન અને ગ્રેડિંગના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. 10,000/-, રૂ. 7,500/- અને રૂ. 5,000/-ના રોકડ પૂરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે તેમને સફારી સામયિકનું વાર્ષિક લવાજમ પણ આપવામાં આવ્યું. વિજેતા થનારા વિદ્યાર્થીઓ હવે આગામી 12 ઓક્ટોબર, 2023ના રોજ નેશનલ સાયન્સ સેન્ટર, દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ સેમિનારમાં ભાગ લેવા જશે.
ગુજકોસ્ટ, અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયન્સ સેમિનારનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓના મનમાં વૈજ્ઞાનિક તપાસ અને વિશ્લેષણાત્મક વિચારની ભાવના કેળવવાનો છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #ahmedabad