આઈસીએઆઈનો પદવીદાન સમારંભ યોજાયો
નીતા લીંબાચિયા, અમદાવાદ, 07 ઓક્ટોબર, 2022:
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા જીએમડીસી કન્વેન્શન સેન્ટર ખાતે તાજેતરમાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના માનનીય જજ શ્રી એમ આર શાહ, અતિથી વિશેષ તરીકે ઝાયડસ લાઈફ સાયન્સ લિ.ના સીએફઓ સીએ નીતિન પારેખ, સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ, સેન્ટર કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોષી, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ, અમદાવાદ બ્રાન્ચના સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ સહિત તમામ હોદ્દેદારો અને 1200થી વધુ પાસ થયેલા સીએ અને તેમના વાલીઓ હાજર રહ્યા હતાં.
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ દ્વારા આયોજીત પદવીદાન સમારંભમાં સુપ્રીમ કોર્ટના માનનીય જજ શ્રી એમ આર શાહે જણાવ્યું હતું કે, આઈસીએઆઈએ બ્રાન્ડ નેમ છે, તેનો દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખૂબ જ મહત્વનો ભાગ છે, દેશને આર્થિક રીતે મજબૂત કરવાના પાયાના ઘડતરમાં આઈસીએઆઈનું યોગદાન અત્યંત ઉપયોગી હોય છે. તાજેતરમાં પાસ થયેલા દેશના તમામ નવા સીએને અભિનંદન આપતાં તેમણે જણાવ્યું હતું કે, બધાંજ પ્રોફેશનમાં સૌથી મહત્વનું પ્રોફેશન સીએ પ્રોફેશન છે, જેની સૌથી અધરી પરીક્ષામાં આપ ઉતીર્ણ થયા છો અને ભગવાનના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા છે તેને સાર્થક કરવા આજે એક નિયમ લો કે તમે તમારા ક્લાયન્ટને ક્યારેય ખોટું માર્ગદર્શન કે સલાહ નહીં આપો.
આઈસીએઆઈના પદવીદાન સમારંભમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ઝાયડસ લાઈફ સાયન્સ લિ.ના સીએફઓ સીએ નીતિન પારખે સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા નવા નવયુવાન સીએને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સીએ તરીકેની તમારી પ્રથમ સાઈન તમને આરબીઆઈ ગર્વનરે કરન્સી ઉપર કરેલી સાઈનનો અનુભવ કરાવશે. તેઓએ ત્રણ લેશન ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે જીવનમાં તમે આંતરિક ઊર્જાસભર અને આંતરિક રીતે પ્રેરાઈને તમારા ક્લાયન્ટને યોગ્ય સલાહ આપો, ટાઈમ મેનેજમેન્ટ કરો અને હંમેશા હાર્ડવર્ક કરો.
સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને પદવીદાન સમારંભના કો-ઓર્ડિનેટર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક સીએની સાઈન દેશના વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત હોય છે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો મુજબ સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા સીએ દેશના ચોકીદાર છે. આપણે આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો, વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે.
આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે પદવીદાન સમારંભમાં હાજર રહેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને તેમના માતાપિતાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રોફેશનલ કોર્સમાં સૌથી અધરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે, જેમાં ઉતીર્ણ થયેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે માતૃભૂમિનું સન્માન, માતૃસંસ્થા દ્વારા, માતૃભાષાના હેતથી આપણે સમાજપયોગી કાર્ય કરવા હંમેશા તત્પર રહેવાનું છે.
આજે દેશના 13 કેન્દ્રો ઉપર સીએ પદવીદાન સમારંભ યોજાયા છે જેમાં 20,000થી વધુ નવાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 2000 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #graduationceremonoficai #ahmedabad