રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું
પોલીસ કમિશનરને અમે રથયાત્રા અંગે મંજૂરી માંગતી અરજી કરી દીધી છે, જો કે, હજુ સુધી તેઓએ અમને કે અમારા મંદિરના પ્રતિનિધિને કોઇ વાતચીત કે ચર્ચા માટે બોલાવ્યા નથી. અમે રથના સમારકામની સાથે સાથે ભગવાનના શણગાર, ભકતોના પ્રસાદ સહિતની વ્યવસ્થા અમારી રીતે કરી રહ્યા છીએ – મહંત દિલીપદાસજી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.12મી જૂલાઇએ ગુજરાતની એક દિવસની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. અલબત્ત, કોવીડ ગાઇડલાઇન્સ, પ્રોટોકોલ અને કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.1
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવા અંગેની હજી સત્તાવાર મંજૂરી સરકાર કે પોલીસ તંત્ર તરફથી મળી નથી કે તે અંગેની કોઇ અધિકૃત જાહેરાત પણ હજુ સુધી કરાઇ નથી પરંતુ જગન્નાથજી મંદિર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આગામી રથયાત્રાને લઇને તૈયારીઓ તેમની રીતે શરૂ કરી દેવામાં આવી છે કે જેથી જો છેલ્લી ઘડીયે કોવીડ ગાઇડલાઇન્સના પાલન હેઠળ પણ રથયાત્રા કાઢવાની મંજૂરી મળે તો સમગ્ર વ્યવસ્થાતંત્ર અને પરિસ્થિતિને પહોંચી વળાય. બીજીબાજુ, જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, તા.12મી જૂલાઇએ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવા અંગે રાજય સરકાર તરફથી જે કંઇ નિર્ણય કરવામાં આવશે તે અમને માન્ય રહેશે.
રથયાત્રાને પૂર્વે જગન્નાથ મંદિરના મહંતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઇને સરકાર સાથે તમામ વાતચીત ચાલી રહી છે. સરકાર તરફથી સૂચના અને માર્ગદર્શન મળી રહ્યું છે. પોલીસ કમિશનરને અમે રથયાત્રા અંગે મંજૂરી માંગતી અરજી કરી દીધી છે, જો કે, હજુ સુધી તેઓએ અમને કે અમારા મંદિરના પ્રતિનિધિને કોઇ વાતચીત કે ચર્ચા માટે બોલાવ્યા નથી. અમે રથના સમારકામની સાથે સાથે ભગવાનના શણગાર, ભકતોના પ્રસાદ સહિતની વ્યવસ્થા અમારી રીતે કરી રહ્યા છીએ. આગળ રાજય સરકાર તરફથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જે કંઇ નિર્ણય કરવામાં આવશે તે અમને માન્ય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.10 જુલાઈએ યોજાનારી ધજારોહણ અને નેત્રોત્સવ વિધિમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજીબાજુ, રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ કરાઈ છે. મંદિરના સેવકો, ટ્રસ્ટીઓ અને મહંત દિલીપદાસજીએ પણ કોરોના વેક્સીન લઈ લીધી છે. રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવા કહેવામાં આવ્યું છે. રસી લીધેલા 120 ખલાસીઓનું લીસ્ટ મંદિર ટ્રસ્ટ પાસેથી મંગાવવામાં આવ્યુ છે. નેત્રોત્સવ વિધિ માટેની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. બીજીતરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ રથયાત્રાને લઇ હરકતમાં આવ્યા છે. અમ્યુકો દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા વિવિધ ખોદકામ પૂર્ણ કરી દેવા પણ સૂચના આપી દેવાઈ છે. ઈજનેર વિભાગ દ્વારા વિવિધ ખોદકામ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરાઇ છે. રોડ રીપેરીંગ, ફૂટપાથ રીપેરીંગ અને લાઇટની કામગીરી પૂર્ણ કરવા કડક તાકીદ કરાઇ છે.
બીજીબાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.12મી જૂલાઇએ ગુજરાતની એક દિવસની ટૂંકી મુલાકાતે આવી રહ્યા છે. તે દરમ્યાન તેઓ તા.12મી જુલાઈનાં રોજ જગન્નાથ રથયાત્રાની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહેશે. ત્યારે હવે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. અલબત્ત, કોવીડ ગાઇડલાઇન્સ, પ્રોટોકોલ અને કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનાં આયોજન અંગેની મંજુરી મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. તો, લાખો શ્રધ્ધાળુ ભકતો પણ આ વર્ષે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા એ જ ઉત્સાહભર્યા અને ભકિતભર્યા વાતાવરણ અને માહોલ વચ્ચે નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.