પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા બદલ ભરૂચ પોલીસને પ્રોત્સાહિત કરવા રાજય સરકારનો નિર્ણય
(વિવેક આચાર્ય દ્વારા)
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું, ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા સારૂ આ જવાનોએ પોતાના જાનની પરવા કર્યા સિવાય કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી. એટલા માટે એમને પ્રોત્સાહિત કરવા રાજય સરકારે આ નિર્ણય કર્યો છે.
કટોકટીભર્યા સંજોગોમાં પોતાના જીવની પરવા કર્યા વિના જાનની બાજી લગાવી 25 દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસના કર્મચારીઓ-અધિકારીઓને રાજય સરકારે ઇનામની જાહેરાત કરી તેમની સંનિષ્ઠ કામગીરીને બિરદાવી છે એટલું જ નહી, પોલીસનું નૈતિક મનોબળ અને ઉત્સાહ વધારવાનું પણ એક ઉમદા કાર્ય કર્યું છે. રાજય સરકારના આ નિર્ણયને પગલે માત્ર ભરૂચ પોલીસ જ નહી પરંતુ સમગ્ર રાજય પોલીસ તંત્રમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી ફેલાઇ ગઇ છે.