રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-ગુજરાત દ્વારા જિલ્લા અને તાલુકા શાખાઓને ઑક્સીજન કોન્સન્ટ્રેટર્સનું વિતરણ : ઑક્સીજન બેન્ક શરૂ કરાશે
સઘન રસીકરણ, કોરોના સંદર્ભે યોગ્ય વ્યવહાર અને જનશક્તિના સામર્થ્યથી કોરોનાનો સામનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.17
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઇન્ડિયન રેડક્રૉસ-ગુજરાતની જિલ્લા અને તાલુકા શાખાઓને ઑક્સીજન કન્સન્ટ્રેટર્સનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, માનવ સેવાના ઉત્તમ કાર્યો દ્વારા રેડક્રોસ-ગુજરાતે અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, નર સેવા એ જ નારાયણ સેવા છે ત્યારે ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી ગુજરાત દ્વારા આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલાં વિવિધ સેવા કાર્યો ખરા અર્થમાં ઈશ્વરીય કાર્ય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સંક્રમણ સામેના જંગમાં રાજભવનને પણ સક્રિય થવા માર્ગદર્શન આપ્યું હતું જેના કારણે ગુજરાત રાજભવન ખાતે કોરોના સેવાયજ્ઞનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને જીવન જરૂરી કીટનું વિતરણ કરાયું હતું. સરકાર સંચાલિત હોસ્પિટલમાં 150 થી વધુ ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેમજ પાંચ જેટલા ઑક્સીજન પ્લાન્ટની સ્થાપના પણ કરાઈ હતી. રાજ્યપાલશ્રીએ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરનો સઘન રસીકરણ, કોરોના સામેના યોગ્ય વ્યવહાર અને જનશક્તિના સામર્થ્યથી સામનો કરવા અનુરોધ કરી લોકોને જરૂરી શિસ્તનું પાલન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુજરાત શાખાને 350 ઑક્સીજન કન્સન્ટ્રેટર્સ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી 33 જિલ્લાઓની જિલ્લા શાખાને પ્રત્યેકને પાંચ અને 75 તાલુકા શાખાને પ્રત્યેકને બે ઑક્સીજન કન્સન્ટ્રેટર્સનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું અને દરેક રેડક્રોસ શાખામાં ઑક્સીજન બેન્કની શરૂઆત કરવામાં આવે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી – ગુજરાત શાખાના તબીબી ક્ષેત્રે થઈ રહેલાં સેવા કાર્યોને બીરદાવી સેવા ક્ષેત્રનો વ્યાપ વધારવા જણાવ્યું હતું. નેશનલ હેલ્થ મિશનના ગુજરાતના મિશન ડિરેક્ટર શ્રીમતી રમ્યા મોહને ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટીની થેલેસેમિયા, સિકલસેલ અને કોરોના જેવી મહામારીમાં થઈ રહેલી સેવા પ્રવૃત્તિને આશીર્વાદરુપ જણાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું સ્વાગત કરતા ગુજરાત રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ ડૉ. ભાવેશ આચાર્યે ગુજરાત રેડક્રોસ સોસાયટીની સાફલ્યગાથા વર્ણવી રાષ્ટ્રીય કક્ષાએ છેલ્લા વર્ષોમાં મળેલાં ચાર રાષ્ટ્રીય પુરસ્કારો અને રૂ. 50 લાખના ઈનામ સંદર્ભે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, બ્લડ બેન્ક દ્વારા રક્ત એકત્રિત કરવા ક્ષેત્રે રેડક્રોસ ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. કાર્યક્રમના અંતે ગુજરાત રેડક્રૉસના ઉપાધ્યક્ષશ્રી સુમિત ઠક્કરે આભારદર્શન કર્યું હતું.
bharatmirror #bharatmirror21 #news