નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા બહુ મહત્વની જાહેરાત
કોરાનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં રાજય સરકાર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ અને સીટી સ્કેનના દરોમાં નોંધનીય ઘટાડાની મહત્વની જાહેરાત કરાઇ
હવે સામાન્ય માણસના ખિસ્સાને પોષાય તેવા દરે આરટીપીસીઆર ટેસ્ટ થઇ શકશે – હવે એરપોર્ટ પર પણ માત્ર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.28
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ અને સંભાવનાઓને ધ્યાને લઇને ગુજરાત સરકારે અગમચેતીના ભાગરૂપે પહેલેથી જ મહત્વના નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા ખૂબ મહત્વની અને સામાન્ય માણસને લાભકારક એવી જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે આરટીપીસીઆર(RT PCR), સિટીસ્કેન (CT scan) અને એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. હવે કોઇપણ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે અને સિટીસ્કેનમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરાતા તે પણ 2500 રૂપિયામાં થઇ શકશે. જયારે એરપોર્ટ પર માત્ર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. સરકાર દ્વારા કોરોના ટેસ્ટના આ દરોમાં કરાયેલા ઘટાડાને પગલે આમજનતાને પણ મોટી રાહત મળશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજયની તમામ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો ટેસ્ટ થાય છે. જો કે, ખાનગી લેબોરેટરી અને અન્ય સ્થળોએ થતાં આરટીપીસીઆર ટેસ્ટના દરમાં સરકાર દ્વારા નોંધનીય ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવેથી આ ટેસ્ટ માત્ર 400 રૂપિયામાં જ ખાનગી લેબોરેટરીના કરાવી શકાશે. તેમજ જો ઘરે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 550 રૂપિયામાં ઘરે બેઠા આરટીપીસીઆર ટેસ્ટ થશે. તેમજ એરપોર્ટ પર 2700 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકાશે. અગાઉ એરપોર્ટ પર આ ટેસ્ટ 3000 રૂપિયામાં થતો હતો, જેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આમ, સરકાર દ્વાર આરટીપીસીઆર ટેસ્ટના દરોમાં બહુ નોંધપાત્ર ઘટાડો કરાયો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યુ કે, એરપોર્ટ પરથી આવતા કે જતા આપણા ગુજરાતી કે ભારતીયો માટે તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવવાનો ભાવ અત્યાર સુધી 4000 રૂપિયા હતો. હવે આ ટેસ્ટમાં 1300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેથી ટેસ્ટની કિંમત 2700 રૂપિયા થઇ છે. તો, કોરોનાની પરિસ્થિતિ જાણવા માટે એચઆરસીટી એ સીટી સ્કેન મશીન દ્વારા કરવામાં આવે છે, તેનો દર 3000 રૂપિયા લેવામાં આવતો હતો. જેમાં પણ 500 રુપિયાનો ઘટાડો કરીને 2500 રૂપિયા કરવામાં આવ્યો છે. હું એક સ્પષ્ટતા કરું કે, સરકારી હોસ્પિટલોમાં જ્યાં જ્યાં સિટી સ્કેન મશીનો છે ત્યાં ત્યાં આ ટેસ્ટ રાજ્ય સરકાર વિના મૂલ્યે કરે છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સિટી સ્કેન ટેસ્ટ પહેલા કહ્યું તે પ્રમાણે, સરકારી હોસ્પિટલોમાં મફત કરી આપવામાં આવે છે. ત્યારે આપણા રાજ્યમાં સિટી સ્કેન અને એમઆરઆઇ મશીનોની વધતી માંગને ધ્યાને રાખતા કોરોના ઉપરાંત પણ અન્ય બીમારીની સારવારમાં સિટી સ્કેન અને એમઆરઆઈનાં રિપોર્ટ અગત્યનાં હોય છે. એટલે જિલ્લા કક્ષાની 17 હોસ્પિટલોમાં નવા સિટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં પણ નવા સિટી સ્કેન મશીન વસાવવામાં આવશે. આગામી દિવસોમાં રૂ.112 કરોડનાં નવા મશીનો ખરીદવામાં આવશે જેના કારણે નાગરિકોને કોઇપણ ખાનગી હોસ્પિટલોમાં આ ટેસ્ટ કરાવવા જવું નહીં પડે. આમ, રાજય સરકાર દ્વારા કોરાનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં જ આગોતરા આયોજનના ભાગરૂપે અનેક મહત્વના નિર્ણયો લઇ પ્રજાને કોઇપણ જાતની તકલીફ ના પડે અને આરોગ્ય વિષયક સેવાઓ વધુ સુદ્રઢ અને સુચારૂરૂપે ઉપલબ્ધ થાય તેની ખાસ તકેદારી રાખી છે એમ પણ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું.
bharatmirror #bharatmirror21 #news