સંભવિત કોરોનાના થર્ડ વેવને પહોંચી વળવા આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો અને ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં રૂ.૧૧૨.૫૦ કરોડના ખર્ચે નવા ૨૬ સિટી સ્કેન મશીન અને ૩ એમ.આર.આઇ. મશીનની સુવિધા ઉપલબ્ધ કરાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
જી.એમ.ઈ.આર.એસ સંલગ્ન સોલા, વડોદરા અને ગાંધીનગર ખાતેની મેડીકલ કોલેજોમાં પણ એમ.આર.આઇ. મશીન માટે અપાઈ મંજૂરી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.28
રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે વધુ એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું છે કે, કોરોનાની સાપ્રંત પરિસ્થિતિમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરીણામે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સંદર્ભે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન બનાવીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ કરોડના ખર્ચે સિટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.
તેમણે ઉમેર્યુ કે, જી.એમ.ઈ.આર.એસ સંલગ્ન સીવીલ હોસ્પિટલ-સોલા, ગોત્રી હોસ્પિટલ-વડોદરા અને સીવીલ હોસ્પિટલ-ગાંધીનગર ખાતે પણ રૂ.૩૦ કરોડના ખર્ચે એમ.આર.આઇ. મશીનની સુવિધાઓ પુરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ રૂ.૧૧૨.૫૦ કરોડના ખર્ચે કુલ-૨૯ મશીનો દ્વારા હોસ્પિટલોને અદ્યતન સુવિધાયુક્ત બનાવવાનો નિર્ણય કરેલ છે.
તેમણે ઉમેર્યું કે, આરોગ્ય વિભાગ હસ્તકની આણંદ, આહવા-ડાંગ, બોટાદ, ભરૂચ, છોટાઉદેપુર, ગોધરા, જામખંભાળીયા, લુણાવાડા, મહેસાણા, નવસારી, રાજપીપળા, સુરેન્દ્રનગર, વેરાવળ અને વ્યારા જનરલ હોસ્પિટલ, તેમજ એસ.એસ.હોસ્પિટલ- પેટલાદ, પી.કે.હોસ્પિટલ- રાજકોટ અને જમનાબાઇ હોસ્પિટલ, વડોદરા ખાતે ૧-૧ CT Scan મળી કુલ-૧૭ 16 Slice સીટી સ્કેન મશીનો કુલ રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ અમદાવાદ,એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા, નવી સિવિલ હોસ્પિટલ સુરત, સર ટી. હોસ્પિટલ ભાવનગર, પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ, જી.જી. હોસ્પિટલ જામનગર, જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગાંધીનગર, જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ગોત્રી-વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧-૧ 128 Slice CT Scan મળી કુલ-૦૯ મશીનો કુલ રૂ.૪૫.૦૦ કરોડના ખર્ચે ફાળવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ સેવાઓ ઉપલબ્ધ થવાથી કોરોના સિવાયના દર્દીઓને પણ અન્ય રોગોની તપાસ માટે પણ સ્થાનિક જિલ્લા કક્ષાએ સુવિધા ઉપલબ્ધ થશે, જેના પરિણામે નાગરિકોને સારવાર માટે દૂર જવુ નહી પડે તેમજ આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે.
bharatmirror #bharatmirror21 #news