પાણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓની લારીઓ-દુકાનોની તપાસ માટે રાજયવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ – પાણીપુરી, ચટણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી
પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ વાસી, ખરાબ, બગડેલા ખોરાકનો આશરે 1500 કિલોગ્રામ બટાકા-મસાલો, કાચો માવો અને આશરે 1335 લિટર પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણીનો તૈયાર જથ્થો કે જેની બજાર કિંમત અંદાજે રૂ.90,569 થવા જાય છે, તેનો તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા લેવાયેલા કુલ 636 નમૂનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા
હાલની ચોમાસાની વર્ષાઋતુને ધ્યાનમાં લઇ પાણીજન્ય કે ખોરાકજન્ય રોગચાળો અટકાવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જુદી જુદી ટીમો દ્વારા રાજયના જુદા જુદા શહેરોમાં પાણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓની લારીઓ-દુકાનોની તપાસ માટે રાજયવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.28
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જુદી જુદી ટીમો દ્વારા રાજયના જુદા જુદા વિસ્તારોમાં પાણીપુરી સહિતના લારી-ફેરિયાઓ વાળાના ત્યાં ત્રાટકીને પાણીપુરી, પાણીપુરી માટેના પાણી, બટાકા-ચણાના કાચા માવા, ચટણી વગેરેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમો દ્વારા લેવાયેલા કુલ 636 નમૂનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જયારે પ્રાથમિક દ્રષ્ટિએ જ જોવા મળેલા વાસી, ખરાબ અને બગડેલા ખોરાકનો આશરે 1500 કિલોગ્રામ બટાકા-મસાલો, કાચા માલ ઉપરાંત 1335 લિટર પાણીપુરી માટેના તૈયાર પાણી અને ચટણીના તૈયાર જથ્થાનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. જે જથ્થાની બજારકિંમત અંદાજે રૂ.90,569 થવા જાય છે. આમ, પાણીપુરીવાળા લારીઓ, ફેરિયાઓ અને વેપારીઓ દ્વારા ચોખ્ખાઇ અને આરોગ્યપ્રદ બાબતોનું પાલન નહી થતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજય વ્યાપી ચકાસણી ઝુંબેશની સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરાઇ છે, જેને લઇ હવે પાણીપુરી, ચટણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, જાહેરજનતાને શુધ્ધ, સલામત, પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા પ્રયત્નશીલ છે. પાણીપુરી, ચટણીપુરી વગેરે ફાસ્ટફુડનો રાજયના તમામ નાના-મોટા નાગરિકો રોજિંદા વપરાશ અને ખાણીપીણીમાં ઉપયોગ કરતાં હોઇ હાલની ચોમાસાની વર્ષાઋતુને ધ્યાનમાં લઇ પાણીજન્ય કે ખોરાકજન્ય રોગચાળો અટકાવવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જુદી જુદી ટીમો દ્વારા રાજયના જુદા જુદા શહેરોમાં પાણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓની લારીઓ-દુકાનોની તપાસ માટે રાજયવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવામાં આવી છે,
રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી એચ.જી.કોશીયાએ વધુમાં જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જુદી જુદી ટીમો દ્વારા આશરે 4000 જેટલા પાણીપુરીની લારીઓવાળા, ફેરિયાઓ, વેપારીઓ-દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જે દરમ્યાન પાણીપુરી, પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણી, બટાકા-ચણાના મસાલો, કાચો માવો વગેરેની ગુણવત્તાની ચકાસણી માટે કુલ 636 નમૂનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય સ્થળ પર તપાસ દરમ્યાન જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઇ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ વાસી, ખરાબ, બગડેલા ખોરાકનો આશરે 1500 કિલોગ્રામ બટાકા-મસાલો, કાચો માવો અને આશરે 1335 લિટર પાણીપુરી માટેનું તૈયાર પાણી, ચટણીનો તૈયાર જથ્થો કે જેની બજાર કિંમત અંદાજે રૂ.90,569 થવા જાય છે, તેનો તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજય વ્યાપી ચકાસણી ઝુંબેશની હાથ ધરાયેલી સ્પેશ્યલ ડ્રાઇવને પગલે હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પાણીપુરી, ચટણીપુરી વેચતા ફેરિયાઓ, લારીવાળા અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.
bharatmirror #bharatmirror21 #news