સમગ્ર રથયાત્રા પસાર થઇને નિજમંદિર પરત આવે ત્યાં સુધી એટલે કે, સવારે 7-00 વાગ્યાથી બપોરે 2-00 વાગ્યા સુધી સમગ્ર રૂટ પર કરફયુ રહેશે. એટલે કે, કરફયુના કડક અમલ વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવશે
કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલના ચુસ્ત પાલન વચ્ચે નીકળશે રથયાત્રા ભક્તો રથની નજીકથી દર્શન કરી શકશે નહી
લાખો ભકતોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમુક શરતોને આધીન રથયાત્રા યોજવાની મંજુરી આપતા ભકતો ભાવવિભોર બન્યા
કોરોના મહામારીને લઇ સાવચેતીના ભાગરૂપે જાહેરજનતાને રથયાત્રામાં સહભાગી બનવાની પરવાનગી અપાઇ નથી પરંતુ લોકો ટીવીના માધ્યમથી રથયાત્રાના ઘેરબેઠા દર્શન કરે તેવી સરકાર તરફથી અપીલ કરવામાં આવી
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.8
અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા કોરોનાકાળમાં યોજાશે કે નહિ ? તે બાબતની અટકળો ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. આજે લાખો ભકતોની માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમુક શરતોને આધીન રથયાત્રા યોજવાની મંજુરી આપતા ભકતો ભાવવિભોર બની ગયા છે. અલબત્ત, રથયાત્રા દરમ્યાન કોરોના સંક્રમણ ના ફેલાય તે હેતુથી લોકો રથની નજીકથી દર્શન નહી કરી શકે. વળી, સમગ્ર રથયાત્રા પસાર થઇને નિજમંદિર પરત આવે ત્યાં સુધી એટલે કે, સવારે 7-00 વાગ્યાથી બપોરે 2-00 વાગ્યા સુધી સમગ્ર રૂટ પર કરફયુ રહેશે. એટલે કે, કરફયુના કડક અમલ વચ્ચે રથયાત્રા નીકાળવામાં આવશે. રથયાત્રા નિજમંદિર પરત ફરે એટલે કરફયુનો અમલ સમાપ્ત થશે. રાજય સરકાર દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ ગાઇડલાઇન્સના ચુસ્તપણે પાલન અને પ્રોટોકોલ વચ્ચે જ રથયાત્રા નીકળશે. આ વર્ષે કોરોના મહામારીને લઇ સાવચેતીના ભાગરૂપે જાહેરજનતાને રથયાત્રામાં સહભાગી બનવાની પરવાનગી અપાઇ નથી પરંતુ લોકો ટીવીના માધ્યમથી રથયાત્રાના ઘેરબેઠા દર્શન કરે તેવી અપીલ કરવામાં આવે છે. કરફયુના કડક અમલ વચ્ચે અમદાવાદ શહેરમાં નીકળશે રથયાત્રા.
ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતુ કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળશે, પરંતુ ભક્તો રથની નજીકથી દર્શન કરી શકશે નહી. આ વખતની રથયાત્રામાં માત્ર પાંચ વાહનની જ પરવાનગી આપવામાં આવી છે. જેમાં ત્રણ ભગવાનનાં રથ અને એક મહંતશ્રી અને ટ્રસ્ટીશ્રીનું વાહન જ રથયાત્રામાં જોડાશે. આ આખા રૂટ પર કરફ્યૂનું પાલન પણ કરવામાં આવશે. એટલે કે, સવારે 7-00 વાગ્યાથી બપોરે 2-00 વાગ્યા દરમ્યાન કરફયુનો અમલ કરવામાં આવશે અને કરફયુની અમલવારી વચ્ચે જ સમગ્ર રથયાત્રા પસાર થશે. જેથી લોકોએ દર્શન કરવા માટે રથની નજીક આવવું નહી અને લોકો ઘરે બેસીને ટીવીનાં માધ્ય દ્વારા જ આ રથયાત્રાનાં દર્શન કરે તેવી અપીલ કરવામાં આવે છે. રથયાત્રામાં આ વર્ષે ગજરાજો, ટ્રકો, ભજનમંડળી કે અખાડા જોડાશે નહી. માત્ર પાંચ વાહનો સાથે રથયાત્રા નીકળ્યા બાદ નિજમંદિરે પરત ફરશે ત્યાં સુધી કોઇપણ ઠેકાણે રથ રોકાશે નહી. રથયાત્રા દરમ્યાન પ્રસાદ વિતરણ પણ નહી થાય. આ બધી શરતોને આધીન અમદાવાદ શહેરમાં રથયાત્રા નીકાળવા અંગે રાજય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ તા.12મી જૂલાઇએ રથયાત્રાના દિવસે વહેલી સવારે જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતીમાં હાજર રહેશે. તો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ પહિંદવિધિમાં હાજરી આપશે. પહિંદ વિધિ સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં અને મર્યાદિત લોકોની હાજરીમાં વિધિ કરીને રથનું પ્રસ્થાન કરવામાં આવશે.
લાખો શ્રધ્ધાળુ ભકતોમાં રથયાત્રા નીકાળવા માટે રાજય સરકાર દ્વારા મંજૂરી અપાતાં ખુશી, ભકિત અને ઉત્સાહનો માહોલ જાણે છવાઇ ગયો છે. પરંતુ નગરજનોને રથયાત્રામાં સહભાગી બનવાની અને દર્શન કરવાની મંજૂરી નહી મળતાં ભકતજનોમાં પણ કંઇક અંશે નિરાશા પણ વ્યાપી છે. પરંતુ તેમછતાં લોકોમાં રથયાત્રાને લઇ એક પ્રકારની ખુશીની લાગણી નિશંકપણે પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લઇ ગયા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળી શકી ન હતી અને માત્ર મંદિર પરિસરમાં જ તે નીકળી તેનું સમાપન થયુ હતુ, જેને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતોની ધાર્મિક લાગણી અને આસ્થા દુભાયા હતા પરંતુ આ વખતે કોરોનાના કેસો ઘટતાં અને રાજય સરકારના પ્રયાસોના કારણે કોરોનાનું સંક્રમણ ગુજરાતભરમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ કાબૂમાં આવી જતાં રાજય સરકાર દ્વારા આગામી તા.12મી જૂલાઇના રોજ અમદાવાદ શહેરમાં રથયાત્રા યોજવાને લઇ લીલીઝંડી આપવામાં આવી છે. જો કે આ માટે કોરોનાની ગાઈડલાઈન્સનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે એટલુ જ નહી રથયાત્રાના સમગ્ર રૂટ પર કરફયુના અમલ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ રથમાં બેસી નગરની પરિક્રમાએ નીકળશે. લોકો ટીવી અને સમાચાર માધ્યમો મારફતે રથયાત્રાના દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ એક જ દિવસ એવો હોય છે કે, જયારે જગતનો નાથ પોતાની બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે રથમાં સવાર થઇ પોતાના લાખો શ્રધ્ધાળુ ભકતોને ઘેરબેઠા દર્શન આપવા નીકળે છે ત્યારે ભકતો પણ ઘેરબેઠા પ્રભુના દર્શન પામી અનન્ય ધન્યતાનો અનુભવ કરે છે. આજે રથયાત્રાને મંજુરી મળી જતા હવે તે માટેની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ખાસ કરીને લાખો શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને જોશનો માહોલ છવાઇ ગયો છે.
બીજીબાજુ, અમદાવાદ શહેરમાં હવે રથયાત્રા નીકાળવાની મંજૂરી મળતાં પોલીસ તંત્ર માટે પણ બહુ મોટી જવાબદારી બની છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ અને ખાસ કરીને સંવેદનશીલ સ્થાનો પર લોખંડી પોલીસ બંદોબસ્ત, સીસીટીવી, ફુટ પેટ્રોલીંગ, વ્હીકલ પેટ્રોલીંગ, ડ્રોન સહિતના માધ્યમથી સુરક્ષા અને સલામતીને કડક અમલવારી શરૂ કરી દેવાઇ છે. શહેરની એકેએક ગતિવિધિ અને હિલચાલ પર પોલીસ તંત્ર દ્વારા બાજ નજર રખાઇ રહી છે.
bharatmirror #bharatmirror21 #news