ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ તેમના ભાઇ…ભાઇ….ભલા મોરી રામા ગીતની વારેઘડીયે બોલીવુડની ફિલ્મોમાં ઉઠાંતરીને લઇને સર્જાયેલા વિવાદ મુદ્દે દિલ ખોલીને વાત કરી
અરવિંદ વેગડાના મતે, આ પ્રકારે ગુજરાતી લોકગીતો, રચનાઓ અને લોકપ્રિય ગીતોને પબ્લીક ડોમેનના નામે બારોબાર ઉઠાવી બોલીવુડ કોમર્શીયલ નફો રળે છે, જયારે તેની રચના કરનારા, કે તે ગીતને તૈયાર કરનારા અને ખરી મહેનત કરનારા લોકો યોગ્ય ક્રેડિટ, પ્લેટફોર્મ કે વળતર વિનાના રહી જાય છે
આવી અનઅધિકૃત પ્રવૃત્તિના કારણે નહી માત્ર તે કલાકારના માન, સન્માનને ઠેસ પહોંચે છે પરંતુ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને ગૌરવની ગરિમાને પણ હાનિ પહોંચે છે, તેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ થવી જરૂરી છે અને તે માટે જ અમે હવે લડત આપવાનું નક્કી કર્યું છે. – અરવિંદ વેગડા
અમદાવાદ,તા.12
ગુજરાતના જાણીતા ગીતો, રચનાઓ અને પબ્લીક ડોમેનના નામે બારોબાર ઉઠાવી કોમર્શીયલ નફો રળતા બોલીવુડ સામે ગુજરાત જાણીતા કલાકાર અને ભાઇ…..ભાઇ…., ભલા મોરી રામા ફેમ અરવિંદ વેગડાએ ભારોભાર નારાજગી વ્યકત કરી છે. ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાની જાળવણી અને રક્ષા માટે અરવિંદ વેગડાએ ગુજરાતી કલાકારો સાથે મળીને લડત આપવાનું મન બનાવ્યું છે. અરવિંદ વેગડાના મતે, આ પ્રકારે ગુજરાતી લોકગીતો, રચનાઓ અને લોકપ્રિય ગીતોને પબ્લીક ડોમેનના નામે બારોબાર ઉઠાવી બોલીવુડ કોમર્શીયલ નફો રળે છે, જયારે તેની રચના કરનારા, કે તે ગીતને તૈયાર કરનારા અને ખરી મહેનત કરનારા લોકો યોગ્ય ક્રેડિટ, પ્લેટફોર્મ કે વળતર વિનાના રહી જાય છે, તે બહુ ગંભીર અન્યાય અને બિલકુલ ગેરવાજબી વાત કહી શકાય. પોતાના બહુ લોકપ્રિય બનેલા અને વૈશ્વિક ફલક પર ગવાઇ રહેલા ભાઇ ભાઇ, ભલા મોરી રામા ગીતને ઉઠાંતરી કરનારા લોકોને અરવિંદ વેગડાએ કાનૂની નોટિસ પણ પાઠવી હવે કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાતના જાણીતા કલાકાર અરવિંદ વેગડાએ ભારત મિરર સાથેની એક ખાસ વાતચીતમાં તેમના ભાઇ…ભાઇ….ભલા મોરી રામા ગીતની વારેઘડીયે બોલીવુડની ફિલ્મોમાં ઉઠાંતરીને લઇને સર્જાયેલા વિવાદ મુદ્દે નિખાલસતાપૂર્વક જણાવ્યું હતું કે, સાચુ કહું તો, આ ગીતની રચના કરવાની પ્રેરણા મને ભવાઇમાંથી મળી હતી, 13મી સદીમાં અસાઇત ઠાકર દાદાએ ભવાઇની રચના કરી હતી, આખરે 2010માં દોઢ વર્ષની મહેનત બાદ ભલા મોરી રામા, ભાઇ ભાઇ ગીતની રચના કરી…અને તે એટલી હદે લોકપ્રિય બન્યું કે, આજે વૈશ્વિક ફલક પર તે ગવાતુ થઇ ગયુ છે. આ ગીતની લોકપ્રિયતાને જોતાં 2012માં આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ચૂંટણીના પ્રચાર સંદર્ભે મને એક ખાસ ટાસ્ક સોંપ્યુ હતુ જે, છ મહિના સુધી ચાલ્યું હતું. દરમ્યાન 2013-14માં સંજય લીલા ભણશાળીએ તેમના આ ગીતને લોકગીતના ફોર્મેટમાં ઉઠાવી સીધુ તેની ફિલ્મમાં મૂકી દીધુ, એ પછી પણ આવી ઘટનાઓ સામે આવી હતી પરંતુ એ વખતે આપણે નોલેજના અભાવ કે ઓછા રિસોર્સીંસના કારણે કોઇ કાર્યવાહી કરી શકયા ન હતા પરંતુ તાજેતરમાં 2021માં ભુજ ફિલ્મ કે જે ગુજરાતની શૌર્ય ગાથા પર આધારિત ફિલ્મ છે, તેમાં પણ આ ગીતને ભાઇ ભાઇ, ભલા મોરી રામાને ઉઠાવીને મૂકવામાં આવ્યું છે, જે કોઇપણ પ્રકારની પરમીશન કે મંજૂરી કે અધિકૃત બહાલી વિના બારોબાર ઉઠાંતરી કરી તેના રચયિતા કે ગાનારને વિશ્વાસમાં લીધા વિના કે તેમની મંજૂરી લીધા વિના બારોબાર પબ્લીક ડોમેનના નામે ઉઠાવી કોમર્શીયલ નફો રળવાના આશયથી મૂકી દેવાયું છે, તે બિલકુલ ગેરવાજબી અને અન્યાયી વાત છે.
આવી અનઅધિકૃત પ્રવૃત્તિના કારણે નહી માત્ર તે કલાકારના માન, સન્માનને ઠેસ પહોંચે છે પરંતુ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને ગૌરવની ગરિમાને પણ હાનિ પહોંચે છે, તેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ થવી જરૂરી છે અને તે માટે જ અમે હવે લડત આપવાનું નક્કી કર્યું છે. એવું નથી કે, બોલીવુડ કે બીજા પ્લેટફોર્મ પર માત્ર મારા ગીતની જ ઉઠાંતરી થઇ છે., આ અગાઉ મન મોરી બને થનગાટ કરે, ઓઢણી ઓઢુ ઓઢુ, રંગલો, સનેડો, લીલી લેંબડી, પેથલપુર સહિતના અનેક ગીતો અને રચનાઓને બારોબાર ઉઠાવી લેવાયા છે અને બોલીવુડ દ્વારા જે ક્રિએટર્સ કે જે સાચા મહેનત કરનાર લોકો છે તેઓને ક્રેડિટ કે વળતર નથી અપાતુ અને તેઓને વિશ્વાસમાં સુધ્ધાં લેવાતા નથી ત્યારે તે વાતનું બહુ દુઃખ થાય છે.
અરવિંદ વેગડાએ ઉમેર્યું કે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાંથી આ પ્રકારની લોકપ્રિય ગીતો, રચનાઓ વગેરે તૈયાર કરનારા ગુજરાતના કલાકારો, કલાને ન્યાય મળે તે જ મુખ્ય ઉદ્દેશ છે આ લડતનો..એવું નથી કે બધા ઉઠાંતરી કરીને વિશ્વાસઘાત કરે છે. કેટલાક એવા પણ લોકો છે કે જે આપણા કલાકારો કે તેમની કલા, ગીતો અને રચનાઓને કદર કરી ક્રેડિટ પણ આપે છે. તાજેતરમાં જ બચપન કા પ્યાર ગીતને જાણીતા રેપ સીંગર બાદશાહે ગાયુ પરંતુ તેણે તે પેટે જરૂરી વળતર આપી ક્રેડિટ પણ આપી એટલે તે એક સારી વાત કહી શકાય.. હોટેલ, સમારોહ કે બીજે કયાંય પણ આ પ્રકારે ગીતો, લોકગીતો કે રચનાઓને પરફોર્મ કરો ત્યારે પણ તે માટેના જરૂરી લાયસન્સ અને નિયમો હોય છે, તે પાળવા જરૂરી છે. તેથી અમે ગુજરાતના કલાકારો ગુજરાતની કલા, સંસ્કૃતિ, રચનાઓ, ગીતો, અને કલાકારોના ન્યાય માટે આ લડત ચલાવી રહ્યા છીએ અને ભવિષ્યમાં આ પ્રકારે ગુજરાતના કોઇપણ ગીત, રચના કે, લોકગીતોને બોલીવુડ જ નહી પરંતુ અન્ય કોઇપણ ઇન્ડસ્ટ્રીઝ કે તેના સંબંધિત લોકો બારોબાર પબ્લીક ડોમેનના નામે બારોબાર ઉઠાવે નહી અને જો તેમને આપણા ગુજરાતી ગીતો, રચના કે સુંદર લોકગીતોને તેમની ફિલ્મો કે ક્રિએશનમાં જરૂર હોય તો પહેલા તે માટે આપણા લોકોને વિશ્વાસમાં લે, તેમની અધિકૃત મંજૂરી મેળવે, તેમને પૂરતી ક્રેડિટ અને વળતર આપે તે અમારી સીધી માંગ છે.
bharatmirror #bharatmirror21 #news